અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસના ગેટ પાસે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યમાં વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. વિપક્ષના નેતા શહેઝાદ ખાનની આગેવાનીમાં લોકો ડોલો લઇ પાણીની માગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો એએમસી ખાતે ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી અને રસ્તો બંધ થઈ ગયો હતો. હાય રે ભાજપ હાય.. હાય રે કમિશનર હાય હાય. તેમજ પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. અંતે એએમસીનો મેઈન ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી છેલ્લા કેટલાક સમયથી ગંદુ આવે છે જેના કારણે ઘરે ઘરે બીમારીઓના ખાટલાઓ જોવા મળે છે. જેથી આ પાણી સમસ્યા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસના મેઈન ગેટ પાસે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ગંદા પાણીને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ કાર્યકર્મમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને એએમસી ઓફિસ બહાર ભાજપ વિરોધી નારાઓ પણ લગાવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘેરાવ અને મેયરના આવેદનપત્રને લઇને કોર્પોરેશનમાં પ્રવેશવાના ત્રણેય ગેટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
વિપક્ષના નેતા શહેઝાદ ખાને જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરીજનોને રોડ-રસ્તા, ડ્રેનેજ, તથા પીવાના પાણીની સુવિધા મળવી તે શહેરીજનોનો મૂળભુત અધિકાર છે. સત્તાધારી ભાજપ દ્વારા મ્યુનિ.કોર્પો.માં છેલ્લા 10 વર્ષથી 24 કલાક પાણી આપવાના જૂઠ્ઠા વાયદા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા ખૂબ જ ગંભીર છે. શહેરના કેટલાય વિસ્તારોમાં એક કલાક પણ પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી. તેને કારણે પ્રજાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મ્યુનિ.કોર્પોના વોટર પ્રોજેક્ટ માટે કરોડો રૂ.નું બજેટ ફાળવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરોને કરોડો રૂ.ના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ સમસ્યાનું નિરાકરણ આવતું નથી.
શહેરમાં આવી રહેલા ગંદા પાણીને લઈ ઘણા વિસ્તારોમાં માંદગીના ખાટલાઓ ઉભા થયા છે. તાવ અને ઝાડા ઉલ્ટીના દર્દીઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ગત માસ દરમિયાન શહેરના સાત ઝોનમાં થઇ તાવના કુલ 17793 તથા ઝાડા-ઉલ્ટીના 4626 દર્દીઓ માત્ર અર્બન હેલ્થ સેન્ટરમાં નોંધાયા છે.