Site icon Vibes Of India

મોદીના એક તીર અનેક નિશાનઃ ચૂંટણી માટે નહીં લોક કલ્યાણ માટે જીવીએ છીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલીમાં ગુજરાત ગૌરવ સંમેલનના સંબોધિત કરતા ગુજરાતના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રીનું નામ લીધા વગર વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી આદિવાસી મુખ્યમંત્રી હતા ત્યાં સુધી આ પ્રકારનો કાર્યક્રમ આદિવાસીઓના નસીબમાં ન હતો. ભૂતકાળમાં આ ક્ષેત્રના મુખ્યમંત્રીના ગામમાં પાણીની ટાંકી ન હતી, હેન્ડ પમ્પ લગાવતા હતા તો 12 મહિનામાં પાણીનું તળિયું આવી જતું હતું.

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી બહુલતાવાદી ક્ષેત્ર છેલ્લા કેટલાક મહિનાથી નર્મદા-તાપ્તિ રિવર લિંક પ્રોજેક્ટ તથા નવસારી-ચેન્નાઈ હાઇવે પ્રોજેક્ટના વિરોધના લીધે ચર્ચામાં છે. વડાપ્રધાને જૂની યાદો તાજા કરતા જણાવ્યું હતું કે મને લાંબા સમય પછી ચીખલી જવાની તક મળી છે. એક સમય હતો જ્યારે મારી પાસે અહીં આવવા માટે કોઈ સાધન ન હતું. બસમાંથી ઉતરીને ખભા પર થેલો લટકાવીને હું અહીં વર્ષો સુધી ફર્યો છું, પરંતુ મારે ક્યારેય ભૂખ્યા રહેવું પડ્યું નથી. તમારો આશીર્વાદ જ મારી તાકાત છે.

આદિવાસી બહેનોની વચ્ચે કામ કરવાની તક મળી. મેં તેમની પાસેથી ઘણું શીખ્યું. સાફ સફાઈ, શિસ્તમાં અહીંના આદિવાસી એકબીજાને અનુસરે છે. આ તેમના જીવનની એક સંરચના છે. જનજાતીય સમાજ એક એવો સમાજ છે જે સામુદાયિક જીવન તથા પર્યાવરણની રક્ષા કરે છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની જોડી નવો આત્મવિશ્વાસ પેદા કરી રહી છે. અહીં પાંચ લાખથી વધુ લોકો હાજર છે. મને ગર્વ છે કે મારા સાથી તે જ કરી રહ્યા છે જે હું મારા કાર્યકાળ દરમિયાન કરી શક્યો ન હતો. તમારો પ્રેમ વધી રહ્યો છે. વિકાસની આ ગૌરવશાળી પરંપરાને સરકાર પ્રામાણિકતાથી નીભાવી રહી છે.

મને ત્રણ હજાર કરોડની યોજનાઓનું લોકાર્પણ કરવાની તક મળી છે. આ બધી પરિયોજનાઓથી દક્ષિણ ગુજરાતના લાખો લોકોનું જીવનધોરણ સુધરશે. તેમનું જીવન વધુ સરળ બનશે. તમને બધાને પણ વિકાસની આ પરિયોજના માટે અભિનંદન.

તેમણે વિપક્ષને નિશાન પર લેતા જણાવ્યું હતું કે આઝાદી પછી સરકારે વિકાસને પ્રાથમિકતા આપી ન હતી. તેના લીધે જે ક્ષેત્ર અને વર્ગને જરૂરત હતી તેનો વિકાસ ન થયો. કેમકે તેનું કામ કરવા માટે ભારે મહેનત કરવી પડે છે. ગામડાઓને પાકા રસ્તાની સગવડો નથી. આદિવાસીઓને છેક હવે વીજળી, શૌચાલય, ગેસ જોડાણ મળ્યા. આઝાદી પછી સૌથી વધારે ગરીબ હોય તો તે આદિવાસી ભાઈબહેન હતા.

રસીકરણ અભિયાન એક સમયે ગામ સુધી પહોંચતા વર્ષો લાગી જતા હતા. જંગલમાં કોઈ જવા ઇચ્છતું ન હતું. પોતાની શૈલીમાં તેમણે લોકોને જણાવ્યું હતું કે તમે રસી લીધી કે નહી, શું તમારે તેના માટે કોઈ ચૂકવણી કરવી પડી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જંગલોની ચિંતા કરવી આપણી સંસ્કૃતિ છે. અમારી સરકાર તે સુનિશ્ચિત કરવા આકરી મહેનત કરી રહી છે કે કોઈપણ આદિવાસી કે ગરીબ વ્યક્તિ યોજનાથી વંચિત ન રહે. જનજાતીય સમાજ એક એવો સમાજ છે જે સામાજીક જીવન તથા પર્યાવરણની રક્ષા કરે છે.

તેમણે પાટિલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમણે ઊંચી સરસાઈથી વિજય મેળવી નવસારીનું નામ સમગ્ર દેશમાં ગૂંજતુ કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે પાટિલ અને પટેલની જોડી ધૂમ મચાવી રહી છે. મારા આ સાથીઓએ તે કર્યુ છે જે એક સમયે હું કરી શક્યો ન હતો. ગુજરાત ગૌરવ અભિયાનનો હિસ્સો બનવો મારે માટે ગર્વની વાત છે.

જૂની સરકારો પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે એક વખતની વાત છે ગુજરાતના મુખ્યમંત્રીએ જામનગરમાં એક પાણીની ટાંકીનું ઉદઘાટન કર્યુ અને આ સમાચાર ગુજરાતના અખબારોમાં પહેલા પાના પર છપાયા હતા. તેની સામે આજે અમે રાજ્યની વસ્તીના મોટા હિસ્સાને નલ સે જલ પૂરુ પાડીએ છીએ. આદિવાસી ક્ષેત્રમાં ત્રણ હજાર કરોડની પરિયોજનાનું ઉદઘાટન કરતા મને ગર્વ થઈ રહ્યો છે. 22 વર્ષ કરતા વધારે સમયથી સરકારમાં છું પણ ક્યારેય કોઈ એવું સપ્તાહ ગયું નહી હોય જ્યારે મેં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ નહી હોય. અમે કંઇપણ કામ કરીએ તો લોકો કહે છે કે ચૂંટણી માટે કરીએ છીએ. આજે તે ખોટા સાબિત થયા. અમે ચૂંટણી માટે નહી જનસેવા માટે કામ કરીએ છીએ. ચૂંટણી તો લોકો અમને જીતાડે છે.