Site icon Vibes Of India

ગુજરાતમાં લગ્નની નોંધણીમાં કેન્દ્રના સેલ્ફ ટ્રુ-કોપીના કાયદાનો અમલ નહીં

કેન્દ્ર સરકારે સેલ્ફ-ટ્રુ કોપીનો કાયદો છેક 2014થી જ અમલમાં મૂક્યો છે

અમદાવાદઃ કેન્દ્ર સરકારે ભલે બધે સેલ્ફ ટ્રુ કોપી માન્ય કરી દીધી હોય પણ રાજ્ય સરકારોએ હજી પણ કેટલાક વિભાગો એવા રાખ્યા છે જેમા સેલ્ફ-ટ્રુ કોપી માન્ય નથી. તેના લીધે ગુજરાત જેવા રાજ્યમાં પણ લગ્ન નોંધણી કરાવવા અંગે લોકોએ હાલાકી ભોગવવી પડે છે. વડાપ્રધાન મોદીએ છેક 2014માં કરેલા સુધારાનો ગુજરાત સરકારે 2022નું વર્ષ આવ્યું તો પણ હજી અમલ કર્યો નથી.

રાજ્યની છ મહાનગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં લગ્ન રજિસ્ટ્રેશન અંગેની કાર્યવાહી થાય છે. તેમા સેલ્ફ ટ્રુ કોપી માન્ય નથી. તેના લીધે નાગરિકોને નોટરી કરાવવાનો ખર્ચ આવે છે. આ ઉપરાંત લગ્નની કંકોત્રીને બે વર્ષ થઈ ગયા હોય તો તેને પણ પુરાવા તરીકે માન્ય ગણવામાં આવતી નથી. તેના લીધે એફિડેવિટ કરાવવી પડે છે તેથી ખર્ચ વધી જાય છે.

સામાજિક કાર્યકર રોહિત પટેલના જણાવ્યા મુજબ લગ્ન નોંધણીમાં દરેક વરકન્યાના પાસપોર્ટ સાઇઝના ફોટા ફરજિયાત માંગવામાં આવે છે. આજે પણ તે ફોટા સ્કેન કરીને લગ્નના પ્રમાણપત્રમાં લગાવવામાં આવતા નથી. વાસ્તવમાં લગ્નના દરેક પ્રમાણપત્રમાં બંનેના ફોટા લગાવવા જ જોઈએ. તેથી ખ્યાલ આવે કે આ જ બંને વ્યક્તિઓએ લગ્ન કર્યા છે. તેમા પણ ફોટા તો આપેલા જ હોય છે. આમ બંનેના ફોટાવાળા લગ્નનું પ્રમાણપત્ર આપવું જોઈએ. ફોટા ઉપર અધિકારીનો સિક્કો હોવો જોઈએ.

તેના પછી લગ્ન નોંધણી થયા પછી એક જ ઓરિજિનલ કોપી મળે છે. જ્યારે ખરેખર દરેક સિવિક સેન્ટરમાં લગ્ન નોંધણીની ડુપ્લિકેટ નકલ મળવી જોઈએ. આ અંગે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.