PM મોદી સાંજે ચાર વાગે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જનું ઉદઘાટન કરશે

| Updated: July 29, 2022 3:19 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુમાં ચેસ ઓલિમ્પિયાડનું ઉદઘાટન કરીને આજે ગાંધીનગર પરત ફર્યા છે. તેઓ સાંજે ચાર વાગે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત તે આઇએફએસસીનું પણ ઉદઘાટન કરશે. આ પહેલા તેમણે ગઇકાલે સાબર ડેરીની મુલાકાત લીધી હતી અને 600 કરોડના પ્લાન્ટનું ઉદઘાટન કર્યુ હતુ અને બાકીના બે પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતુ. આના સંદર્ભમાં જ વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં આદિવાસી વિસ્તારના કરેલા વિકાસ કાર્યક્રમોની વિગતો પૂરી પાડી હતી. તેની સાથે અંબાજીથી છેક સુરત સુધીના વિસ્તારના આદિવાસી પટ્ટાને જોડતા જુદા-જુદા માર્ગો તૈયાર થઈ રહ્યા હોવાનું જણા્વ્યું હતું. તેના લીધે સમગ્ર રાજ્યના આદિવાસી વિસ્તારનો વિકાસ વેગવંતો બનશે તેમ કહ્યુ હતુ. વડોદરાના આદિવાસી વિસ્તારમાં રેલવે યુનિવર્સિટીની કરવામાં આવેલી સ્થાપના અંગે જણાવ્યું હતું. તેની સાથે દેશને મળેલા સૌપ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પણ તેમની સરકારે નીમ્યા હોવાનું જણાવ્યું હતું.

આટલેથી ન અટકતા તેમણે ભારતની આઝાદીના લડતમાં બલિદાન આપનારા સાબરકાંઠાના આદિવાસી આગેવાનોને યાદ કર્યા હતા. સાબરકાંઠાના આદિવાસી આગેવાનોએ અંગ્રેજોની નાકમાં એટલો દમ લાવી દીધો હતો કે તેમણે અહીં મોટો હત્યાકાંડ આચર્યો હતો, જેને આઝાદી પછી ભૂલાવી દેવામાં આવ્યું હોવાનું કહ્યુ હતુ. તેમણે કહ્યું હતું કે અગાઉની સરકારે આદિવાસીઓના સ્વતંત્રતા સંઘર્ષને વિસારે પાડી દીધો છે, જ્યારે અમે ફક્ત ગુજરાત નહી સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રના આદિવાસીઓએ સ્વતંત્રતા સંઘર્ષમાં આપેલા પ્રદાનને બિરદાવ્યુ છે. આ માટે અમે સ્વતંત્રતાવીરો માટે રાષ્ટ્રીય મ્યુઝિયમ પણ શરૂ કર્યુ છે. તેમણે બિરસા મુંડા જેવા લડાયક આદિવાસી આગેવાનોને યાદ કર્યા હતા .

વડાપ્રધાને આ ઉપરાંત સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાતના સૂકાભઠ વિસ્તારમાં સાબર ડેરીની સ્થાપનાથી થઈને તેણે સાધેલા વિકાસની વાત કરી હતી. સાબર ડેરીની સ્થાપના માટેના ભૂરાભાઈના પ્રયાસોને યાદ કર્યા હતા. આજે તેમના પ્રયાસોને લીધે સાબરકાંઠાના લાખો લોકો પશુપાલનની તાકાત પર સમૃદ્ધ થયા છે. સાબર ડેરી આજે સાબરકાંઠાના પશુપાલકો માટે જીવનનો આધાર બની ગઈ છે. તેમણે સાબર ડેરીને સમૃદ્ધ બનાવવાનું શ્રેય મહિલાઓને આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલાશક્તિના લીધે જ આ શક્ય બન્યું છે. તેમણે આ પ્રસંગે સાબર ડેરીમાં સૌથી વધારે દૂધનું પ્રદાન કરતી મહિલા પશુપાલકોને પણ સન્માનિત કરી હતી. તેમણે સહકારને વિકાસનો આધાર ગણાવ્યો હતો અને આજે સહકારની આ ચળવળના લીધે દેધ દૂધ ક્ષેત્રે આત્મનિર્ભર બની ગયો છે. સહકારીતાનું આ મોડેલ હવે સમગ્ર દેશમાં અનુસરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Your email address will not be published.