લમ્પી વાઇરસથી 22 હજારથી વધારે પશુ મૃત્યુ પામ્યાઃ સરકાર આંકડા છૂપાવતી હોવાનો આરોપ

| Updated: August 2, 2022 3:38 pm

ગુજરાત રાજ્યના માલધારી સમાજે આરોપ મૂક્યો છે કે રાજ્ય સરકાર લમ્પી વાઇરસ(#Lumpy Virus)ના રોગ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગઈ છે. લમ્પી રોગચાળાના લીધે 22 હજારથી વધારે પશુધન મૃત્યુ પામ્યુ છે ત્યારે રાજ્ય સરકાર આંકડા છૂપાવી રહી છે.

ગુજરાત માલધારી પંચાયતના પ્રવકતા નાગજીભાઈ દેસાઈ(Nagbhai Desai) એ આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી કે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં લમ્પી રોગચાળાએ માઝા મૂકી છે તે સમયે રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાઓના આંકડા છૂપાવવામાં આવ્યા તે રીતે લમ્પી રોગચાળાના આંકડા પણ છૂપાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત: આ વર્ષના જુલાઈમાં આશરે છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો

નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ઇતિહાસ સાક્ષી છે કે પશુઓમાં જીવલેણ રોગ મનુષ્યમાં પ્રવેશ્યા છે. અમુક રોગો હાલના તબક્કે પણ કાર્યરત છે ત્યારે આ પશુઓ દુધાળા પશુઓ છે, જેના લીધે ભગવાન ના કરે પણ જો આ રોગ મનુષ્યમાં પ્રવેશ કરશે તો કેટલી ખરાબ સ્થિતિનું નિર્માણ થશે. આ ઉપરાંત ગુજરાતમાંથી સમગ્ર ભારતમાં ગાયોના દૂધથી દહી, ઘી, છાશ અને માખણ જેવી જીવન જરૂરિયાતની વસ્તુ દરેક પ્રજાજનો ઉપયોગમાં લેતા હોય છે.

ગુજરાત સરકાર લઠ્ઠાકાંડને કેમિકલ કાંડ કહે છે તે બધુ પડતુ મૂકીને હાલમાં રાજ્ય સરકારે હવે અબોલ પશુઓને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેની સાથે લમ્પીનો રોગચાળો વધુ ન ફેલાય તેની કાળજી રાખવી જોઈએ. હાલમાં રાજ્યના દસ જિલ્લામાં લમ્પી વાઇરસનો રોગચાળો ફેલાયો છે. મીઠાના પાણીના ઇન્જેક્શનો આપનારા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ તેમણે માંગ કરી છે.

સરકારે ભૂતકાળમાં લઠ્ઠાકાંડમાં પણ સહાય આપી છે ત્યારે ખેતમજૂર પશુપાલક ગરીબ, અભણ અને પછાત છે. તેથી ગુજરાત સરકારે તેને પશુદીઠ ઓછામાં ઓછી 50 હજાર રૂપિયાની સહાય કરવી જોઈએ. આ ફક્ત ખેતમજૂરને થતી સહાય નથી, પણ પશુધન બચાવવા માટે થતી સહાય છે.

તેમનું કહેવું છે કે પશુપાલકોને આ પ્રકારે તાકીદની સહાય કરવી જરૂરી છે, નહી તો તેમની પરિસ્થિતિ વધુ વણસી શકે છે. તેઓને કમાણી પશુધન થકી થતી હોય છે. હવે જો તેમની પાસે પશુધન જ ન હોય તો તે પોતે શું કમાઈ શકે અને વડાપ્રધાનની દૂધ ક્રાંતિમાં પણ કેવી રીતે પ્રદાન કરી શકે.

Your email address will not be published.