અમદાવાદમાં આવેલ યુએન મહેતા હોસ્પિટલમાં એક દર્દીએ છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ દર્દીની ઉંમર આશરે 56 વર્ષની હોવાનું સામે આવી રહ્યું છે.
અમદાવાદમાં આપઘાતના બનાવો દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના અસારવા પાસે આવેલ યુએન મહેતા હોસ્પિટલમાં આજે એક દર્દીએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. છઠ્ઠા માળેથી છલાંગ લગાવનાર દર્દી આશરે 56 વર્ષના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત આ વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવે ત્યારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટનાને લઈ હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મરનારી વ્યક્તિએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોય એવું લાગી રહ્યું છે. દર્દીની ઓળખ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોઈ શંકાસ્પદ કારણ છે કે નહીં અને મૃતક પાસેથી કોઈ અંતિમ ચિઠ્ઠી છે કે કેમ એની તપાસમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.