ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી એક વ્યક્તિનું મોત, તંત્રની ચિંતામાં થયો વધારો

| Updated: June 9, 2022 3:41 pm

રાજયમાં એક બાજુ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ સ્વાઈન ફ્લૂનો આંતક શરુ થયો છે. સ્વાઈન ફ્લૂના કારણે ગુજરાતમાં આજે પ્રથમ મોત થયું છે. જો કે, દેશમાં હાલ સ્વાઈન ફ્લૂના કુલ 20 કેસ નોંધાયા છે.

રાજયમાં સ્વાઈન ફ્લૂના કારણે પ્રથમ મોત થતા તંત્રમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ગુજરાતમાં માત્ર એક કેસ નોંધાયો છે, જેમાં દર્દીનું મોત થયું છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ગુજરાત સિવાય દેશના અન્ય રાજ્યમાં ક્યાંય સ્વાઈન ફલૂથી મોતનો કિસ્સો નોંધાયો નથી. આમ દેશમાં સ્વાઈન ફલૂથી પ્રથમ મોત ગુજરાતમાં નોંધાયું છે. દેશમાં કુલ 20 કેસ નોંધાયા છે. ગત વર્ષ 2021માં ગુજરાતમાં સ્વાઈન ફલૂના 33 કેસ નોંધાયા હતા.

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના હાહાકાર બાદ સ્વાઈન ફ્લૂના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ગુજરાતમાં વર્ષ 2016થી લઈને અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના કારણે 739 દર્દી જીવ ગુમાવી બેઠા છે. કેન્દ્ર સરકારના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડેટા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2016થી એપ્રિલ 2022 સુધીમાં 739 દર્દીએ સ્વાઈન ફલૂના કારણે દમ તોડયો છે. વર્ષ 2020માં ગુજરાતમાં સ્વાઈન ફલૂના કુલ 55 કેસ નોંધાયા હતા, જે પૈકી બે દર્દીનાં મોત થયાં હતા.

Your email address will not be published.