વૃદ્ધાવસ્થા અને એકલતા…

| Updated: May 13, 2022 2:28 pm

વૃદ્ધાવસ્થાની ટેકણલાકડી કઈ…? જવાબ આપવો અઘરો છે, કારણ કે કાન સાંભળવા માટે તૈયાર નથી હોતા…! વૃદ્ધાવસ્થાની ટેકણલાકડી એકલતા છે. જીવનના પાછલા સમયમાં એકલા રહેતા (બધાની વચ્ચે) આવડે છે એને વૃદ્ધાવસ્થા માફક આવી જાય છે. જિંદગી સમાધાન કરીને નથી જિવાતી…! સમાધાન કરીને જીવાય છે ત્યારે તેને વેંઢારવી પડે છે. જિંદગી સમન્વય કરીને જિવાય છે. સ્ત્રી અને પુરુષ સાથે જીવતાં હોય અને વૃદ્ધાવસ્થા આવે ત્યારે સહન થઈ જાય છે. પહેલાનો સ્વભાવ અને અભાવે એકબીજા જોડે સમન્વય કરી લીધો હોય છે, પણ એકલી સ્ત્રી વૃદ્ધાવસ્થા જીવે છે ત્યારે એના કરચલીવાળા શરીરની ચૂંદડીમાં ભૂતકાળનું આલ્બમ બંધ થઈ ગયેલું હોય છે. એ હવે પછી શું…?ની વાતને સ્પર્શવાનો-અનુભવવાનો પ્રયત્ન કરશે…!એ ક્ષણને, ભવિષ્યને સ્વીકારવાની વાતને ઊજવશે. અલબત્ત, આ બધુ એ અરીસા સામે રડીને દુનિયાને દેખાડશે નહી…! સ્ત્રી અને એકલતા વૃદ્ધાવસ્થાના અંત સુધી એકબીજા પર અકળાયા વગર જીવી જાય છે.

પુરુષ માટે વૃદ્ધાવસ્થામાં એકલા જીવવું અઘરું છે. એ સતત કોઈકનો સહવાસ ઝંખે છે. “અમારો જમાનો “ એવું કહીને વર્તમાનની ભૂલો કાઢે છે. જિંદગી જીવવા સિવાય કશા માટે નથી. એની ખબર એને આખી જિંદગી પડતી નથી. પુરુષને ભૂતકાળની વાતો કરતાં કરતાં સતત નવું કરવું છે અને દુનિયાને રંજાડવી છે. એ સમજે છે કે જે જિવાયું છે એને ફરીથી જીવવું એટલે તડકાને ધરતીમાં વાવીને પૂનમના ફૂલ ઉછેરવા જેવું અઘરુ છે. સંતાનો પોતાના માળામાં આપોઆપ ગોઠવાઈ ગયાં હોય છે છતાં સંતાનોની ચિંતા મા-બાપને ડંખે છે. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છેઃ “એવું શા માટે છે કે દરેક મમ્મી હંમેશા સરસ વારતા કહી શકે છે અને પપ્પાને વાર્તા આવડતી નથી…?” વાત સાચી પણ છે. દીકરી લાગતી છોકરી મમ્મી બની જાય છે ત્યારે અચાનક જ એ બધા કર્કવૃત્ત અને વિષુવવૃત્ત વચ્ચેની સરહદર પર જીવતી વ્યક્તિ બની જાય છે. જેના પ્રત્યે એને ચીડ હતી અચાનક જ એ બધા માટે એને લાગણી જન્મે છે. સંતાનો માટે એના મોઢેથી વાર્તાઓ ખૂટતી જ નથી અને પપ્પા એમને વાર્તા આવડતી જ નથી. વળી, દરેક સંતાનને એવું હોય છે કે પપ્પા પણ મમ્મીની જેમ વાર્તા સંભળાવતા હોવા જોઈએ અને થાય છે કે પપ્પાની વર્તા જલ્દી પતી જતી હોય છે…! પપ્પા સ્વયં વાર્તાનું પાત્ર હોય છે સમજણ આવ્યા પછીના સંતાનો માટે.

અંકિત ત્રિવેદી

મમ્મી-પપ્પા વૃદ્ધ થાય છે ત્યારે સંતાનો તેમને દોસ્તની જેમ ટ્રીટ કરે છે અને મમ્મી-પપ્પા સાચવી સાચવીને જીવે છે. ‘તબિયત’ એમનું કેન્દ્રબિંદુ બની જાય છે. અજંપો હવે ઉચાટમાં પરિણમે છે. નો બોલમાં આઉટ થઈ ગયેલી જિંદગી સમય નામના અમ્પાયર જોડે સમાધાન કરીને ફરી જીવવા મળે એવી આજીજી પ્રાર્થના બની જાય છે. વૃદ્ધાવસ્થા અનુભવવી અને હોવી એ બંને વચ્ચે ટાંકણીથી જોડેલા અને યુ પીનથી જોડેલા કાગળો જેટલો ફેર છે. એકમાં ભોંકાય છે અને બધા જ સજ્જડ રીતે એક થઈ જાય છે. એકમાં બધા અલગને તોય એક…! એકલતા અને વૃદ્ધાવસ્થાથી બચવાનો ઇલમ છે તમારા પૌત્ર, પૌત્રીઓ, દોહિત્ર-દોહિત્રીઓમાં જીવ પરોવીને તમારા સંતાનોની જેમ એમને ફરીથી વાર્તા કહો. એમને ટીવી અને ટેબ્લેટ આપ્યા વગર તમારી પાસે રમાડો. કેટલીક વાર જિંદગી બહુ મોડેથી સમજાય છે. ઠળિયાને બીજ બનતા અને બીજને અંકુરિત થતાં કેટલી વાર લાગે છે…? બે પેઢી વચ્ચેના સમન્વયનું નામ વૃદ્ધાવસ્થા છે.

અંકિત ત્રિવેદી ગુજરાતી કવિ, લેખક, કોલમિસ્ટ અને સમારંભ સંચાલક છે. તેમના મહત્વના કાર્યોમાં ગઝલ સંગ્રહ અને કાવ્ય સંગ્રહનો સમાવેશ થાય છે. મુંબઈમાં ઇન્ડિયન નેશનલ થિયેટરે 2008માં તેમને ગુજરાતી ગઝલમાં પ્રદાન બદલ સઇદા એવોર્ડ આપ્યો હતો. તેમને તખ્તસિંહ પરમાર સાહિત્ય એવોર્ડ, યુવા ગૌરવ પુરસ્કાર એવોર્ડ અને યુવા પુરસ્કાર એવોર્ડ મળ્યો છે. તેમણે 2006થી 2007 દરમિયાન ગુજરાત ગઝલ પોએટ્રી જર્નલ ગઝલવિશ્વનું એડિટિંગ કર્યુ હતું. તેમનો જન્મ ગુજરાતમાં અમદાવાદ ખાતે થયો છે. તેમના પિતાનું નામ અમરીશકુમાર અને માતાનું નામ જયશ્રી બેન છે. તે ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક થયા છે. તેમણે ભૂમિકા ત્રિવેદી સાથે લગ્ન કર્યા છે. તેઓને મિત્રા નામની પુત્રી છે. તેમણે સાંજે સૂર્યોદય ઢળતી ઉંમરના જવાબો પુસ્તકનું સંપાદન કર્યુ છે. તેમના દ્વારા સંપાદિત આ પુસ્તકને અહીં પ્રકરણવાર દર સપ્તાહે રજૂ કરવામાં આવશે.

Your email address will not be published.