ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન અમે કોર્પોરેશન એકબીજાને ખો આપી રહ્યા છે
અમદાવાદઃ અમદાવાદમાં મેટ્રો રેલ્વેની કામગીરી ચાલી રહી છે, પરંતુ દસ હજાર કરોડના મેટ્રો રેલવે પ્રોજેક્ટમાં ક્યાયં પાર્કિંગની સગવડ છે જ નહી. આ મામલે ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકબીજાને ખો આપી રહ્યા છે.
અમદાવાદમાં મેટ્રો રેલવેનો પ્રથમ તબક્કો ઓગસ્ટમાં કાર્યરત પણ થઈ જશે, હાલમાં તેનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. મેટ્રો રેલવેમાં પહેલા વિલંબ થયા બાદ અને પછી ઉતાવળ કરવામાં પાર્કિંગની વાત જ કોરાણે મૂકાઈ ગઈ છે. અમદાવાદમાં મેટ્રો રેલવેની કામગીરી તો પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ મેટ્રોના એકપણ સ્ટેશન બહાર પાર્કિંગની સગવડ જ નથી.
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા કેટલી વિકરાળ છે તે તો બધા જાણે છે. આ સંજોગોમાં હજારો કરોડના ખર્ચે બની રહેલા મેટ્રો સ્ટેશનમાં પાર્કિંગની સગવડ જ નથી તે વાત આંચકાજનક છે. આના લીધે લોકોએ રિક્ષા કે ટેક્સીમાં બેસીને મેટ્રોએ જવું પડે તેવા દિવસો આવી શકે છે. એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચવા મેટ્રો તો શરૂ કરવામાં આવી, પરંતુ નાગરિકોએ મેટ્રો સુધી પહોંચવામાં જ ભારે જહેમત ઉઠાવવી પડશે તેમ લાગે છે. આખા પ્રોજેક્ટમાં ક્યાંય પાર્કિંગની વિચારણા જ કરવામાં આવી નથી.
આ અંગે ગુજરાત રેલવે મેટ્રોના પીઆરઓને પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે પાર્કિંગની વ્યવસ્થા રેલવેના અંતર્ગત આવતી નથી. સ્ટેશનની બહારની પ્રવૃત્તિની જવાબદારી લોકલ બોડીની હોય છે. જ્યારે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટને પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે પાર્કિંગની જવાબદારી પણ મેટ્રોએ જ પૂરી કરવાની હોય. એએમસીએ મેટ્રો રુટ પરના 80 રોડની માહિતી પોલીસને આપી છે. આમ પાર્કિંગની વાતને લઈને બંને સત્તાવાળાઓ એકબીજાને ખો આપી રહ્યા છે, પણ મરો તો મેટ્રો શરૂ થશે ત્યારે સામાન્ય લોકોનો જ થવાનો છે.