તમે ઓનલાઈન શોપિંગ કરો અને ચિટર ગેંગ માલની ડિલિવરી લઈ જાયઃ જાણો ડેટા ચોરીથી થયું કેટલું મોટું કૌભાંડ

| Updated: October 16, 2021 12:16 pm

અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો પર્દાફાશ કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી લાખો લોકોના ડેટા લીક કૌભાંડને પણ ખુલ્લું પાડ્યું છે.

બંને આરોપીઓ ઓનલાઈન શોપિંગ કરનારા ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતા. સાયબર ક્રાઇમના માનવા પ્રમાણે લગભગ 20 લાખ યુઝરના ડેટા લીક થયા છે.

સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓના નામ ગૌતમ ઉર્ફે પૃથ્વી બારડ અને નિલેશ બાબરીયા છે. બંને યુવકોની છેતરપીંડી કરતા પહેલા પબજી ગેમ રમતા મુલાકાત થઈ હતી. તેઓ ખાસ ભણેલા નથી પણ ક્રાઈમમાં માસ્ટર માઈન્ડ છે.

ચિટર ગેંગે ટેલિગ્રામ પરથી ડેટા મેળવીને એકાઉન્ટ હેક કરી છેતરપિંડી કરતા હતા. પકડાયેલા બંને આરોપીઓ ફ્લિપકાર્ટ, મિન્ત્રા, બ્રાન્ડ ફેક્ટરી, ટાટા ક્લિક જેવી બીજી વેબસાઈટ ના ગ્રાહકોના ઑનલાઇન ડિલિવરી કરેલા ઓર્ડરને હેક કરીને સરનામું બદલી કોઈપણ રીતે મેળવી લેતા હતા. બંને આરોપીઓએ ટેલિગ્રામમાંથી આ તમામ ડેટા મેળવી ભોગ બનનારના યુઝર દ્વારા તેને હેક કરી આ સમગ્ર કૌભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ આ કેસ વિશે માહિતી આપી હતીઃ

આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્સી આઇપી એડ્રેસનો ઉપયોગ કરતા હતા. તેમણે OTT પ્લેટફોર્મનાં ડેટા હેક કરી વગર ખર્ચે ઓનલાઈન પ્લેટફોર્મનો લાભ લીધો છે. આ ઉપરાંત તેઓ ટેલિગ્રામ એપ્લિકેશન પરથી એક હેકિંગ ટૂલ ડાઉનલોડ કરતા હતા અને તેના આધારે ગ્રાહકોના આઇપી બ્લોકના થાય તેનું ધ્યાન રાખીને કૌભાંડ કરતા હતા.

પોલીસ તપાસ પ્રમાણે તેમણે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ગ્રાહકોનાં ઓર્ડર મેળવી કૌભાંડ કર્યું છે. તેઓ કોઈ ઘરે કે ઓફિસની જગ્યા પર નહીં, પરંતુ રોડ પર જ ડિલિવરી મેળવવા હતા. અત્યાર સુધીમાં બંનેએ એક હજારથી વધુ લોકો સાથે ચિટિંગ કરી હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમે તેમની પાસેથી 92 વસ્તુઓ કબ્જે કરી છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આરોપીઓ પશ્ચિમ બંગાળથી એક ડમી સિમકાર્ડ લાવ્યા હતા. આ સિમ કાર્ડ માત્ર ઓર્ડરની ડિલિવરી માટે અડધો કલાક ચાલુ રાખીને તેઓ બંધ કરી દેતા હતા, જેથી પોલીસ તેમને ટ્રેક ન કરી શકે. આરોપીઓ એડવાન્સ પેમેન્ટ કરીને ઓર્ડર લેનારા ગ્રાહકોને ટાર્ગેટ કરતા હતા.

Your email address will not be published. Required fields are marked *