PM મોદી આજથી ગુજરાતમાંઃ સાબરકાંઠા અને ગાંધીનગરના કાર્યક્રમને જાણો

| Updated: July 28, 2022 1:08 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ફરીથી ગુજરાત પ્રવાસે છે. તેઓ સાબરકાંઠા ખાતે સાબર ડેરીના કાર્યક્રમમાં હાજર રહેશે. ડેરીમાં વિવિધ પ્લાન્ટના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. તેની સાથે જંગી જનસભાને પણ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી 28 જુલાઈના રોજ બપોરે બાર વાગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. તેમા સાબર ડેરી હિંમતનગર ખાતે 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

તેની સાથે 600 કરોડના ખર્ચે તૈયાર થનારા ચીઝ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરશે. આ ઉપરાંત 125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અન્વયે દીકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું પણ વડાપ્રધાન મોદીના હાથે સન્માન કરાશે.

IIBXનો પ્રારંભ કરાવશે

વડાપ્રધાન ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીની મુલાકાત લેશે અને ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે. આ ઉપરાંત તેમના હાથે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટીના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. ગિફ્ટ-આઇએફએસસીમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જની સાથે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જનું  (IIBX)નો પણ ઉદઘાટન કરશે.

ગાંધીનગરમાં યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ મંત્રી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ડો. ભગવત કિશનરાવ કરાડ તેમજ કેન્દ્રીય નાણા મંત્રી પંકજ ચૌધરી પણ હાજર રહેશે.

Your email address will not be published.