શહેરના મેમનગર ફાયર સ્ટેશન પાસે આવેલી એક દુકાન પાસે શુક્રવારે રાત્રે ક્રિકેટ સટ્ટા પર સટ્ટો રમતા એક શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસે તપાસ કરતા તેની પાસેથી આઇડી મળી આવી હતી. પોલીસે સટ્ટો રમનાર રાહુલ જૈન અને તેને ઇડી આપનાર જય શાહ, દિશાંગ પટેલ, મહાવીર જૈન અને અને આઇડી નામ માલિક સામે ગુનો નોધ્યો હતો. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મેમનગર ફાયર સ્ટેશન નજીક આવેલા પલ્લવી રો-હાઉસ ખાતે આઇપીએલ ટી-20 ક્રિકેટ સટ્ટો ચાલતો હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી. દરમિયાનમાં પલ્લવી રો હાઉસ પાસે આવેલા એસ એન એમ એન્ટરપ્રાઇઝ નામની દુકાન પાસે એક શખસ મોબાઇલ લઇને ઉભો હતો. ક્રાઇમ બ્રાંચે કોર્ડન કરી પુછપરછ કરી હતી. તેનું નામ રાજુકમાર ઉર્ફે રાહુલ જીતેન્દ્ર જૈન(ઉ.32, રહે પલ્લવી રો હાઉસ મેમનગર) હતુ. તેનો મોબાઇલ પોલીસે તપાસ કરતા તેમાં buuerexch.com/login નામની વેબ સાઇટ મળી આવી હતી. તેમા તેની આઇડી મળી આવી હતી. તેમાં 5 લાખ બેલેન્સ પણ હતુ.
આઇપીએલની સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકત્ત નાઇટ રાઇડર્સ ની ટી-20 મેચ પર સટ્ટો રમતો અને રમાડતો હતો. તેને જય શાહ(રહે.હરીશ્યામ ફ્લેટ, ઉસ્માનપુરા), દિશાંગ પટેલ (રહે. જલકમલ સોસાયટી, શાહપુર), મહાવીર જૈન(રહે. આમ્રકુંજ ફ્લેટ, શાહિબાગ) આપી હોવાનું બહાર આવ્યું હતુ. આ ટોળકી અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં મોટા પાયે ક્રિકેટ સટ્ટો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.
આમ પોલીસે આ તમામ બુક્કીઓની શોધખોળ હાથ ધરી છે. જોકે શહેરમાં અમુક ચોક્કસ બુક્કીઓ પરમીશનથી સટ્ટો ચલાવતા હોવાની પણ ચર્ચા છે જોકે પોલીસ તેમની તરફ આંખઆડાકાન કરતા હોવાની ચર્ચા ઉઠવા પામી છે.