પાકિસ્તાન: અવિશ્વાસ પ્રસ્તાવના મતની આગળ મુખ્ય સાથીએ ગઠબંધન તોડતાં, પીએમ ઈમરાન ખાને બહુમતી ગુમાવી

| Updated: March 31, 2022 8:46 am

પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં આજે ગુરુવાર, માર્ચ 31ના રોજ અવિશ્વાસ પ્રસ્તાવના વોટિંગ પહેલા, ઇમરાન ખાન સરકારે બુધવારે તેની બહુમતી ગુમાવી દીધી હતી.

વડા પ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ની આગેવાની હેઠળની ગઠબંધન સરકારના મુખ્ય સાથી – મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (MQM-P)એ પીટીઆઈ જોડેથી પોતાનો રસ્તો અલગ કર્યો હતો. જે બાદ 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન સરકારના સમર્થનમાં ફક્ત 164 ધારાસભ્યો રહી ગયા છે. આનાથી પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં, પીટીઆઈના જ 25-40 બળવાખોર સાંસદોના સંભવિત સમર્થનને બાદ કરતા વિપક્ષની સંખ્યા વધીને 177 થઈ ગઈ છે.

પીએમ ઈમરાન ખાને સરકારમાં રહેવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કુલ 172 મતોની જરૂર પડશે. વિપક્ષી સભ્યોએ ઈમરાન ખાનને મતદાન પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે. આના જવાબમાં માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટર પર જાણકારી આપી કે પીએમ ઈમરાન ખાન અંત સુધી લડશે અને રાજીનામું નહીં આપે. તેમણે ટ્વીટ કર્યું કે, “ઈમરાન ખાન એક એવો ખેલાડી છે જે છેલ્લા બોલ સુધી લડે છે. ઈમરાન દ્વારા રાજીનામું આપવામાં આવશે નહીં. એક મેચ રમાશે અને મિત્રો અને દુશ્મનો બંને તેને જોશે.”

કેટલાક અહેવાલો મુજબ, જો ઈમરાન ખાન આ પ્રસ્તાવ હારી જાય છે, તો સંસદમાં વિપક્ષના નેતા અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ શેહબાઝ શરીફ દેશના આગામી વડા પ્રધાન હશે. શેહબાઝ શરીફ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ છે, જે 2021માં જેલમાંથી મુક્ત થયા પછી વિદેશમાં તબીબી સારવાર હેઠળ છે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન સામેના આ અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી સત્ર આજે ગુરુવારના રોજ સાંજે 4:30 વાગ્યાથી (ભારતીય સમય મુજબ) શરૂ થવાનું છે.

Your email address will not be published.