સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમમાં પીએમ મોદીનું બધાને વર્ષ સુધી ડિજિટલ પેમેન્ટ કરવા આહવાન

| Updated: May 19, 2022 4:20 pm

વડોદરાઃ વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતું. તેમણે આ સંબોધનમાં ત્યાં ઉપસ્થિત સંપ્રદાયના ભક્તોને એક વર્ષ સુધી બધુ જ પેમેન્ટ ડિજિટલ પેમેન્ટ કરવા આહવાન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે તમારું આ નાનકડું પગલું બહુ મોટી ક્રાંતિ લાવશે. તમારા આ નાનકડા પ્રયત્નથી કેટલાય લોકોના જીવનમાં પરિવર્તન આવશે.

આઝાદીના 75માં વર્ષ નિમિત્તે સમગ્ર વર્ષમાં 75 કલાક કોઈને કોઈ સમાજસેવા માટે ફાળવીએ. વડોદરા કારેલીબાગ ખાતેના સ્વામિનારાયણ મંદિરના 18મા પાટોત્સવ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને મંત્રી વિનોદ મોરડિયા ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરામાં યોજાયેલી યુવા શિબિરમાં પીએમ મોદીએ હુંકાર ભરતા જણાવ્યું હતું કે ભારતની સફળતા યુવાનોના સામર્થ્યની સાબિતી છે અને સંસ્કાર શિબિરોથી જ સમાજનો ઉદય થાચ છે. કારેલીબાગ ખાતે સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત યુવા શિબિરમાં પીએમ મોદી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. આ દરમિયાન તેમણે હાજર લોકોને વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે વડોદરા અને કાશીએ મને એક સાથે સાંસદ બનાવ્યો હતો. આજે દેશમાં સરકારની કામકાજ કરવાની રીત બદલાઈ છે, સમાજની વિચારધારા બદલાઈ છે. જનભાગીદારી પણ વધી છે. આજે ભારત પાસે વિશ્વની ત્રીજા નંબરની સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ છે. તેનું નેતૃત્વ પણ યુવાઓ જ કરી રહ્યા છે.

મોદીએ જણાવ્યું હતું કે યુવાનો આ શિબિર પૂરી કરી જશે ત્યારે નવી ઊર્જા અને નવચેતનાનો અનુભવ કરશે. સંસ્કાર શિબિરનું આયોજન એવા સમયે થયું છે જ્યારે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. કોઈપણ ક્ષેત્રમાં જ્યાં પડકાર હોય ત્યાં ભારત આશાના સથવારે આગળ વધ્યો છે. ભારતે કોરોના કાળમાં સમગ્ર વિશ્વમાં દવાઓ અને રસી પૂરી પાડી છે. ભારતની સફળતામાં યુવાઓના સામર્થ્યનો મોટો હિસ્સો છે.

તેમણે રૂબરૂ ન આવી શકવા બદલ અફસોસ વ્યક્ત કરવાની સાથે જણાવ્યું હતું કે ટુરિઝમના ક્ષેત્રમાં વડોદરા મહત્વનું સ્થાન બનશે. વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બેઝ બનશે. પાવાગઢનું પણ રિસ્ટોરેશન થઈ રહ્યુ છે. તે પણ વડોદરાના ઇતિહાસમાં મહત્વનું સાબિત થશે. મારી પણ ઇચ્છા છે કે પાવાગઢમા મા કાલીના ચરણોમાં નમન કરવા આવું.

Your email address will not be published.