Site icon Vibes Of India

2012માં સંજીવ ભટ્ટને ફસાવવા મારા મોબાઈલની કોલ ડિટેઇલ મેળવાઈ હતીઃ અર્જુન મોઢવાડિયા

પેગાસસ સોફ્ટવેર દ્વારા થયેલી જાસૂસીના મુદ્દે કોંગ્રેસ હવે આક્રમક થઈ છે. ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સમગ્ર ઘટનાક્રમ અંગે સરકાર પર આરોપ મુક્યો હતો કે, “વર્ષ 2012માં આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને ફસાવવા માટે મારા મોબાઈલ ફોનની ડિટેઇલ ગેરકાનૂની રીતે મેળવવામાં આવી હતી”.

તેમણે કહ્યું કે આજે પણ ગુજરાતમાં પક્ષ, વિપક્ષના નેતાઓ, અધિકારીઓ અને પત્રકારોના ફોનની ડીટેલ મેળવવામાં આવતી હશે. તેમણે કહ્યું, “મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રીના ફોન પણ હેક થયા છે કે નહીં તેની ચકાસણી પણ બંને મહાનુભાવો કરાવી લે”. અર્જુન મોઢવાડિયાએ ગુજરાત ભાજપના આંતરિક જુથ વાદ પર વ્યંગ કરતા કહ્યું કે “એક સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને એટલા માટે જ પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે જેથી તેઓ મુખ્યમંત્રી પર નજર રાખી શકે”.

મોઢવાડિયાએ 2017 અને 2020ની ગુજરાત રાજ્ય સભાની ચૂંટણીમાં કોંગ્રેસના આગેવાનોના ફોન હેક કર્યા હોવાનો ગંભીર આરોપ પણ સરકાર પર મુકયો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પણ સરકાર ઉથલાવા માટે ધારાસભ્યોના ફોન હેક કર્યાની વાત કોંગ્રેસે કરી છે. મોઢવાડિયાના કહ્યા અનુસાર નરેન્દ્ર મોદીએ “2002માં ભાજપના ભૂતપૂર્વ નેતા હરેન પંડયા તથા કોંગ્રેસ આગેવાનોના ફોન પણ ટેપ કર્યા હતા”. મોઢવાડિયાએ 2009માં થયેલા ‘સ્નૂપગેટ પ્રકરણ’ને પણ યાદ કર્યું હતું જેમાં કથિત રીતે નરેન્દ્ર મોદીની સૂચનાથી એક યુવતીની જાસૂસી કરવામાં આવી હતી.

ગુજરાત કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારે આ સોફ્ટવેર માટે મોબાઈલ દીઠ કરવામાં આવતા 90 લાખ ખર્ચની ચૂકવણી સરકારના કોઈ જાહેર સાહસ માંથી કરી છે કે નહીં તે પ્રશ્ન પણ મોદી સરકારને પુછયો છે.

કોંગ્રેસે ગુજરાતમાં ભૂતકાળમાં બનેલા ફોન ટેપિંગના બનાવોને લઈને રાજ્ય સરકાર પાસેથી શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરી છે અને આ સમગ્ર ઘટના ક્રમમાં ન્યાયીક તપાસની પણ માંગ કરી છે. કોંગ્રેસે કહ્યું કે ભાજપે ડિનાયલ મોડમાંથી બહાર આવવાની જરૂર છે.

પેગાસસ સોફ્ટવેર દ્વારા દેશમાં 300 જેટલા મોબાઈલ ફોન હેક કર્યા હોવાનું અત્યાર સુધીમાં જણવા મળ્યું છે. અત્યાર સુધીમાં રાહુલ ગાંધી, ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા, મોદી સરકારમાં કેબિનેટ મંત્રી અશ્વિન વૈષ્ણવ, ભૂતપૂર્વ મંત્રી પ્રહલાદ જોષી, ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતીય શોષણનો આરોપ મુકનારી યુવતી સહિત તેના પરિવારના 11 લોકોના ફોનની જાસૂસીના અહેવાલો બહાર આવ્યા છે. પત્રકારો, માનવ અધિકાર એક્ટિવિસ્ટ અને સુપ્રીમ કોર્ટના સિંટીગ જજ સુધીના ફોન હેક થયા હોવાની વાત પણ કરવામાં આવી છે.