પાટિલે દૂધધારા ડેરીના 70 કરોડના મુંબઈ દૂધ પ્લાન્ટ અને 2 કરોડના સોલર પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ

| Updated: June 13, 2022 3:15 pm

ભરૂચઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ શાસક પક્ષ દ્વારા વિવિધ યોજનાઓના લોકાર્પણ કાર્યક્રમોમાં વધારો થતો જાય છે અને વિપક્ષ દ્વારા વિરોધ વધતો જાય છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ દૂધધારા ડેરીની સાધારણ સભા અને સહકાર સંમેલનમાં હાજર રહ્યા હતા.

સી આર પાટિલના હસ્તે દૂધધારા ડેરીના 70 કરોડના મુંબઈ દૂધ પ્લાન્ટનું અને 2 કરોડના 500 કે.વીના સોલર પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. તેની સાથે પાંચ કરોડના શ્રીખંડ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દૂધધારા ડેરી, ધારી ખેડા સુગર ચેરમેન અને નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, વિધાનસભા દંડક અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસિંહ ગોહિલ, ભૂતપૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, નિશાંતભાઈ મોદી સહિત ડિરેક્ટરો સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભાજપે વિધાનસભા ચૂંટણી પૂર્વે તેની સામેની એન્ટિ ઇન્કમબન્સી અને અંડરકરંટને ટાળવા પ્રજાલક્ષી કાર્યક્રમો વેગવંતા બનાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતે આ ચૂંટણી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. વડાપ્રધાન અને અમિત શાહનું નિયમિત ધોરણે આગમન તેનો પુરાવો છે. આ બતાવે છે કે ભાજપ માટે આ ચૂંટણીનું કેટલું મહત્વ છે. ભાજપ આ ચૂંટણીને 2024ની લોકસભા ચૂંટણી પૂર્વેની ફાઇનલ તથા વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાના ટેસ્ટ કેસ તરીકે જુએ છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન તરીકે મોદીએ 2012ની વિધાનસભા ચૂંટણી જીત્યા પછી જ તેમનો 2014નો લોકસભા સભ્યપદનો માર્ગ મોકળો થયો હતો.

વડાપ્રધાને તો જણાવી જ દીધું છે કે હું 2024માં નિવૃત્ત થવાનો નથી. આનો સીધો અર્થ એમ કરી શકાય કે તેઓ કમસેકમ 2029 સુધી તો સત્તા પર રહેવા માંગે છે. આ માટે તેમણે પક્ષને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેથી જ દરેક ભાજપ પ્રમુખની જવાબદારી પક્ષને વધારે મજબૂત બનાવીને લોકસભા અને તેની સાથે વિધાનસભા ચૂંટણીમાં સારામાં સારો દેખાવ કરવાની છે. પાટિલ 149 બેઠકો કોંગ્રેસે જીતી હતી તે લક્ષ્યાંકને વટાવવા માટે એડીચોટીને જોર લગાવી રહ્યા છે, પરંતુ તે સંભવ લાગતું નથી. તેથી જ પ્રજા કલ્યાણના દરેક કાર્યક્રમમાં ભાજપના કોઈને કોઈ નેતાની હાજરી હોય જ છે.

Your email address will not be published.