યુપીનાં રાજકીય ઇતિહાસ પર એક નજર

| Updated: January 10, 2022 12:20 pm

લોકસભાની 543માંથી 80 બેઠકો, વિધાનસભાની 403 અને રાજ્યસભાની 245 માંથી 31 બેઠકો,  100 સભ્યોની વિધાન પરિષદ ઉપરાંત 15 કરોડથી વધુ મતદારો સાથે ઉત્તર પ્રદેશ અન્ય કોઈપણ રાજ્ય કરતાં રાજકીય રીતે સૌથી મહત્વનું છે.19 માર્ચ, 2017 ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા યોગી આદિત્યનાથ અખિલેશ યાદવ અને માયાવતી બાદ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ત્રીજા મુખ્યમંત્રી હશે.

વિધાનસભાની 403 બેઠકોમાંથી 9 હાલમાં ખાલી છે.એટલે 394માંથી ભાજપની 303, સપાની  49, બીએસપીની 15 અને કોંગ્રેસની 7 બેઠક છે. યુપીમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચની વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે તેના રાજકીય ઇતિહાસ પર એક નજર કરીએ.

2017: યોગીનો ઉદય

2017ની ચૂંટણીએ ભાજપની જોરદાર વાપસી નિશ્ચિત કરી હતી. ભાજપે 312 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો. તેની સાથે યુપીનાં રાજકારણમાં યોગી આદિત્યનાથનો ઉદય થયો હતો. ગોરખપુરની ગોરખ પીઠના વડા એવા યોગી આદિત્યનાથ લોકસભાના સાંસદ હતા ત્યારે ભાજપે તેમને મુખ્યમંત્રી પદે બેસાડવાનો નિર્ણય કર્યો હતો. ભાજપે મુખ્યમંત્રી તરીકે કોઇને પણ  પ્રોજેકટ કર્યા વગર ચૂંટણી લડી હતી. તે વખતે વિશ્વ હિન્દુ પરિષદમાંથી આવેલા સાંસદ કેશવ પ્રસાદ મૌર્ય ભાજપના પ્રદેશ પ્રમુખ હતા. યોગી આદિત્યનાથની વરણીથી ભાજપમાં પણ ઘણાને આશ્ચર્ય થયું હતું.

આરએસએસ અને રાજ્ય ભાજપ મહાસચિવ (સંગઠન) સુનીલ બંસલનો સરકારના નિર્ણયો પર પ્રભાવ છે. ત્યારે આદિત્યનાથ એવી હવા ઉભી કરી છે કે યુપી ભાજપનાં તેમનાં સંભવિત પ્રતિસ્પર્ધીઓ હવે બેકફૂટ પર છે. બીજી બાજુ યોગીનાં સમર્થકો આગામી વર્ષોમાં કેન્દ્રમાં તેમની મોટી ભૂમિકા પણ જોવે છે.

2012: અખિલેશનો અભિષેક

મુલાયમ સિંહ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટી (સપા) મસલમેનોની પાર્ટી તરીકે જાણીતી થઇ હતી.તેમનાં એન્જિનિયર પુત્ર અખિલેશે કેટલાક ગુનેગારોને સપામાં લેવા દીધા ન હતા. આ ઉપરાંત  બેરોજગાર યુવાનો માટે મફત લેપટોપ અને સહાયનું વચન આપ્યું હતું. આ બધા મુદ્દા સપાની તરફેણમાં રહ્યા હતા.ભાજપે ઉમા ભારતીને ચરખારી બેઠક પર ચૂંટણી લડવા ઉતાર્યા હતા. ત્યારે એમ મનાતું હતું કે મુલાયમ તેમના પુત્રને મુખ્યમંત્રી બનાવશે. સપાએ 224 બેઠકો જીતી હતી, અને અખિલેશે 38 વર્ષની વયે રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
અખિલેશનું શાસન આંતરિક સમસ્યાઓથી ઘેરાયેલું હતું. અખિલેશ માત્ર યાદવો અને મુસ્લિમોનાં નેતા હોય તેમ માનવામાં આવતું હતું.તેઓ અનામત અને અન્ય મુદ્દાઓ પર બોલતા અચકાતા હતા જે તેમના પક્ષના આધાર જેવા મહત્વનાં મુદ્દા હતા.રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા માત્ર તેમની જાતિના જ સંખ્યાબંધ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે તેવો મુદ્દો ભાજપે ઉઠાવ્યો. અખિલેશે તેમના કાકાઓને સાઇડલાઇન કરીને પક્ષનું પર સંપુર્ણ કબ્જો કર્યો હતો. પરંતુ 2017ની ચૂંટણી હારી ગયા જે તેમને લાગતું હતું કે તેઓ આસાનીથી જીતી જશે.

