મહારાષ્ટ્ર GST વિભાગ દ્વારા 231.49 કરોડના નકલી બિલનું કૌભાંડ પકડાયું; એક ગુજરાતીની ધરપકડ

| Updated: August 5, 2022 3:15 pm

મહારાષ્ટ્ર ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા GST ચોરી કરતી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના અંતર્ગત મેસર્સ બ્રિજેશ્વરી એન્ટરપ્રાઈઝીસ અને મેસર્સ ચેતના મેટલ્સ એલએલપીએ રૂ. 231. 49 કરોડના નકલી બિલો થકી શંકાસ્પદ કરદાતાઓ પાસેથી રૂ. 41.67 કરોડનું ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ ગુરુવારે મેસર્સ ઓમ ઈમ્પેક્સ અને બે અન્ય કંપનીઓના ઓપરેટર બ્રિજેશ વનિતલાલ શાહ (48)ની ધરપકડ કરી હોવાનો મામલો સામે આવ્યો છે.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ શાહને હાજર કરતાં તેની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી છે. આ મામલાનું ઇન્વેસ્ટિગેશન મુંબઈના જોઈન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ આઈએએસ રાહુલ દ્વિવેદી અને સ્ટેટ ટેક્સના ડેપ્યુટી કમિશનર નીલકંઠ ઘોગારેના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર સંતોષકુમાર રાજપૂત અને ટીમના અમોલ સૂર્યવંશી અને લીના કાળેની આગેવાનીમાં કરાઇ હતી.

એપ્રિલ મહિનામાં પણ જીએસટીની ટીમે મુંબઈના કાલબાદેવી માર્કેટમાં આંગડિયા પેઢીમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી તેમને લગભગ 9 કરોડ કરતા વધારેની રોકડ રકમ તેમજ 20 કિલો ચાંદી મળી હતી.

એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્યના GST વિભાગે વર્તમાન નાણાકીય વર્ષમાં ત્રીસ જનની ધરપકડ કરી છે. GST વિભાગ દ્વારા વ્યાપક વિશ્લેષણાત્મક સાધનો અને આંતરવિભાગીય સમન્વય સાથે એકધારી રીતે જીએસટી ચોરો વિરુદ્ધ ઝુંબેશ ચાલુ રાખી છે, જેથી GST ચોરોને મજબૂત સંકેત મળી રહે.

આ પણ વાંચો: અમદાવાદમાં ત્રણ વેપારીઓ પર જીએસટીના દરોડા

Your email address will not be published.