રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હસ્તે લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઇ લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં રાજકોટના તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યો સહિત મનપાના પદાધિકારીઓના નામ લખવામાં આવ્યા હતા, પરંતુ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજકોટના ધારાસભ્ય વિજય રૂપાણીનું નામ પત્રિકામાં નહિ લખવામાં આવતા વિવાદ સર્જાયો છે.
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય છે. આમંત્રણ પત્રિકામાં રાજકોટના તમામ ધારાસભ્યના નામ લખવામાં આવ્યા છે. ત્યારે માત્ર વિજય રૂપાણીનું નામ નહીં લખવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આ સમગ્ર કાર્યક્રમ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો. જ્યારે રૂપાણીએ મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાજકોટના ઘણા ભાજપના કાર્યક્રમમાં રૂપાણીનું નામ નહીં લખવામાં આવતા વિવાદ સામે આવી ચુક્યો છે. ત્યારે આજ ઘટના ફરી એક વખત જોવા મળી રહી છે.

અગાઉ પણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ શહેર ભાજપ કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ તેમની વાત નહિ માનતા હોવાનો આક્ષેપ કર્યો છે અને રાજકોટ ભાજપમાં જૂથવાદ હોવાનું પણ જણાવ્યું હતું. આ અંગે શહેર ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ અગાઉ આમંત્રણ પત્રિકામાં નામના વિવાદના કારણે રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને ખખડાવ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર રાજકોટમાં વિવાદોનું રાજકારણ શરૂ થઇ ગયું છે.