2007: માયાવતીનું પુનરાગમન

માયાવતીનો મુખ્ય પ્રધાન તરીકેનો ચોથો કાર્યકાળ ઐતિહાસિક હતો કારણ કે તેમણે 1991 પછી પહેલીવાર એકલા હાથે બહુમતી મેળવી હતી. માયાવતીએ તેમના સોશિયલ એન્જિનિયરિંગમાં બ્રાહ્મણોનો સમાવેશ કર્યો, જેનો તેમના માર્ગદર્શક કાંશીરામે વિરોધ કર્યો હતો. દલિત-બ્રાહ્મણ ફોર્મ્યુલાથી તેમને 206 બેઠકો મળી હતી. માયાવતી પાંચ વર્ષનો કાર્યકાળ (2007-12) પૂર્ણ કરનાર યુપીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. માયાવતી અને તેમના સહાયક સતીશ મિશ્રા 2022માં પણ પહેલા જેવી જ જાતિ આધારિત ફોર્મ્યુલા અજમાવી રહ્યા છે.

2002: મુલાયમની વાપસી

માર્ચથી મે, 2002 સુધીના રાષ્ટ્રપતિ શાસન બાદ ભાજપનાં સમર્થનથી બીએસપીનાં માયાવતી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ ગઠબંધન વિરુદ્ધ મોરચો ખોલ્યો અને માયાવતીએ ઓગસ્ટ 2003માં રાજીનામું આપ્યું. મુલાયમે બીએસપીના અસંતુષ્ટોના સમર્થનથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને 2007 સુધી સરકાર ચલાવી.2004માં એનડીએએ  કેન્દ્રમાં સત્તા ગુમાવી, ત્યારે લોકસભામાં સપાને 39 બેઠકો મળી. મુલાયમ તેમના પરિવાર સામેની ફરિયાદ પર સીબીઆઈની પ્રાથમિક તપાસને કારણે કેન્દ્રમાં આવતી સરકારોના સતત દબાણ હેઠળ હોવાની વાત જાણીતી હતી.

1999-02: કલ્યાણ અને રાજનાથ

મુખ્યમંત્રી કલ્યાણ સિંહની આગેવાનીમાં 1998માં ભાજપે યુપીની લોકસભાની 85 બેઠકોમાંથી 58 બેઠકો જીતી હતી. પરંતુ 1999માં, તે ઘટીને 29 થઈ ગઈ. કલ્યાણ સિંહે રાજનાથ સિંહ માટે રસ્તો સાફ કરવા રાજીનામું આપવાનો ઇનકાર કર્યો. ભાજપે રામ પ્રકાશ ગુપ્તાને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યા.તેમની સરકારે યુપીમાં જાટને ઓબીસીનો દરજ્જો આપ્યો. કલ્યાણ સિંહ-કાલરાજ મિશ્રાએ ભાજપ પરની પકડ ગુમાવી અને કલ્યાણસિંહે ભાજપ છોડી દીધું, જ્યારે ગુપ્તા પણ પક્ષમાંથી બહાર થઈ ગયા. રાજનાથસિંહ ઓક્ટોબર 2000માં મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળનાં તેમના 18 મહિનામાં, તેમણે સ્વ હુકુમ સિંહની આગેવાની હેઠળ સામાજિક ન્યાય સમિતિની નિમણૂક કરી, સમિતિ માનતી હતી કે રાજ્યમાં યાદવો કરતાં જાટ વધુ પછાત છે. જોકે આ પ્રયાસોને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા. 2002માં ભાજપ માત્ર 88 બેઠકો સાથે ત્રીજા સ્થાને રહી, અને રાજનાથ સિંહ દિલ્હી પરત ફર્યા.

