વડાપ્રધાન મોદી આગામી 17-18 જૂને ગુજરાત પ્રવાસે, અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

| Updated: June 13, 2022 7:41 pm

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 અને 18 જૂનના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ અંગે જીતુ વાઘાણીએ તમામ કાર્યક્રમની માહિતી આપી હતી.

જીતુ વાઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના હસ્તે ગુજરાતને મળનાર ભેટ અંગે વિગતો આપી હતી. તેઓએ તમામ વિગતો આપતા જણાવ્યું કે, વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા રેલવે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.16,369 કરોડના વિવિધ 18 પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે. જેમાં પાલનપુર-માદર ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ અમદાવાદ – બોટાદ પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ ઉપરાંત સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનના રીડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત તથા ગેજ કંવર્જેશન સહિતના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના ગરીબ અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા 8907 આવાસોના લાભો લાભાર્થીઓને આપવામાં આવશે.

વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આગામી તા.17 અને 18 જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જે દરમિયાન પ્રધાનમંત્રી તા.17 મી જુને રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. તા.18મી જૂન, શનિવારના રોજ સવારે 9.15 કલાકે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરીને ત્યાર બાદ 11.30 કલાકે વિરાસત વન (પાવાગઢ નજીક)ની મુલાકાત લેશે.આ અવસરે પ્રધાનમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

વધુમાં ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજાજન સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.1 જુલાઇ થી 15 જુલાઇ 2022 દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’-20 વર્ષનો વિશ્વાસ-20 વર્ષનો વિકાસનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ જણાવી પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યઓ તેમના મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો હાથ ધરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. બે કરોડના ગ્રાંટ ફાળવવાનો નિર્ણય કરાયો છે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. 86 કરોડની રકમ પણ ફાળવી દેવામાં આવી છે.

Your email address will not be published.