પીઆઇ અને પોલીસકર્મીઓને ટૂંક સમયમાં લોકો સાથે સારો વ્યવહાર કરવાની ટ્રેનિંગ અપાશે

| Updated: April 18, 2022 1:17 pm

  • પીઆઇ અને પોલીસકર્મીઓને ટૂંક સમયમાં લોકો સાથે સારુ બિહેવીયર અંગે ટ્રેનિંગ શરુ થશે 
  • અમદાવાસ સીટી પોલીસ લોકો સાથે સજ્જનતાથી વર્તશે નહી તો લાંબી ટ્રેનિંગ લેવડાવા ગૃહ વિભાગ સજ્જ 
  • ટ્રેનિંગ બાદ પણ ન સુધરી તો કડક પગલા માટે તૈયાર, ફરિયાદ પણ લેવી તેમને યોગ્ય જવાબ પણ આપવો 

અમદાવાદ: શહેરની જનતા જનાર્દન જે ટેક્ષ ભરે છે તે ટેક્ષમાંથી મુખ્યમંત્રીથી લઇ સરકારી કર્મચારીઓનો પગાર થાય છે. તેમ છતાં પોલીસ લોકોના ટેક્ષના નાણાંથી પગાર મેળવીને પણ તેમની સાથે સારો વ્યવહાર ન કરતા હોવાની અનેક ફરિયાદો સેક્ટર -2 ના જોઇન્ટ કમિશનર આઇજી ગૌતમ પરમારને મળી હતી. જેથી તેમણે આમ આદમી બની પોલીસનો વ્યવહાર ચકાસ્યો હતો. તેમાં તેમની સાથે સારો વ્યવહાર ન થતાં આખરે જોઇન્ટ પોલીસ કમિશનરના વડપણ હેઠળ એક કમિટી બનાવી તમામ કર્મચારીઓ અને પોલીસ ઇન્સ્પેકટરોને પણ ટ્રેનિંગ આપવાની તૈયારીઓ થઇ ગઇ છે. પોલીસનું બિહેવિયર લોકો માટે સુધરે અને તેમને સાંભળે તેની ફરિયાદનું યોગ્ય નિરાકરણ લાવે સહિતની બાબતોએ હવે પોલીસ ધ્યાન નહી આપે તો કડક પગલાં પણ લેવાની તૈયારી કરી દેવામાં આવી છે. 

શહેરના પોલીસ સ્ટેશનોમાં અરજદારો એટલે કે જનતા જાય ત્યારે તેમને ધર્મધક્કા ખવડાવવામાં આવે છે. તેમને પોલીસ દ્વારા ઉધ્ધાતાઇ પૂર્વક જવાબ આપવામાં આવે છે. તેમને પોતે જ ગુનેગાર છે ગાળો આપી ધુતકારવામાં આવે છે. આવી અમુક ઘટનાઓ અને ફરિયાદો શહેરના જોઇન્ટ કમિશનર આઇજી ગૌતમ પરમારને મળી હતી. રોજ બરોજ તેમને અરજદારો મળતા અને પોલીસના ખરાબ વર્તન અંગે ફરિયાદ કરતા હતા પરંતુ તેઓ પુછે તો પોલીસ સ્ટેશનના પીઆઇ, એસીપી, ડીસીપી આવું બન્યું નથી ફરિયાદી ખોટું બોલી રહ્યા છે આ બધા આક્ષેપો પાયા વિહોણા છે તેમ કહી મામલો દબાવી પોલીસકર્મીઓને બચાવી લેતા હતા. આ દરમિયાન આઇજી ગૌતમ પરમારે ખરેખર હકિકત શું છે અને અલગ અલગ લોકો આટલી ફરિયાદો લઇને આવે છે તો હકિકત શું છે તે ચકાસવાની તૈયારી કરી હતી. 

આઇજી ગૌતમ પરમાર સામાન્ય એટલે કે આમ આદમી બન્યા અને તેમને એક મહિલા એલઆરડીને પોતાની ભત્રીજી રોલ આપ્યો હતો. આઇજી ફિલ્મની જેમ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ફરિયાદ રુમમાં તેઓ પહોચ્યા હતા અને તેમને પોતાનું ટુ વ્હિલર વાહન ખોવાઇ ગયાની જાહેરાત કરી હતી તેથી પોલીસે બે દિવસ આસપાસ શોધવાની વાત કરી હતી. જેથી તેમણે ટુવ્હિલરમાં પાસપોર્ટ હતો અને તે પણ ચોરાઇ ગયો છે. તેથી પોલીસે તેમને ખખડાવ્યા રીતસર કચરો કરી તમે જ ગુનેગાર છો તમને અરેસ્ટ કરવા પડશે. તમે પાસપોર્ટમાં ચેડા કર્યા હશે એટલે ખોટી ફરિયાદ કરવા આવ્યા છો. આમ આદમી બનેલા ગૌતમ પરમારને પોલીસે રીતસર બેસાડી દીધા હતા. 