1996-03: ટૂંકા ગાળાના સીએમ

1996ની ચૂંટણીમાં, ભાજપે 174 બેઠકો જીતી હતી.જે બહુમતીથી ઓછી હતી અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. એપ્રિલ 1997માં, ભાજપ અને બીએસપી (67 બેઠક)એ દર છ મહિને મુખ્યમંત્રી બદલવાની ફોર્મ્યુલા પર ગઠબંધન કર્યું. પ્રથમ છ મહિના માયાવતી મુખ્યમંત્રી બન્યા અને તે પછી તેમણે કલ્યાણ સિંહ માટે માર્ગ મોકળો કર્યો,પરંતુ ટૂંક સમયમાં ટેકો પાછો ખેંચી લીધો. ભાજપે બીએસપી અને કોંગ્રેસને તોડીને તેનો જવાબ આપ્યો. ચૌધરી નરેન્દ્ર સિંહના જનતાંત્રિક બીએસપી અને નરેશ અગ્રવાલનાં લોકતાંત્રિક નામના નવા જૂથોએ ભાજપને ટેકો આપ્યો અને સરકારમાં જોડાયા. 21 ફેબ્રુઆરી, 1998ના રોજ, રાજ્યપાલ રોમેશ ભંડારીએ રાજ્ય સરકારને બરખાસ્ત કરી, અને કોંગ્રેસના જગદંબિકા પાલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કલ્યાણ સિંહે આ નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેના આદેશનાં પગલે તેમણે 23 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

1993: માયાવતીનો પ્રથમ કાર્યકાળ

મુલાયમસિંહ યાદવે તેમની અગાઉની સરકાર (1989-91) ભાજપની મદદથી બનાવી હતી અને પછી જ્યારે ભાજપે સમર્થન પાછું ખેંચ્યું ત્યારે કોંગ્રેસનો ટેકો લીધો હતો, 1993માં બીએસપી સાથે પણ ભાગીદારી કરી હતી. સપા અને બીએસપીએ અનુક્રમે 109 અને 67 બેઠકો જીતી હતી. . પરંતુ બીએસપી મે 1995માં સરકારમાંથી બહાર નીકળી ગઇ હતી. તેના માટે જવાબદાર ગેસ્ટહાઉસની ઘટના હતી.જેમાં માયાવતી સહિત બીએસપીના ઘણા ધારાસભ્યો પર એસપીના મસલમેન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. તે પછી માયાવતી સરકાર બનાવવા દાવો કરે તો ભાજપે ટેકો આપવાની ખાતરી આપી અને તેમણે યુપીના પ્રથમ દલિત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

1991: રામ મંદિર

ભાજપે ‘મંડલ’ ફોર્સનો સામનો કરવા 1991માં ઓબીસી સમાજનાં કલ્યાણ સિંહને મુખ્યમંત્રીનાં ચહેરા તરીકે રજૂ કર્યા. ભાજપે 425 સભ્યોના ગૃહમાં 221 બેઠકો જીતી હતી. પરંતુ 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવ્યા બાદ યુપીની સરકારને ભાજપની અન્ય ત્રણ સરકારની સાથે બરખાસ્ત કરાઇ હતી. કલ્યાણસિંહ 1997માં ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથેનાં મતભેદોને કારણે રાજીનામું આપવું પડ્યું હતું.

