વન-ડે વન ડિસ્ટ્રિક્ટ યોજનાનો રાષ્ટ્રીય સ્તરે અમલ કરવામાં આવેઃ મોદી   

| Updated: July 4, 2022 4:44 pm

હૈદરાબાદ ખાતે યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોએ તેમની કામગીરીનું અને સિદ્ધિઓનું પ્રેઝન્ટેશન કર્યુ હતું. તેમા ગુજરાતનો પણ સમાવેશ થતો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કોવિડમાંથી બેઠા થયા હોવા છતાં પક્ષની સિદ્ધિઓ અને તેના દ્વારા વહન કરવામાં આવેલી જવાબદારીઓ અંગે બોલ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના ખભા પર રાજ્ય સરકારની સાથે સંગઠનનો પણ ભાર છે.

તેમણે ગુજરાત સરકારની સિદ્ધિઓનું વર્ણન કર્યુ હતુ. તેમા તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારે મહિલાઓ, વિધવાઓ, શિક્ષકો અને બાળકો સહિત સમાજના બધા વર્ગો માટે શું-શું કર્યુ છે. જો કે બધાનું ધ્યાન ગુજરાતના પ્રદેશ પ્રમુખ વન-ડે, વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ પર વિશેષ ગયું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે પાટિલના પ્રેઝન્ટેશન પછી સત્રના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે લોકો સાથે જોડાવવાનો આ સારો માર્ગ છે અને આ મોડેલની નકલ સમગ્ર દેશમાં થવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે પેજ કમિટી પણ લોકોને જોડવામાં ઘણી મહત્વની છે, પણ તેમની ભૂમિકા ફક્ત પેજ પર ઉપલબ્ધ સભ્યોના નામ પૂરતી જ સીમિત રહે છે. તેનાથી વિપરીત વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ દ્વારા સમગ્ર જિલ્લાને આવરી લેવામાં આવે છે. સમાજના દરેક પાસાને આવરી લેવામાં આવે છે. આ વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમના નેજા હેઠળ એક જ જિલ્લામાં એક સાથે આઠથી દસ કાર્યક્રમને આવરી લેવામાં આવી શકે છે. આ કાર્યક્રમમાં રેલી યોજવાથી લઈને, નાની બેઠકો યોજવાનો,  બૌદ્ધિક બેઠકો યોજવાનો, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાન્વિતો સુધી પહોંચવાનો તથા લોક ફરિયાદોના નિકાલનો સમાવેશ થાય છે.

મોદીએ તેમા ટૂંકા સંવાદની પણ વાત કરી હતી, જેથી લોકો સાથે તલસ્પર્શી જોડાણ સાધી શકાય. ગુજરાત સ્ટેટ યુનિટ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં દર્શાવાયું હતું કે ગુજરાતે કેવી રીતે સંગઠનના સ્તરે વિકાસ સાધ્યો છે અને સરકારના સ્તરે વિકાસ સાધ્યો છે. તેના પરિણામો દરેક જણ જોઈ રહ્યું છે.

ગુજરાતમાં ભાજપ લાંબા સમયથી સત્તા પર છે અને તે સળંગ છઠ્ઠી વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવવાનું આયોજન કરી રહ્યું છે. આ ચૂંટણી વર્ષના અંતે યોજાવવાની છે. ગુજરાતમાં ભાજપનો પરચમ સૌથી લાંબા સમયથી લહેરાયેલો છે અને વડાપ્રધાન મોદી ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી સીએમ રહેવાનો રેકોર્ડ ધરાવે છે.

Your email address will not be published.