ગૌતમ પરમારે પોતે સેક્ટર-2 જોઇન્ટ સીપી હોવાનું કહ્યું તેમ છતાં પોલીસ સાંભળવા તૈયાર ન હતી અને તમે કોઇ પણ હોય તમે તો અરેસ્ટ થશો જ તેવી વાત કરી હતી. પોલીસ સ્ટેશન નજીક એસીપી મિલાપ પટેલની ઓફિસ આવેલી છે છતાં તેઓ યોગ્ય ધ્યાન ન આપતા પોલીસ બેફામ બની હોવાનું સ્પષ્ટ થયું હતુ. આખરે જેસીપીએ કાગડાપીઠ પીઆઇ, અને કે ડિવિઝનના એસીપી મિલાપ પટેલને ફોન પર જાણ કરી હતી કે, કાગડાપીઠ પોલીસ મને અરેસ્ટ કરી રહી છે. જેથી પીઆઇ અને એસીપી દોટ લગાવી પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને ફરિયાદ રુમમાં હાજર પોલીસને ખ્યાલ આવ્યો હતો કે, આ તો જોઇન્ટ સીપી ગૌતમ પરમાર છે. જેથી ફરિયાદ રુમમા હાજર પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા. 

જોઇન્ટ સીપીએ ઇન્કવાયરી આપી બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. આમ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પહોચ્યા ત્યારે તેમને ફરિયાદ રુમમાં હાજર પોલીસ કર્મીઓ તેમની ભત્રીજીના સાસરીમાં જઇ ફરિયાદ કરવાનું કહી ટાળી રહ્યા હતા. અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ખુદ ઝોન-5 ડીસીપી અચલ ત્યાગી હાજર હોવા છતાં પણ પોલીસ બેફામ અને ઉડાઉ જવાબ આપતી હતી. આખરે ત્યા પણ ઉડાવ જવાબ આપનાર બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આાવ્યા હતા. ત્રીજા બનાવમાં નિકોલ પોલીસ સ્ટેસનમાં જોઇન્ટ કમિશનરની ઓફિસથી તેમના પીએએ ફોન કરી ફરિયાદી મહિલાની ફરિયાદ લેવાની જાણ કર્યા બાદ પણ ફરિયાદ લેવાતી ન હતી અને તેને ધક્કા ખવડાવી મોડે સુધી બેસાડી રાખવામાં આવતી હતી. જેથી આ અંગે જોઇન્ટ કમિશનરે ઇન્કવાયરી આપી અને એક પીએસઆઇ અને ચોકી રાઇટરને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી. આમ પોલીસને ઉચ્ચ અધિકારીઓ જાણ કરે છતાં ડિસિપ્લીન ફોર્સમાં તેની રીતસર અવગણના થતી હતી. 

હવે શું કાર્યવાહી કરવામાં આવશે

જોકે આ ઘટનાઓ બાદ શહેરના જોઇન્ટ કમિશનર આઇજી ગૌતમ પરમારે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી લોકોના પ્રશ્નો સાંભળે અને પોલીસ પોતાનું કર્તવ્ય નિભાવે તે અંગે રજૂઆત કરી કાર્યવાહી કરવા તૈયારી કરી હતી. દરમિયાનમાં શહેરમાં એક કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં આઇજી ગૌતમ પરમારના વડપણ હેઠળ જોન-4 ડીસીપી મુકેશ પટેલ, એસીપી રીમા મુન્શીની ટીમ બની હતી. આ ટીમ હવે પોલીસ કર્મચારીઓ તો ઠીક પરંતુ યોગ્ય વર્તન ન કરનાર પોલીસ ઇન્સ્પેકટરોને પણ ટ્રેનિંગ આપશે. પોલીસ કર્મીઓને લાંબો સમય ટ્રેનિંગ મળશે જ્યારે પોલીસ ઇન્સ્પેકટરોને એક દિવસની ટ્રેનિંગનો ભાગ બનવું પડશે. ટુંક સમયમાં સેક્ટર-2 વિસ્તારથી લોકો સાથે સારો વ્યવહાર કરવો અને સૌજન્ય પૂર્ણ તેમને જવાબ આપે. લોકો ટેક્ષ ભરે છે અને સરકારી કર્મચારીઓનો પગાર તેમાથી થાય છે. આ અંગે આઇજી ગૌતમ પરમારનું કહેવું હતુ કે, લોકો માટે જ પોલીસની પોસ્ટ ઉભી કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થા સાથે લોકો માટે સારો વ્યવહાર અને ફોર્સમાં ડિસિપ્લીન જરુરી છે આમ પોલીસ લોકોની મદદ કરવા માટે છે આમ તે યોગ્ય રીતે કરે તે સારી વાત છે. 

