દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યુઃ પાંચ પેપર રદ

| Updated: April 20, 2022 6:57 pm

સુરતઃ પેપરો ફૂટવાની હરોળમાં હવે વધુ એક યુનિવર્સિટી જોડાઈ છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ પાંચ પેપરો ફૂટ્યા હોવાના લીધે તે પાંચેય પેપરોની પરીક્ષા રદ કરવામાં આવી છે અને તેની તારીખ નવેસરથી જાહેર કરવામાં આવશે.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીએ ઇન્ડિયન ઇકોનોમિક્સ સેમેસ્ટર-6, બીએ હોમ સાયન્સ પેપર-18, ટીવાયબીએ ગુજરાતી પેપર-18, બીએ ઇંગ્લિશ પેપર-6, ડિસ્ટ્રિક્ટ પેપર-18ની પરીક્ષા રદ કરવામાં આવી છે. વાઇસ ચાન્સેલરના જણાવ્યા મુજબ પેપર ભૂલથી ખૂલી જવાના લીધે આ પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે સેનેટ સેમ્બર ભાવેશ રબારીનો આરોપ છે કે બીએ ઇકોનોમિક્સનું સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ છે. આ પેપરની પરીક્ષા પહેલા જ આ પેપર કેટલાક વિદ્યાર્થીઓ પાસે જોવા મળ્યું હતું.

આ ઉપરાંત કહેવામાં આવી રહ્યુ છે કે વાડિયા વીમેન્સ કોલેજમાંથી આ પેપરો ફૂટ્યા છે. જો કે આ વાતને હજી સુધી સત્તાવાર સમર્થન મળ્યું નથી, પણ કેટલાક વિદ્યાર્થી આગેવાનો આ પ્રકારનો આક્ષેપ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે આ તો સ્પષ્ટ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે. પણ ભાવેશ રબારીના દાવાને યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરે ફગાવી દીધો છે.

આ પરીક્ષા શરૂ કરવામાં આવ્યા પછી તેને રદ કરાઈ હતી. પરીક્ષા શરૂ કરાયાના અડધા કલાક પછી તેને રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના પગલે વિદ્યાર્થીઓમાં આક્રોશ અને નિરાશા જન્મી હતી. તેના પગલે વિદ્યાર્થીઓ પાસેથી તરત જ પ્રશ્નપત્ર લઈ લેવામાં આવ્યા હતા. પરીક્ષાના નવા કાર્યક્રમની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આજે બી-કોમ સેમેસ્ટરનું છેલ્લુ પેપર હતુ.. સત્તાવાળાઓના આ પ્રકારના પગલાથી વિદ્યાર્થીઓમાં ગુસ્સો અને નિરાશા આવે તે સ્વાભાવિક છે. વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષાએ પેપર રદ કરવાની જાહેરાત થતા બહુ વિચિત્ર લાગણી તેઓએ અનુભવી હતી. કેટલાય વિદ્યાર્થીઓનું માનવું હતું કે આ રીતે પેપર કેવી રીતે લેવાય. કોઈપણ વિદાય્ર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવાનો કોઈને હક્ક નથી. ઘણા વિદ્યાર્થીઓ તો ફરીથી પરીક્ષા જ દેવા નહી આવીએ તેમ કહેતા હતા.

અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત

Your email address will not be published.