ભાજપના કાર્યકરોને ચૂંટણી પૂર્વે ત્રણ દિવસનું વેકેશન આપતા પાટિલ

| Updated: April 22, 2022 4:24 pm

સુરતઃ ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટિલે ભાજપના કાર્યકરો માટે બીજીમેથી ચોથી મે સુધી ત્રણ દિવસના વેકેશનની જાહેરાત કરી છે. પાટિલે તેની સાથે જણાવ્યું છે કે તેના પછી આગામી છ મહિના સુધી વિધાનસભા ચૂંટણી માટે આકરી મહેનત કરવાની છે.

તાપી ખાતે પત્રકારો સાથે વન-ડે વન ડિસ્ટ્રિક્ટ ટુરનો પ્રારંભ કરતાં પાટિલે આ વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વન-ડે વન ડિસ્ટ્રિક્ટ ટુરમાં તેઓ દરેક જિલ્લામાં પેજ કમિટીના પ્રમુખ અને સભ્યોને અને પક્ષના અન્ય હોદ્દેદારોને મળશે. તેમના સૂચનો સાંભળશે અને તેમને સૂચનાઓ આપશે.

પાટિલે જણાવ્યું હતું કે આ ત્રણ દિવસના વેકેશન દરમિયાન રાજ્યમાં કોઈપણ પ્રકારની રાજકીય ઇવેન્ટ નહી હોય. ગુજરાતમાં ભાજપના 1.14 કરોડ પ્રાથમિક સભ્યો છે અને તેમાથી 1.29 લાખ સક્રિય સભ્યો છે. આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે અને પક્ષના કાર્યકરોએ ઘણુ બધુ કામ કરવાનું છે. દિવાળીના તહેવારો દરમિયાન પણ તેમને રજા નહી મળે.

ભાજપના પ્રદેશ પ્રમુખે વ્યારામાં બિરસા મુંડા ચોકથી સબરીનાથના મેદાન સુધી બે કિ.મી. લાંબી રેલી કરી ત્યારે તેમા ભાગ લેવા આવેલા હજારો કાર્યકરોને આવકાર્યા હતા. પક્ષના કાર્યકરોનો સંબોધતા પાટિલે જણાવ્યું હતું કે પક્ષના કાર્યક્રમ માટે તાપી જિલ્લાને સૌપહેલા પસંદ કરવાનું કારણ એ છે કે તેણે પેજ કમિટીની પ્રવૃત્તિઓમાં શાનદાર કામગીરી બજાવી છે.

પાટિલે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા હતા અને તેમણે બનાસ ડેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અઢી લાખ મહિલાઓએ ભાગ લીધો હતો. વિપક્ષને પણ આટલી મોટી સંખ્યામાં મહિલાઓને જોઈને આશ્ચર્ય થયું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે વડાપ્રધાને દાહોદની આદિવાસી મીટમાં પણ ભાગ લીધો હતો, તેમા ત્રણ લાખ લોકો આવ્યા હતા. અમે હવે વડાપ્રધાન માટે દક્ષિણ ગુજરાતમાં આવા જ કાર્યક્રમનું આયોજન કરવાના છીએ. તેમા સુરત, ભરુચ, નર્મદા, તાપી, વલસાડ, નવસારી અને ડાંગના આદિવાસીઓ હાજરી આપશે.

ગુજરાતના બાળકોમાં કુપોષણ અંગે પાટિલે જણાવ્યું હતું કે મેં ભાજપના દરેક કાર્યકરને જણાવ્યું છે કે તે કમસેકમ એક કુપોષિત બાળકને પોષણ પાડવાની જવાબદારી ઉઠાવે. તેમને આહાર અને અન્ય પોષક દ્રવ્યો પૂરા પાડે. અમે જાણીએ છીએ કે સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લાની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોને મિલ્ક બેગ પૂરી પાડે છે. જો આવું બીજા ત્રણ મહિના ચાલુ રહ્યો તો અમારો જિલ્લો દેશમાં કુપોષણની નાબૂદી કરનારો પ્રથમ જિલ્લો હશે.

Your email address will not be published.