રાજસ્થાન, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો રાફડો ફાટ્યોઃ દેશના પાંચ રાજ્યોમાં કુલ 21 કેસ

| Updated: December 5, 2021 9:00 pm

ભારતમાં કોરોના વાઈરસના ખતરનાક ગણાતા ઓમિક્રોન વેરિયન્ટના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે રાજસ્થાનમાં એક જ પરિવારમાં ઓમિક્રૉનના નવા 9 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 7 કેસ નોંધાયા છે જેમાં પિંપરી ચિંચવાડમાં 6 અને પૂણેમાં 1 કેસ નોંધાયો હતો. અગાઉ કર્ણાટક અને જામનગરમાં પણ ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રૉનના હવે કુલ 21 કેસ થયા છે.

જામનગરમાં એક વયોવૃદ્ધ વ્યક્તિને ઓમિક્રોન વેરિયન્ટનો ચેપ હોવાનું જાણવા મળ્યા બાદ તેના બે સ્વજનો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ લોકોને ઓમિક્રોન છે કે નહીં તેની તપાસ ચાલુ છે.

રવિવારે દેશમાં ઓમિક્રોનના એક જ દિવસમાં નવા 18 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં 9 દર્દી મળ્યા છે તેમાં 4 સભ્યો હાલમાં જ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. તેમના સંપર્કમાં આવેલા 5 લોકોમાં પણ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. દિલ્હીમાં પણ એક દર્દી નવા વેરિયન્ટથી સંક્રમિત થયો છે. અત્યારે દેશના 5 રાજ્યોમાં 21 કેસ થઈ ગયા છે.

ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનના દર્દીના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને બે લોકોને કોરોના હોવાનું જાણવા મળ્યું છે. આ લોકોના સેમ્પલ ગાંધીનગરની લેબમાં મોકલી આપ્યા છે તથા બંનેને જામનગરની હોસ્પિટલમાં આઈસોલેટ કરી દેવાયા છે.

મહારાષ્ટ્રમાં પિંપરી ચિંચવાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ 7 લોકોના સેમ્પલ્સનું જીનોમ સીક્વેન્સિંગ કરવામાં આવ્યું તેમાં તેમને નવા વેરિયન્ટનો ચેપ હોવાની પુષ્ટી થઈ છે.

રવિવારે સવારે દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો. દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે સંક્રમિત લોકો ટાન્ઝાનિયાથી આવ્યા હતા. એરપોર્ટ પર તપાસ કરવામાં આવ્યા બાદ તેઓને ઓમિક્રોનથી સંક્રમિત થયા હોવાની જાણકારી મળી છે. તેઓને દિલ્હીની LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓમિક્રોનના દર્દીના ગળામાં સોજો, થાક અને શરીરમાં દુખાવાના લક્ષણો મળ્યા હતા.

Your email address will not be published.