પાલડીના બિલ્ડરની છેતરપિંડીઃ 1.40 કરોડ પડાવ્યા છતાં ફ્લેટ જ ન આપ્યો

| Updated: May 16, 2022 1:56 pm

રજીસ્ટર બાનાખત પણ ખોટી સહિ કરી કેન્સલ કરાવ્યો 

ક્રાઇમ બ્રાંચે પહેલા 40 લાખ પરત અપાવ્યા વધુ પૈસા ન આપતા આખરે ગુનો નોધ્યો

અમદાવાદઃ આંબાવાડીના નિવૃત્ત વ્યક્તિએ પાલડીમાં એલિમેન્ટસ શાનવ સ્કીમ ફ્લેટ બુક કરાવ્યો હતો. ફ્લેટના 1.40 કરોડ ચુકવ્યા બાદ પણ બિલ્ડર સૌરીન પંચાલે ફ્લેટ આપ્યો ન હતો.રજીસ્ટર બાનાખત કરાવી તે પણ ખોટી સહીઓ કરી કેન્સલ કરાવી એડવોકેટ વિઠ્ઠલ પટેલ અને તેની પત્ની મલ્લિકાને આપી દીધો હતો.આ અંગે ક્રાઇમ બ્રાંચમા અરજી થતાં પોલીસે મધ્યસ્થી કરી બિલ્ડર પાસેથી ફરિયાદીને 40 લાખ અપાવ્યાની કબૂલાત ફરિયાદમાં થઇ છે. વધુ પૈસા પરત ન આપતા આ અંગે ઠગાઇ સહિતની કલમો હેઠળ ગુનો નોધાયો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં પણ રાજકોટ ક્રાઇમ બ્રાંચ જેવી સ્થિતિ સર્જાતી હોવાનુ પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે.

આંબાવાડી વિસ્તારમાં આવેલા રોહિણી ફ્લેટ્સમાં શિરીષભાઇ પુરુષોત્તમ શાહ પરિવાર સાથે રહે છે. તેઓ નિવૃત જીવન ગુજારી રહ્યા છે.

સંતાનમાં એક દીકરો અક્ષત જે ખાનગી વેપારમાં સંકળાયેલો છે.તેઓ મકાન શોધતા હતા દરમિયાનમાં એલિમેન્ટસ શાનવ સ્કિમ જોવા માટે ગયા હતા. સ્કીમ પર નિખિલ નામનો વ્યક્તિએ સૌરીન મહેન્દ્રભાઇ પંચાલ (રહે. સ્વામિનારાયણ સંસ્કાર ધામ, નહેરુનગર, આંબાવાડી) સાથે મુલાકાત કરાવી હતી.

આ પ્રોજેક્ટ એલીમેન્ટસ પ્રોજેક્ટ અને એપ્ટસ ઇન્ફ્રાપ્રોજેક્ટસ એલ એલ પી ભેગા મળી ડેવલપ કરીએ છીએ. સૌરીન અને તેમને ભાઇ તથા તેમનો પુત્ર કોમલ પણ કંપનીમાં છે. આ ફ્લેટની સ્કિમમાં 1.40 કરોડમાં 201 નંબરનો ફ્લેટ બુક કરાવ્યો હતો. બુકીંગ સમયે 25 લાખ રુપિયા આપ્યા હતા. સામેથી બિલ્ડરે બુકિંગ લેટર પણ આપ્યો હતો. વર્ષ 2019 સુધીમાં બિલ્ડરને તમામ નક્કી કરેલી કિંમત આપી દીધી હતી.દસ્તાવેજની વાત કરી પરંતુ કન્સ્ટ્રકશન પૂર્ણ થયા બાદ કરી આપીશુ તેમ જણાવ્યુ હતુ.બાદમાં કબ્જા વગરનું રજીસ્ટર બાનાખત કરી આપ્યું હતુ.બાદમાં શિરીષભાઇ અને તેમની પત્નીની ખોટી સહીઓ કરી રજીસ્ટર બાનાખત કેન્સલ કરાવી દીધું હતુ.તમામ રુપિયા શિરીષભાઇ પાસે લઇ લીધા બાદ પણ મલ્લિકા વિઠ્ઠલભાઇ પટેલ અને વિઠ્ઠલ ચીમનભાઇ પટેલ તરફેણમાં ખોટા રજીસ્ટર બાનાખત કરી આપ્યો હતો ફ્લેટની કિંમત લઇ લીધા બાદ પણ પૈસા આપ્યા ન હતા અને બધાએ ભેગા મળી છેતરપિંડી આચરી હતી.

બાદમાં ક્રાઇમ બ્રાંચમાં અરજી આપ્યા બાદ લેવડ દેવડ અંગે બિલ્ડરે પૈસા સ્વીકાર્યા હતા અને ભાવેશ શાહ મારફતે બિલ્ડરે 40 લાખ પરત આપ્યા હતા અને બાકીના 1 કરોડ નક્કી થયેલી વ્યાજની રકમ એટલે કે 20 લાખ પરત આપેલા ન હતા. આ અંગે ઠગાઇ થતા આખરે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોધાઇ હતી.ઉલ્લેખનીય છે કે,ક્રાઇમ બ્રાંચમાં પણ અરજી કરી મોટા સેટલમેન્ટ થતાં હોવાનું નકારી શકાય તેમ નથી.તેવામાં અરજી પર બિલ્ડર પાસેથી ક્રાઇમ બ્રાંચે પૈસા કઢાવી આપ્યા હતા અને બાદમાં બાકીના પૈસા ન આપતા આખરે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધ્યો હતો.આવી અનેક અરજીઓમાં ક્રાઇમ બ્રાંચ ગોઠવણો કરતી હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે. આ પૈસા ઉચ્ચ અધિકારીઓ સુધી જતાં હોવાની પણ ચર્ચા છે.જોકે ક્રાઇમ બ્રાંચના ડરના કારણે કોઇ સામે નથી આવી રહ્યું તેવામાં રાજકોટ ક્રાઇમ બ્રાંચ વાળી થતી હોવાનુ નકારી શકાય તેમ નથી.

Your email address will not be published.