બે વર્ષમાં દસ લાખ સરકારી નોકરીઃ સ્પિપામાં તૈયાર થવાની તક ઝડપો

| Updated: June 14, 2022 4:34 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ આગામી બે વર્ષમાં દસ લાખ સરકારી નોકરીઓની જાહેરાત કરી છે ત્યારે તેની પાછળ યુવાનોની દોટ લાગે તે સમજી શકાય તેમ છે. પરંતુ સરકારી નોકરીઓ માટે પરીક્ષા લેવાતી હોય છે. તેમા યુપીએસસી દ્વારા સિવિલ પરીક્ષા લેવાતી હોય છે. આ પ્રકારની યુપીએસસી કે સિવિલ સર્વિસિઝ પરીક્ષા માટે  સરદેર પટેલ લોક સંસ્થા (સ્પિપા) અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિના મૂલ્યે તાલીમ આપે છે. તેના હેઠળ યુપીએસસી સિવિલ સર્વિસિઝ પરીક્ષા 2023 (આઇએએસ, આઇએફએસ, આઇપીએસ વગેરે)ની તૈયારી માટે તાલીમ વર્ગ 2022-23 માટે પ્રવેશ પરીક્ષા માટે સ્પિપાએ ઓનલાઇન અરજીઓ મંગાવી છે. ઇચ્છુક ઉમેદવારો વેબસાઇટ પર જઈ પાંચ જુલાઈ 2022 સુધીમાં અરજી કરી શકે છે.

સ્પિપામાં તાલીમ

સ્પિપા અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના પ્રાદેશિક કેન્દ્રો માટે તાલીમ કેન્દ્ર દીઠ ગુજરાત સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ભરવામાં આવનારા તાલીમાર્થીઓની સંખ્યા ફાળવેલા સંખ્યાબળની વિગતોનો ઉલ્લેખ કરાયો નથી. તેની જાહેરાત પ્રવેશ પરીક્ષાના અંતિમ પરિણામની સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે. તેની બધા ઉમેદવારોએ નોંધ લેવી.

યુપીએસસીની પરીક્ષામાં આઇએએ, આઇપીએસ અને આઇએએફએસની પરીક્ષાની તૈયારી અરજીની સમયમર્યાદા પાંચ જુલાઈ 2022 રાતના 11-59 સુધીની છે. વયમર્યાદા 32 વર્ષ છે. જ્યારે શૈક્ષણિક લાયકાત સ્નાતકની છે. પ્રવેશ પરીક્ષા ફી 100થી 300 રૂપિયા છે.

કોણ અરજી કરી શકે

તેના અંગેની શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સિટી ડીમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ. આ સિવાય જે ઉમેદવારો સ્થાનિક કક્ષાના છેલ્લા વર્ષના સેમેસ્ટરમાં હોય તે પણ અરજી કરી શકે છે. ઉમેદવાર માટે ભારતના નાગરિક હોવું પરજિયાત છે. એનઆરઆઇ અરજી કરી ન શકે.

માતૃભાષામાં ભણેલા ઉમેદવારોએ શું કરવું

આ તાલીમમાં જે ઉમેદવારોની માતૃભાષા ગુજરાતી હોય અથવા ઉમેદવારોએ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય અથવા સ્થાનિક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય કે પહેલી ઓગસ્ટ 2022 પહેલા ગુજરાતમાં પાંચ વર્ષનો વસવાટ કરેલો હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી થયા હોય તેવા ઉમેદવારો આ તાલીમવર્ગમાં દાખલ અથવા લેવામાં આવતી પ્રવેશ પરીક્ષામાં અરજી કરી શકશે.

કયા-કયા પ્રમાણપત્ર જોઇશે

જાહેરાતમાં દર્શાવેલા તમામ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, સંબંધિત જાતિ પ્રમાણપત્રો, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારનું નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ, આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર તથા અન્ય તમામ ડોક્યુમેન્ટ્સ સંસ્થા દ્વારા જે તારીખે રજૂ કરવા જણાવવામાં આવે તે તારીખની સ્થિતિએ સરકારની પ્રવર્તમાન સૂચનાઓ અનુસંધાને ધ્યાનમાં લેવામાં આવશે.

કોને છૂટછાટ મળશે

આ સિવાય બિનઅનામત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર હશે. તેની સાથે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ મળશે. અનુસૂચિત જાતિ (એસસી) અને અનૂસૂચિત જનજાતિ (એસટી)ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની રાહત મળશે. માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ વધુમાં વધુ પાંચ વર્ષની હશે. અંધ ઉમેદવાર અને શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ દસ વર્ષની છૂટછાટ મળશે.

પ્રવેશ પરીક્ષા ફી

તમામ કેટેગરીના ઉમેદવારો માટે પ્રવેશ ફી ફરજિયાત છે. ફી ભરી નહી હોય તો પરીક્ષામાં બેસવા નહી દેવાય. આ ફી નોન રિફંડેબલ છે. સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 300 રૂપિયા ભરવાના રહેશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ ઉમેદવાર, માજી સૈનિકોએ પરીક્ષા ફી પેટે 100 રૂપિયા ભરવાના રહેશે. પ્રવેશ પરીક્ષા 2022 માટે ઓનલાઇન ફોર્મ ભરવા અને પ્રવેશ પરીક્ષા ફી ભરવા અંગેના મૂઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ટોલ-ફ્રી નંબર 1800-233-5500નો ઉપયોગ કરી શકે છે.

પ્રવેશ પરીક્ષા

સ્પિપાની પ્રવેશ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. પ્રથમ તબક્કામાં હેતુલક્ષી પરીક્ષા લેવાશે. તેમા સામાન્ય અભ્યાસનું પેપર એક અને પેપર બે હશે. જ્યારે બીજી પરીક્ષા નિબંધ પરીક્ષા હશે.

Your email address will not be published.