અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત

| Updated: June 23, 2022 3:09 pm

અમદાવાદમાં રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા રથયાત્રાના રુટ પર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. શાહપુર પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું જેથી પતરા લગાડવામાં આવ્યા હતા જે દૂર કરી દેવામાં આવ્યા છે અને તાત્કાલિક રોડ બનાવવાની કામગીરીનો આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. રથયાત્રામાં 25 હજાર પોલીસ સહિત SRP અને CRPFની 68 કંપનીનો બંદોબસ્ત, 8 DG, IG, 30 SP,35 ACP પણ તૈનાત રહેશે.

રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રથયાત્રામાં 25,000 પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. જેમા 8 DG/IG, 30 SP,35 ACP, SRP અને CRPF ની 68 કંપની ખડે પગે રહેશે. આગામી 28 તારીખથી અમદાવાદમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવશે. આજે ક્રાઈમ બ્રાન્ચ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી સૂચના આપી. આ વર્ષે રથયાત્રામાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે. જેમાં બોડી ઓન કેમેરા,ડ્રોન, ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ પોલીસિંગના પ્રયત્ન ખૂબ સારા કરવામાં આવ્યા છે.આઈબી તરફથી હજુ સુધી કોઈ એલર્ટ મળ્યું નથી.તમામ સમાજના લોકોને સાથે રાખીને રથયાત્રા નીકળશે. બંદોબસ્તમાં આવનારી પોલીસ માટે જમવા તથા રહેવાની તમામ વ્યવસ્થા માટે પણ સૂચના આપવામાં આવી છે.

રથયાત્રાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિ,બંદોબસ્ત તથા આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠક પુરી થતા હર્ષ સંઘવી મંદિરથી સમગ્ર રુટ પર જઈને નિરીક્ષણ કરશે. તાજેતરમાં આંતકી હુમલાનું એલર્ટ છે ત્યારે રથયાત્રા દરમિયાન કોઈ બનાવ ના બને તથા શાંતિ પૂર્ણ માહોલમાં રથયાત્રા પુરી થાય તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ ખાતે અમદાવાદ પોલીસ કમિશનર,ક્રાઈમ બ્રાન્ચના JCP, DCP તથા શહેરના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી છે.

રથયાત્રાના રૂટ પર જ્યાં જ્યાં પણ રોડને લઈ અને હજી કેટલીક કામગીરી કરવાની જરૂર પડે તો રોડની કામગીરી કરવા માટે પણ કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. રથયાત્રા સુધી કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રૂટ પર રાઉન્ડ લેવામાં આવશે. આજે રથયાત્રાના રૂટ પર મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પક્ષના નેતા ભટ્ટ, કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહ, વિવિધ કમિટિના ચેરમેનો, મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Your email address will not be published.