પંચ જળ સેતુ પ્રોજેક્ટ : પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા બીજા ક્રમે, મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલે તંત્રની મહેનતને બિરદાવી

| Updated: January 8, 2022 9:39 pm

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2020ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પંચ જળ સેતુ પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરાની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી થઇ છે. પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લાએ બીજો ક્રમ હાંસલ કર્યો હતો. વડોદરા મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલે પણ જિલ્લા વહીવટી તંત્રની મહેનતને બિરદાવી હતી.

વડોદરા મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલે જિલ્લાને મળેલ પુરસ્કાર અને સહયોગ બદલ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો અને જિલ્લા વહીવટી તંત્રની મહેનતને બિરદાવી હતી.
પ્રધાનમંત્રીની પ્રેરણા અને માર્ગદર્શન થકી આ યોજના શરૂ કરવામાં આવી છે. જળ જીવન મિશનના ભાગરૂપે જળ માટેની વિવિધ યોજનાઓના સમન્વયથી તથા ગુજરાત સરકારના સતત પ્રયત્નોથી વડોદરા વહીવટી તંત્રએ પંચ જળ સેતુ જેવા આગવા પ્રોજેક્ટનો સફળ અમલીકરણ કર્યું છે.
પાણી એ જીવનનું મૂળ છે. ભારતમાં પાણીની વર્તમાનમાં દર વર્ષે 1100 બિલિયન ક્યુબિક મીટરની જરૂરિયાત છે. જેને વર્ષ 2050 સુધીમાં 1447 બિલિયન કયુબિક મીટર સુધી વધવાની સંભાવના છે. એક સંસાધનના રૂપમાં જળ એ દેશ માટે મહત્વપૂર્ણ છે. ભારતમાં સમગ્ર વિશ્વની કુલ વસ્તીના 18 ટકા લોકો રહે છે. જળ સમૃદ્ધ ભારતના લક્ષને હાંસલ કરવા માટે દેશભરમાં વિવિધ રાજ્યો, જિલ્લા,વ્યક્તિઓ,સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા પ્રેરક કાર્યો અને પ્રયાસોને પ્રોત્સાહિત કરવા વર્ષ 2018 થી વિવિધ 11 કેટેગરીમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

પંચ જલ સેતુ દ્વારા પાણીના સમુચિત પ્રબંધનના પાંચ વિવિધ પાસાઓના એક્સુત્રી સંકલન વડે આદર્શ જલ વ્યવસ્થાપનનું પ્રેરક મોડલ રજૂ કરનાર વડોદરા દેશનો પ્રથમ અને એકમાત્ર જિલ્લો છે. આ પાણીદાર પાણી પ્રબંધનની દેશનું ધ્યાન ખેંચનારી કામગીરી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ટીમ વડોદરાએ કરી છે. તેમણે જાહેર ક્ષેત્રના અગ્રણી એકમો અને આ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓના નિષ્ણાતોની નિપુણતાનો લાભ પંચ જલ સેતુના અમલીકરણમાં મળે તેવું સંકલન કરીને સૌનો સાથ,સૌનો વિકાસનું પ્રધાનમંત્રીનું સૂત્ર સાકાર કર્યું હતું.
પંચ જલ સેતુ એ જળ આંદોલન દ્વારા જળ ક્રાંતિની દિશા દર્શાવી છે.તેમાં ઘર ઘર નલ સે જલ અને ભૂગર્ભ કુંવાઓને બદલે સરફેસ વોટર આધારિત પાણી પુરવઠા યોજનાઓએ એક નવી દિશા દર્શાવી છે. વડોદરા જિલ્લાએ પ્રત્યેક ઘરને નળથી પાણી મળે એવું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર કર્યું છે.

Your email address will not be published.