અમદાવાદ પોલીસ અને ક્રેડાઈ અમદાવાદ દ્વારા એક દિવસીય સેમિનાર “પહેલ” નું આયોજન

| Updated: June 20, 2022 5:34 pm

આજરોજ સોમવારના રોજ અમદાવાદ પોલીસ અને ક્રેડાઈ અમદાવાદ દ્વારા સંયુક્ત પણે એક દિવસીય સેમિનાર “પહેલ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આજના પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ , રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા અને પોલીસ બેડાની કામગીરીને વખાણીને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પોલીસ બેડામાં કામગીરીમાં જરૂરી સૂચનો આપ્યા હતા.

આ પ્રસંગે સંબોધતા સી આર પાટીલે જણાવ્યું કે આપ સૌ લોકો ખૂબ વિશિષ્ટ વ્યક્તિઓ છો અને તે ભાવના જનમાનસમાં ઉતરે તેના તમામ પ્રયત્નો આપણે કરવા જોઈએ. જેવી રીતે આર્મી ફોર્સને દેશના નાગરિકો એક સન્માનની દૃષ્ટિએ જુએ છે તેવી જ રીતે પોલીસ ફોર્સને પણ તેવી જ સન્માનની દ્રષ્ટિએ લોકો જુએ અને તેમની સાથે જોડાય તે આજના સમયની માંગ છે. પોલીસ બેડાનું કામ ખુબ જ પડકાર રૂપ કામ હોય છે. સમાજ-જીવનમાં રહેતા ગુંડા તત્વોને, અસામાજિક તત્વોને, ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતાં લોકોને શોધી કાઢવા, એફઆઈઆર દાખલ કરવી, કોર્ટ સમક્ષ રજૂ કરવા, સાક્ષીઓ સાથે વાર્તાલાપ કરવા, જુબાની લેવી, કોઈપણ ગુનાની ઝીણામાં ઝીણી તપાસ કરવી અને જ્યાં સુધી પીડિત ને ન્યાય ન મળે ત્યાં સુધી ફોલો કરવાનું કામ પોલીસનો હોય છે.

પાટીલે ભારપૂર્વક જણાવ્યું કે પોલીસ અધિકારીઓને તેમની જવાબદારી સાથે સાથે તેમના અધિકારોનું પણ હનન ન થાય તે જોવાનું કામ પણ સરકારનું છે. આપણે સૌ સાથે મળીને પોલીસ સ્ટેશનનો વાતાવરણ બદલી શકીએ છીએ જ્યારે પણ કોઈ ફરિયાદ કરવા આવે તો તેને પ્રેમથી આવકારીએ, હૂંફ આપીયે, ચા-પાણી પૂછીએ આ બધા પ્રયત્નો થકી પોલીસની એક નવી જ ઈમેજ પ્રજા સમક્ષ રજૂ થશે અને તેના ઘણા સારા પરિણામો સમાજ-જીવનમાં મળશે. પાટીલે જણાવ્યું કે અગ્નિપથ યોજના એ ખૂબ સરસ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો માટે બહાર પાડી છે જેના થકી યુવાનોનો ઉત્તમ પ્રકારનું ઘડતર થશે અને દેશ સેવામાં જોડાઈ સમાજ જીવનમાં પણ પોતાનું યોગદાન પ્રદાન કરી શકશે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસને એક આદર્શ પોલીસ બતાવતા જણાવ્યું કે સમગ્ર રાજ્ય અને દેશ માટે એક મોડેલ સ્વરૂપ છે. અમદાવાદ પોલીસે શરૂ કરેલ એરીયા એડેપ્શ્ન સ્કીમ તે ખૂબ સારી સ્કીમ છે અને તેના થકી વિસ્તારના વિશિષ્ટ પ્રબુદ્ધ નાગરિકો, સંસ્થાઓને જોડીને વિસ્તારની ટ્રાફિક સમસ્યાને હળવી કરીને તેના કાયમી ઉકેલ આપણે લાવી શકીશું, સંઘવીએ વધુમાં જણાવ્યું કે પોલીસ બેડાએ પોલીસ અને પ્રજાના વચ્ચેનો સેતુ વધે તે માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ. વલણ બદલવો જોઇએ અને એક સંવેદનશીલ ભાવના અને એક સેન્સિટિવિટી સાથે કાર્ય કરવું જોઈએ.

હાલમાં થયેલ 50,000 જેટલી મહિલાઓના સર્વેનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે લૉ અને ઓર્ડરની સાથે સાથે સોશિયલ સિક્યુરિટી પણ એટલી જ જરૂરી છે અને સર્વેમાં બહાર આવેલ હકીકતો પર સૌના સામૂહિક પ્રયત્નો થકી તેને સુચારુ બનાવવાના તમામ પ્રયત્નો હાથ ધરેલ છે. મહિલા સુરક્ષામાં ગુજરાત સમગ્ર દેશને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે તે ગુજરાત પોલીસ માટે ખુબ ગૌરવની બાબત છે. સામાન્ય નાગરિક સાથે સારો અને સાચો વ્યવહાર કરીને પોલીસની ઇમેજને બદલવાનું કામ આ “પહેલ” યોજના થકી થશે તેવો વિશ્વાસ સંઘવીએ વ્યક્ત કર્યો હતો.

આજના આ કાર્યક્રમ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તેમજ ક્રેડાઇના અગ્રણીઓ શેખર ભાઈ, તેજસભાઈ, વિરલભાઇ, કર્ણાવતી મહાનગર સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ દેવાંગ દાણી, પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Your email address will not be published.