અંધારાના લીધે ગાય સાથે બાઇક ભટકાતા મૃત્યુ પામનારના કુટુંબને 56 લાખ ચૂકવવા આદેશ

| Updated: April 12, 2022 11:25 am

ડોદરાઃ રખડતા ઢોરોની સમસ્યા ઘણી પેચીદી છે. જો ઢોરો પર પ્રતિબંધ લદાય તો માલધારી સમાજ બાંયો ચઢાવે છે અને ના લાદે તો રસ્તે રખડતા ઢોરો કોઈનો જીવ લઈ લે છે. આવી જ એક ઘટનામાં મૃતકના કુટુંબને કોર્ટે 56 લાખ રૂપિયા ચૂકવવા આદેશ આપતા સરકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

વડોદરાના વાઘોડિયા રોડ પર ગાય સાથે બાઇક ભટકાતા બાઇક સ્લીપ થઈ જતા વાહન ચાલકનું મોત થયું હતું. આ અંગે મૃતકના કુટુંબીજનોએ કોર્ટમાં દાવો કરતાં કોર્ટે નગરપાલિકા, ગુજરાત સરકાર અને પોલીસ કમિશ્નરને ભેગા મળીને મૃતકના કુટુંબને 56 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપતા હલચલ મચી ગઈ છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત જ આ રીતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના કુટુંબને વળતર પેટે આટલી જંગી રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા કેતનકુમાર હસમુખલાલ શાહ તાલુકામાં જ બાકરોલ ખાતે ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. તેઓ 24 જુલાઈ 2013ના રોજ સાંજે વાઘોડિયા રોડ પર વૈંકુઠ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્ટ્રીટલાઇટના અભાવે રસ્તા આવેલી ગાયને તે જોઈ શક્યા ન હતા. આના લીધે છેક નજીક પહોંચ્યા પછી તેમણે ગાયને જોતા બ્રેક મારી હતી, તેના લીધે તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. બાઇક સ્લીપ થતાં તેમને માથામાં ગંભીર ઇજાઓ થવાના લીધે તેમનું 30 જુલાઈ 2013ના રોજ નિધન થયું હતું.

આ અંગે કેતનશાહના પત્ની અંજનાબેન શાહે વડોદરા મહાનગરપાલિકા, ગુજરાત સરકાર અને પોલીસ કમિશ્નર સમક્ષ વળતરની માંગણી સાથે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પાલિકાની જવાબદારી છે કે તે રસ્તા પર સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખે અને તેની જાળવણી કરે. પણ પાલિકાએ તેના કામમાં બેદરકારી દાખવી હતી. આમ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને પોલીસે ફરજ બજાવવામાં દાખવેલી નિષ્કાળજીના લીધે મારા પતિનું અવસાન થયું હતું. તેમણે જો તેમની ફરજ યોગ્ય રીતે બજાવી હોત તો મારા પતિ જીવતા હોત.

મૃત્યુ પામનારા કેતનનો પગાર 20 હજાર હતો, તેઓ તંદુરસ્ત હતા અને કમસેકમ બીજા પંદર વર્ષ સુધી સરળતાથી નોકરી કરીને કુટુંબનું ગુજરાન ચલાવી શકે તેમ હતા. હવે આ બાકીના પંદર વર્ષનો પગાર ગણીએ તો અમારા કુટુંબને 56 લાખથી પણ વધુ રકમનું નુકસાન થયું છે. કોર્ટે તેમની આ દલીલ ગ્રાહ્ય રાખીને અંજનાબેન શાહનો દાવો મંજૂર કર્યો હતો તથા પાલિકા, પોલીસ અને રાજ્ય સરકારને 56 લાખ રૂપિયાની રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો હતો.

Your email address will not be published.