સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં એડમિશન લેવા માટે પડાપડી કરે છે લોકો

| Updated: May 11, 2022 1:09 pm

સુરતઃ રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં સરકારી શિક્ષણમાં સુધારો કરવાના પ્રયાસો ધીમે-ધીમે દેખાઈ રહયા છે. સુરત મહાનગરપાલિકાના હસ્તકની શિક્ષણ સમિતિની શાળાના સ્તરનું શિક્ષણ એટલું વિકસ્યુ છે કે તેમા હવે પ્રવેશ માટે પડાપડી થઈ રહ્યા છે.

સામાન્ય રીતે સરકારી શાળાઓમાં શિક્ષણ મેળવવાનું લોકો ટાળતા હોય છે. પણ સુરતની શિક્ષણ સમિતિની આ શાળાના શિક્ષણના સ્તરે ખાનગી સ્કૂલોને પણ પાછળ છોડી દીધી છે. તેના લીધે આ શાળાની સંખ્યા કરતાં પણ વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓના પ્રવેશની અરજી આવે છે.

સુરતમાં ઉતરાણ ખાતે આવેલી આ શાળા એક જ બિલ્ડિંગમાં બે પાળીમાં ચાલે છે. પણ આ શાળાના શિક્ષકો ખાનગી શાળાના શિક્ષકો કરતાં પણ વધારે સારું ભણાવે છે. બાળકોને આ શાળામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભણાવવામાં આવે છે. અહીં બાળકોને સ્માર્ટ કાર્ડ સહિતની સગવડો પૂરી પાડવામાં આવે છે. ફક્ત એટલું જ નહી આ શાળાઓમાં પુસ્તકો, ભોજન અને પરિવહનનો ખર્ચ પણ આ શાળા ચૂકવે છે. આના લીધે લોકો પણ બાળકોને ખાનગી શાળામાંથી શિક્ષણ સમિતિની શાળામાં શિફ્ટ કરી રહ્યા છે. શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય અને સુપરવાઇઝર પોતે પણ શાળાના બાળકોને ભણાવે છે.

શિક્ષણ સમિતિના ઓનલાઇન એડમિશન ઇન્ચાર્જ કહે છે કે સમિતિની શાળામાં પહેલા ધોરણમાં પ્રજ્ઞા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ ઉપરાંત આ સમિતિની શાળામાં વિદ્યાર્થીને કોઈપણ પ્રકારનું શિક્ષણ કોઈપણ પ્રકારના દબાણ વગર ભણાવાય છે. આમ ભાર વગરના ભણતરના મુદ્રાલેખને અહીં અનુસરવામાં આવે છે. તેના લીધે વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ પણ ઘણો સારો થાય છે. આ સાથે સમિતિના શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ખંતથી અભ્યાસ કરાવે છે. શિક્ષણ સમિતિને પણ સતત સમયની સાથે અપડેટ કરવામાં આવે છે.

આમ સુરતના જમણની સાથે હવે સુરતનું શિક્ષણ પણ તળિયાના સ્તરથી સુધરી રહ્યુ છે. સુરતમાં આ પ્રોજેક્ટને સફળતા મળ્યા પછી આ અભિયાન રાજ્યના દરેક અગ્રણી શહેરોમાં આગળ વધારવાનું છે. સરકાર દ્વારા તળિયાના સ્તરથી શિક્ષણને વધારે વ્યાપક અને સર્વસમાવેશી બનાવવા માટેના પ્રયત્નો આદરવામાં આવ્યા છે. તેના માટે ટેકનોલોજીનો મોટાપાયા પર ઉપયોગ પણ કરવામાં આવનાર છે. શાળાના વિદ્યાર્થીઓને પણ પ્રાથમિક સ્તરેથી જ ટેકનોલોજિકલ સાક્ષરતા આપવા પર ભાર મૂકવામાં આવનાર છે. વિદ્યાર્થીઓના માનસિક વિકાસ પર પણ વધુને વધુ પ્રમાણમાં ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Your email address will not be published.