પીઆઇ, એસીપી, ડીસીપી બચાવ કરતા ફરિયાદીને ખોટો કહેતા 

ફરિયાદી પોલીસ સ્ટેશન જાય અને ફરિયાદ રુમમાં મળે ત્યારે તેઓ તેમને યોગ્ય જવાબ ન આપે તેવી અમુક ઘટનાઓ બનતી હતી. જોકે ફરિયાદ ન લે ત્યારે તેઓ પીઆઇ પાસે જાય પરંતુ તેઓ પણ તેને ટાળતા હતા. ત્યારે તેઓ એસીપી અને ડિસીપી પાસે જતાં પરંતુ તેઓ પણ તેને ન મળતા કે ધુતકારી દેતા હોવાના અમુક કિસ્સાની ફરિયાદો સેકટર-2 જોઇન્ટ સીપીને મળી હતી. આખરે સામાન્ય લોકોની ફરિયાદ ન થાય ત્યારે તેઓ આઇજી ગૌતમ પરમારને મળવા જતાં અને બાદમાં તેમને સાંભળી તેમના આદેશ બાદ ફરિયાદ લેવાતી હતી. જોકે ફરિયાદી અંગે જોઇન્ટ સીપી સ્થાનિક પીઆઇ કે, એસીપીને પુછતાં તે તેઓ કહેતા કે ફરિયાદી ખોટો છે અને ખોટી ખોટી વાતો કરે છે. આમ થતાં તેમને રીયાલીટી ચેક કરવા પોતે બહાર નિકળવું પડ્યું હતુ ત્યારે પીઆઇ એસીપીની પોલ પકડાઇ ગઇ હતી. 

રિયાલીટી ચેક બાદ છ પોલીસકર્મી સસ્પેન્ડ 

સેક્ટર 2 જોઇન્ટ સીપી પોલીસ સ્ટેશનની સાચી સ્થિતી ચેક કરવા માટે સામાન્ય માણસ બની મેદાને આવ્યા હતા ત્યારે રિયાલીટી તો પીઆઇ એસીપી જણાવતા તેનાતી તદ્દન અલગ હોવાનું બહાર આવ્યું હતુ. જેથી તેમણે અનેક લોકોને ઇન્કવાયરી આપી હતી જ્યારે અમરાઇવાડી, કાગડાપીઠમાં બે -બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે નિકોલ પોલીસ સ્ટેસનના પીએસઆઇ અને રાઇટરને સસ્પેન્ડ કર્યો હતો. 

ફરી ટ્રેનિંગ માટે છ મહિના ખસેડવાની અધિકારીઓમાં ચર્ચા 

સવંદેનશીલ સરકારનો ગૃહ વિભાગ લોકો સાથે પોલીસ ખરાબ વર્તન કરે છે તે બાબતે ગંભીર છે અને હવે જે પોલીસકર્મીઓ સામાન્ય અરજદારો કે, લોકો સાથે યોગ્ય વર્તન કરશે તેમના વિરુધ્ધમાં કડક કાર્યવાહી કરવાના મુડમાં છે. આમ એક ચર્ચા મુજબ, જે પોલીસકર્મીઓ ખરાબ વર્તન કરશે અને વારંવાર તેમની ફરિયાદ આવશે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેને ગંભીર ગણવામાં આવશે અને તેનો રિપોર્ટ કરવામાં આવશે. જેના કરાણે તેમને છ મહિના ફરી જેતે ટ્રેનિંગ સેન્ટરમાં મોકલાવા આવશે. જો તેમાં કોઇ અધિકારી હશે તો તેને કેટલો સમય ટ્રેનિંગ સેન્ટરમાં મોકલવો તે અંગે હજુ અધિકારીઓમાં ચર્ચા ચાલી રહી હોવાની વાત બહાર આવી છે. જોકે આ હજુ સુધી આ અંગે કોઇ ઠોસ નિર્ણય ન લેવાયો હોવાનું ઉચ્ચ અધિકારીઓએ નામ ન લેવાની શરતે કહ્યું હતુ. 

બંધ બારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓની મીટીંગ પણ યોજાઇ

પોલીસ ખરાબ વર્તન કરે છે અને લોકોમાં એકાદ બે પોલીસકર્મીઓના કારણે તમામ પોલીસકર્મીઓની ખરાબ ઇમેજ પડે છે તે સુધારવા માટે પોલીસ અધિકારીઓ સજજ થઇ ગયા છે. તેમણે બંધ બારણે એક મિટીંગ યોજી હતી અને તેમા સ્પષ્ટ નિર્ણયો લીધા હોવાનુ બહાર આવ્યું છે. મેરેથોન મિટીંગમાં નાગરીકોને સારામા સારી સુવિધા મળે અને આગામી સમયમાં પોલીસનો બિહેવીયર સુધરે અને ગૃહ વિભાગની છાપ પણ સારી ઉપસી આવે તે માટે અધિકારીઓએ ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ આપવાનો અને તે ધીરે ધીરે પુરા ગુજરાતમાં અમલ કરવાનો નિર્ણય લીધો છે.

Your email address will not be published.