ઉત્તર – પશ્રિમ ભારતમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ, હજુ પણ પારો ગગડવાની આગાહી

| Updated: January 26, 2022 7:32 pm

ઉત્તર અને પશ્રિમ ભારતમાં હજુ પણ કોલ્ડ વેવ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોરથી ફૂંકાતા પવનો સાથે આખો દિવસ અને રાત હાડ થીજવતી ઠંડીના કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનુ પણ ટાળ્યુ છે. કાશ્મીરના કેટલાક વિસ્તારો જેવા કે, ગુલમર્ગ અને સાઉથ કાશ્મીરના ખીણમાં કેટલીક જગ્યાએ નવેસરથી હિમવર્ષા પડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. પ્રવાસન સ્થળ પહલગામમાં 5 ઈંચ બરફ અને કોકનબર્ગમાં બે ઈંચ જેટલો બરફ પડ્યો છે. આ ઉપરાંત સોનમર્ગ સહિતના વિસ્તારોમાં હજુ પણ ભારે બર્ફ પડ્યો હોવાના સમાચાર મળ્યા છે. દિવસેને દિવસે વધતી ઠંડી અને હિમવર્ષાના પગલે જનજીવન પણ ખોરવાયુ છે.

શ્રીનગરમાં તાપમન રાત્રે 0.4 ડિગ્રીથી વધી 2.8 ડિગ્રી થઈ ગયુ હતુ. પહલગામમાં તાપમાન માઈનસ 0.8 ડિગ્રીથી ઘટીને માઈનસ 1.8 ડિગ્રી નોંધાયુ હતુ. આ ઉપરાંત કોકનબર્ગ અને કાઝીગુંદમાં માઈનસ 0.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જોકે, ઉપરવાસમાં ભારે હિમવર્ષાના પગલે રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં પારો ગગડ્યો છે. આ ઉપરાંત માઉન્ટ આબુનું તાપમાન પણ માઈનસ 5 ડિગ્રીએ પહોંચ્યુ છે. જેથી બહાર પડેલુ પાણી પણ બરફ બની ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાડ થીજવતી ઠંડીના કારણે માઉન્ટ આબુનું જનજીવન પણ ખોરવાયુ છે. અને સૌથી વધારે ઠંડી પડવાના કારણે માઉન્ટ આબુ પણ રાજસ્થાનનુ સૌથી ઠંડુ શહેર નોંધાયુ છે.

જોકે હવામાન વિભાગની આગાહી દ્વારા આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી ગગડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, અને ગુજરાતમાં ગાત્રો ધ્રુજાવતી ઠંડી અનુભવાઈ છે. ગુજરાતમાં પણ ગાંધીનગર સતત બીજા દિવસે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર નોંધાયુ છે. ગાંધીનગરમાં ગઈકાલે ઠંડીનો પારો 4.3 થતા છેલ્લા એક દાયકાની રેકર્ડ બ્રેક ઠંડી ગાંધીનગરમાં પણ નોંધાઈ હતી. ગુજરાતમાં નલીયા અને ડિસા સાથે હવે ગાંધીનગર પણ ઠંડા શહેરોની યાદીમાં આવી ગયુ છે. સીઝનની રેકર્ડ બ્રેક ઠંડી પડતા વહેલી સવારે અને ઢળતી સાંજે રોડ રસ્તા પણ સુમસામ થઈ જતા હોય છે.

શ્રમજીવીઓ તેમજ ફુટપાથ પર રહેતા લોકોએ ઠંડીથી બચવા તાપણા કરી રહ્યા છે. ઠંડા પવન સાથે કાતીલ ઠંડી પડતા શર્દી, ઉધરસ અને તાવમાં સપડાયેલા લોકોની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. રાજ્યમાં કોવિડની સાથે સાથે વાયરલ કેસ અને શર્દી, ઉધરસ અને તાવની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. હાડ થીજવતી ઠંડીથી વૃદ્વો તેમજ સાંધા દુખાવાના દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, હિમવર્ષા યથાવત રહેતા હજુ પણ ઠંડી ચાલુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Your email address will not be published.