ભરતી પરીક્ષાની ચૌથી “ટ્રાયલ”: રાજયમાં બિન સચિવાલયની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, વિદ્યાર્થીઓમાં ખુશી

| Updated: April 24, 2022 2:27 pm

ગુજરાતમાં આજે કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓ બિન સચિવાલયની પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. રાજ્યના 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર પરીક્ષાનું અયોજન કરવામાં આવ્યું હતું. તમામ કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જો ક, પેપર સરળ હોવાથી તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. આ પહેલા ત્રણ વાર પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી હતી.

બિન સચિવાલયની પરીક્ષાનું આજનું પેપર સરળ હોવાથી તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ ખુશ જોવા મળી રહ્યા હતા. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સચિવાલયના ઉચ્ચ અધિકારીઓથી લઇને તાલુકા કક્ષાના અધિકારીઓને પણ પરીક્ષાની કામગીરીમાં જોડી લેવાયા હતા. પ્રશ્ન પેપરની દરેક મુવમેન્ટ પર સ્થાનિકથી લઇને રાજ્ય કક્ષાના અધિકારીઓ નજર રાખીને બેઠા હતા. સ્ટ્રોંગ રૂમમાં શનિવારે સાંજે પ્રશ્ન પેપર પહોંચી ચૂક્યા હતા. પહેલા જે વિસ્તાર પ્રમાણે સ્ટ્રોંગરૂમ રાખવામાં આવતા તેના બદલે હવે શહેર પ્રમાણે એક જ સ્ટ્રોંગ રૂમ રખાયો હતો.

આ વખતે પહેલીવાર પરીક્ષા કેન્દ્ર પર દરેક ઉમેદવારનું મેટલ ડિટેક્ટર તેમજ ફિઝિકલ એમ બે વખત ચેકિંગ કરાયું હતું. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં આવેલી ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમય દરમિયાન બંધ રાખવી ફરજિયાત કરાઈ હતી. જો વેપારીઓ દુકાન ખુલ્લી રાખશે તો તેમની સામે પોલીસ ગુનો નોંધાઈ શકે.

3901 જગ્યાઓ માટે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ ખાતાની કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન વર્ગ-3 અને સચિવાલય વિભાગ માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 માટે 2018માં જાહેરાત બહાર પાડવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસે કુલ 11 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી હતી. જે પૈકી છની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્કની 189 જગ્યાઓ માટે 88 હજારથી વધારે વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાં પરીક્ષા આપી હતી. જોકે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા વિધાર્થી નેતા યુવરાજ સિંહે વિવિધ પુરાવાઓ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળને આપતા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને મેઇલ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની સૂચના આપ્યાની ગણતરીની મિનિટોમાં જ સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે 11 જેટલા આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી.

Your email address will not be published.