પોલીસ ભાગી જતાં પોતે શંકાસ્પદ હોવાનું સ્પષ્ટ, જિલ્લા એસપીના નજીકના અધિકારીઓ ભુગર્ભમાં
અમરેલીથી મદદ માટે પોલીસ બોલાવવી પડી, જિલ્લામાં જગ્યા બતાવવા કે મદદ કરવા પણ કોઇ તૈયાર નથી
રાજ્યના અમદાવાદ અને બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં હવે પોલીસ જ ભાગી રહી છે. જિલ્લા એસપીના નજીકમાં પોલીસ કર્મીઓ તો ભુગર્ભમાં જતા રહ્યા પરંતુ હવે સામાન્ય પોલીસ પણ જતી રહી છે. તપાસનું સુપરવિઝન કરનાર આઇપીએસ નિર્લિપ્ત રાય સોમવારે સવારે બરવાળા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. તેમની એન્ટ્રી થતાં ધરપકડના ડરે પોલીસ રીતસર પોલીસ સ્ટેશન છોડી ભાગી જતા પોલીસ સ્ટેશન ખાલી થઇ ગયા હતા. બરવાળા બાદ રાણપૂર અને તેના પછી ધંધુકા પોલીસ સ્ટેસનનો સ્ટાફ ભાગી જતાં તેમની ભુમિકા શંકાસ્પદ હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે. આઇપીએસ નિર્લિપ્ત રાયને તપાસ માટે આખરે અમરેલી જિલ્લામાંથી 3 જેટલા અધિકારીઓને બોલાવવાની ફરજ પડી હતી. જિલ્લામાં દારુના અડ્ડાની જગ્યા ઉપર તો ઠીક જે લોકોના મોત થયા છે તેમના ઘરે લઇ જવા માટે પણ જાણકાર પોલીસ જિલ્લામાં રહી નથી.
રાજ્યના અમદાવાદ અને બોટાદ જિલ્લાની હદમાં ઝેરી દારુ પીધા બાદ જે લઠ્ઠાકાંડ સર્જાયો હતો. આ લઠ્ઠાંકાંડમાં 50થી વધુ નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. નાશાબંધીની કન્ટ્રોલમાં આવતા મિથેનોલની ચોરી થઇ અને બુટલેગરે દારુ બનાવી તેને વેચાણ કર્યો તે વાત તો સ્પષ્ટ છે. લોકો દારુ પીવા જ ગયા હતા તે પણ સ્પષ્ટ થયું છે. આમ આ તપાસમાં સરકારે નિષ્ફળ નિવડનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદ જિલ્લા એસપી વિરેન્દ્ર યાદવ અને બોટાદ જિલ્લા એસપી કરણરાજ વાઘેલાની સજાના ભાગ રુપે સાઇડમાં પોસ્ટીંગ કરવામાં આવી હતી.
લઠ્ઠાકાંડ સર્જાયો તે જગ્યાના બે ડીવાયએસપી અને પીઆઇ, પીએસઆઇને સરકારે તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. સ્થાનિક પોલીસની ભુમિકા શંકાસ્પદ લાગતા આ તપાસ સરકારે સ્ટેટ મોનિટરીંગ સેલાના એસપી નિર્લિપ્ત રાયને સોપી હતી. દરમિયાનમાં તેમણે તપાસ સંભાળતાની સાથે જ તેઓ બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન ખાતે પહોચ્યા હતા. નિર્લીપ્ત રાય પોલીસ સ્ટેશન પહોચતા જ પોલીસ સ્ટેસનનો સ્ટાફ એક પછી એક ગુમ થઇ ગયો હતો. પોલીસને નિર્લીપ્ત રાયના ગનમેન અને સ્ટાફ શોધવા નિકળ્યો પરંતુ મોટા ભાગના લોકોના ફોન બંધ અને તેઓ પોલીસ સ્ટેશનથી જતા રહ્યા હતા.
દરમિયાનમાં નિર્લિપ્ત રાય આવ્યાની જાણ રાણપૂર અને ધંધુકા પોલીસ સ્ટેશન પણ થતાં ત્યાથી પણ અમુક સ્ટાફ રફુચક્કર થઇ ગયો હતો. દરમિયાનમાં બહાર આવ્યું હતુ કે, તપાસ અધિકારી ધરપકડ કરશે તે ડરે પોલીસ ભાગી ગઇ હતી. આમ પોલીસ ભાગી જતાં તમામની ભુમિકા શંકાસ્પદ હતી કે, કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. આખરે નિર્લિપ્ત રાયે અમરેલીથી પોતાની તપાસ માટે 3 અધિકારીઓ અને સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના નજીકના અધિકારીઓ પણ ભૂગર્ભમાં ઉતરી જતાં ચર્ચાનો વિષય બન્યો છે.