ઓઢવ પોલીસ જ લૂંટારુ બની, દારુ પીધેલા કહીને વિદ્યાર્થીઓના 6 હજાર લૂંટી લીધા

| Updated: May 19, 2022 8:12 pm

શહેરમાં પોલીસ લૂંટ ચલાવતી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે હવે ઓઢવ વિસ્તારમાંથી પસાર થતાં દાહોદના વિદ્યાર્થીઓની બોલેરો ગાડીને રોકી ઓઢવ પોલીસ ચોકીના કર્મીઓ , હોમગાર્ડ અને પ્રાઇવેટ વ્યક્તિએ લાકડી વડે માર મારી, લાફા માર્યા હતા. પોલીસે આ વિદ્યાર્થીઓના ફી ના 6 હજાર રુપિયા પણ લૂંટી લીધા હતા. આ અંગે જોઇન્ટ પોલીસ કમિશનર અને ડીસીપીને જાણ થતાં તેની તપાસ કરાવી 2 પોલીસકર્મી, એક હોમગાર્ડ અને પ્રાઇવેટ વ્યક્તિ સામે ગુનો નોધી કડક કાર્યવાહી કરી હતી. આ અંગે ઓઢવ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

મુળ દાહોદ જીલ્લાના ઝાલત ગામના પંકજ પણદા ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 18 મેના રોજ ઝાલત ગામના નાગજીભાઇ બીલવાળના દિકરા યુવરાજ બીલવાળ, યુવરાજ માવીના, જયેશ માવીના અને અંકુશને ધોરણ 10-11માં એડમીશન લેવાનું હતુ. જેથી તેમને લઇને ગાંધીનગર ચીલોડા ખાતે આવેલી સહજાનંદ સ્કુલ ઓફ એચીવરમાં જવાનું હતુ. દરમિયાનમાં તેઓ અમદાવાદમાં પહોચ્યા અને ઓઢવ વી કે પેટ્રોલ પંપ પાસે પોલીસ પોઇન્ટ પર હોમગાર્ડ મળીને ચાર કર્મીઓ ઉભા હતા. દરમિયાનમાં એક પોલીસકર્મીએ ગાડી રોકી અને ચેકિંગ કરી ગાળો બોલવા લાગ્યા હતા. બાદમાં તમે દારુ પીધેલા છો તમારુ મેડિકલ કરાવવાનું છે. કહીને નાગજીભાઇને કહ્યું કે, ઓફિસમાં ચલો. ઓફિસમાં નાગજીભાઇ ગયા ત્યાં અન્ય હોમગાર્ડ પણ બેઠા હતા.

લાઇસન્સ સહિતના ગાડીના કાગળોની માંગણી કરી હતી. લાઇસન્સ બતાવી આરસી બુક મોબાાઇલમાં બતાવી હતી. આરસી બુક ન ચાલે કહીને 10 હજાર દંડ ભરવો પડશે તેમ જણાવ્યું હતુ. દરમિયાનમાં પોલીસકર્મીએ લોકોને ગાળો ભાડી અને પ્લાસ્ટીકના દંડા વડે પેટમાં ઠુસા માર્યા હતા. બાદમાં હોમગાર્ડ જવાને બે -ત્રણ લાફા મારી દીધા હતા. દસ હજાર તો જોઇશે જ તેમ કહી ધમકાવ્યા હતા. જેથી બધા પાસે ભેગા કરેલા અને ફીના પૈસા 6 હજાર હોમગાર્ડના હાથમાં આપ્યા હતા. બાદમાં કાઢી મુક્યા હતા. દરમિયાનમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દીનેશ પલાસને ફોન કરાવતા હોમગાર્ડે પૈસા આપ્યા પરંતુ હાજર જમાદાર ગાળો બોલવા લાગ્યો હતો.

દરમિયાનમાં પીએસઆઇ પલાસે આ પોઇન્ટના પોલીસકર્મીઓને બોલાવ્યા ત્યારે તેમણે પીએસઆઇની હાજરીમાં જ જાવ તમારાથી જે થાય તે કરી લો તેમ કહીને ફરી ગાળો બોલી હતી. આમ પોલીસ અધિકારીને પણ આ પોલીસ કર્મીઓ ગણકારતા ન હતા. આ અંગે સેકટર-2ના જેસીપી ગૌતમ પરમાર અને ડીસીપી બલદેવ દેસાઇને જાણ થતાં તેમણે આદેશ કરી પોલીસ કર્મીઓ વિજયસિંહ બળવંતસિંહ, દિપકસિંહ ઉદેસિંહ, હોમગાર્ડ મેહુલ ગોવિંદ અને ચાલ્લાવાળો માણસ સહિત ચાર સામે ગુનો નોધ્યો હતો. આ અંગે એસટીએસસી સેલના એસીપીએ 3 પોલીસકર્મીઓની ધરપકડ કરી હતી અને વધુ એક પ્રાઇવેટ વ્યક્તિ જે ત્યા ફક્ત ઉઘરાણી માટે રખાયો હતો તેની અટકાયત કરવામા આવી છે.

પોલીસની સારી છાપ લઇ જાય એટલે તેમને શુભેચ્છા આપીઃ ગૌતમ પરમાર

સેકટર-2ના આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતુ કે, જ્યારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા ત્યારે તેઓ એટલા ડરી ગયા હતા કે, તેઓ નીચે બેસી ગયા અને રીતસર ડગાઇ ગયા હતા. તેમનો ડર જોઇ તેમના મનમાં પોલીસની છાપ શું હતી તે સમજી ગયો હતો. જેથી તે કુમળા મન પર પોલીસની ખરાબ છાપ ભુસાય તે માટે એક પ્રાયસ કરવાનો વિચાર આવ્યો હતો. જેથી તાત્કાલીક પોલીસ સ્ટેશનમાં જમવાની વ્યવસ્થા કરાવી પોલીસ સાથે બેસી તેઓ જમ્યા અને તેમની સાથે વાતો કરી તથા ડીસીપી બલદેવ દેસાઇએ તેમને શુભેચ્છા આપી તમામ પોલીસકર્મીઓએ પણ આપી હતી. આમ પોલીસે વિદ્યાર્થીઓની ફી લૂટી લીધી બાદમાં તે તેમની સાથે બેસી જમી તેમની સાથે વોતા કરી પોલીસની સારી છાપ લઇ જાય તે માટે એક પ્રસાય કર્યો હતો.

સીપીના આદેશ છતાં એરપોર્ટથી નિકળતા પેસેન્જરો પાસે પણ પૈસા પડાવાય છે

અગાઉ એક એનઆરઆઇ પાસે પીસીઆર વાનના પોલીસ કર્મીઓએ ચેકિંગના નામે પૈસા પડાવ્યા હતા. તે ઘટના પ્રકાશમાં આવી અને એક મોટા નેતાએ તે અંગે ગાંધીગનર સુધી ફરિયાદ કરી હતી. જેથી એરપોર્ટ પરથી આવતા પેસેન્જરોને હેરાન ન કરવા આદેશ હોવા છતાં પોલીસ હજુ પણ તેમને રોકે છે અને તેમના સામાનનું ચેકિંગ કરી તેમની પાસે પૈસા પડાવે છે. તેમાં પણ પેસેન્જર પાસે જો એક પણ દારુની બોટલ મળી જાય તો તે લઇ લે અથવા તેની સામે ગુનો નોધાશે નવા કાયદા પ્રમાણે જામીન પણ નહી મળે તેમ કહીને પૈસા પડાવતા હોય છે પરંતુ તેમના સામે હજુ પણ કોઇ પગલા લેવાતા નથી.

Your email address will not be published.