સુરેન્દ્રનગરમાં બે ટેન્કર અથડાતા લાગેલી ભીષણ આગમાં એકનું મોત

| Updated: May 7, 2022 5:05 pm

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે ટેન્કર અથડાતા એકનું મોત થયું છે અને બીજા ચારથી પાંચને ઇજા થઈ છે. હરિપર ગામ ખાતે આવેલા પુલ પર બે ટેન્કર સામ-સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. તેના પછી ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું છે.

બે ટેન્કર વચ્ચેના અકસ્માત પછી છ વાહનોમાં આગ લાગી હતી. તેના લીધે ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હોવાનું માનવામાં આવે છે. રેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાઇવે પર છથી વધુ વાહનોમાં આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટેન્કરની આગના લીધે હાઇવે પર એક પછી એક વાહનો આગની ઝપેટમાં આવવા લાગતા હોલિવૂડની ફિલ્મ હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. આગ વધુ વાહનોમાં પ્રસરતા રોડ બંધ કરી દેવો પડ્યો હતો, તેના લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો.

આગ લાગતા જ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બૂઝાવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પણ આગનો વ્યાપ વધારે હોવાથી તેમને વધારે પ્રમાણમાં અગ્નિશામન દળની જરૂર પડી હતી. તેના લીધે સુરેન્દ્ર નગર શહેરના અગ્નિશામક દળો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે એકના મોતને બાદ કરતાં આ આગમાં હજી સુધી કોઈ વિશેષ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.

હાલમાં પોલીસ દ્વારા આ ટેન્કરમાં કયા પ્રકારનો જ્વલનશીલ પદાર્થ હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ટેન્કરની અથડામણ પછી લાગેલી આગ રસ્તા પરના બીજા ખાનગી વાહનોમાં પણ પ્રસરી હતી, પરંતુ સદનસીબે તેમાથી કોઈ મૃત્યુ પામ્યું નથી.

Your email address will not be published.