1989: મુલાયમનો દબદબો

1989ની ચૂંટણીઓએ મુલાયમને એક મજબૂત નેતા તરીકે સ્થાપિત કર્યા, જનતા દળે તેમને અજીત સિંહની જગ્યાએ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા. તેમણે ભાજપના બહારથી સમર્થન સાથે સરકાર બનાવી. ઓક્ટોબર 1990 માં બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે એલ કે અડવાણીની રામ રથયાત્રા અટકાવીને તેમની ધરપકડ કર્યા પછી ભાજપે વીપી સિંહની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને મુલાયમની યુપી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો.મુલાયમે જોકે કોંગ્રેસની મદદથી પોતાની સરકાર બચાવી હતી. કોંગ્રેસે સમર્થન પાછું ખેંચી લીધા પછી કેન્દ્રમાં ચંદ્ર શેખર સરકાર આવતા તેમની સરકાર પડી ગઈ હતી, પરંતુ ત્યારથી મુલાયમ યુપીના સૌથી શક્તિશાળી બિન-કોંગ્રેસી, બિન-ભાજપ નેતા તરીકે ઉભરી આવ્યા હતા.

1980-89: વી પી સિંહ અને તિવારી

1980માં કોંગ્રેસ સત્તામાં આવી અને વીપી સિંહ મુખ્યમંત્રી બન્યા. તેમના શાસનમાં 1981ના બેહમાઈ હત્યાકાંડ સહિત નકલી પોલીસ એન્કાઉન્ટરો અને કાયદો અને વ્યવસ્થા ખાડે ગઇ હોવાના આક્ષેપો થયા હતા. 1982માં ડાકુઓએ તેમના ભાઈ અને અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ ચંદ્રશેખર પ્રતાપ સિંહની હત્યા કર્યા પછી વી.પી.સિંહે રાજીનામું આપ્યું, અને શ્રીપતિ મિશ્રાને મુખ્યમંત્રી બનાવાયા. ઓગસ્ટ 1984માં તેમની જગ્યાએ એનડી તિવારી મુખ્યમંત્રી બન્યા. તિવારીએ કોંગ્રેસને ચૂંટણી જીતાડી પરંતુ રાજીવ ગાંધીએ 1985માં તેમની જગ્યાએ વીર બહાદુર સિંહને મુખ્યમંત્રી પદે બેસાડ્યા. જોકે 1988માં તેમને હટાવીને ફરી એનડી તિવારીની તાજપોશી કરાઇ.

1977-80: જનતા પાર્ટીનો કાર્યકાળ

કોંગ્રેસ સામે લડવા માટે અનેક પક્ષોના વિલીનીકરણથી જનતા પાર્ટીએ 1977ની લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો.મોરારજી દેસાઈની સરકારે યુપીમાં એનડી તિવારી સહિત કોંગ્રેસની રાજ્ય સરકારોને બરતરફ કરી. જૂન 1977માં જનતા પાર્ટીએ 425માંથી 352 બેઠકો જીતી હતી, પરંતુ મુખ્ય પ્રધાનપદ માટેની લડાઈ શરુ થઇ ગઇ. સર્વસંમતિ ન સધાતા , ધારાસભ્યોએ સીએમ બનેલા રામ નરેશ યાદવને મત આપ્યો અને તેઓ મુખ્યમંત્રી બન્યા. નારાયણપુર (દેવરિયા) માં પોલીસ અત્યાચારની ઘટનાને પગલે, ફેબ્રુઆરી 1979માં તેમણે રાજીનામું આપ્યું અને બનારસી દાસ મુખ્યમંત્રી બન્યા. ઈન્દિરા ગાંધીએ ફરી વડાપ્રધાન બન્યા બાદ ફેબ્રુઆરી 1980 માં યુપીમાં સરકારને બરખાસ્ત કરી.

1967-77: બિન-કોંગ્રેસી મોરચો

1967ની ચૂંટણીમાં, કોંગ્રેસે બહુમતીથી ઓછી 199 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનસંઘ (બીજેએસ) એ 98 બેઠકો જીતી હતી. જાટ નેતા ચૌધરી ચરણ સિંહે ભારતીય ક્રાંતિ દળ (બીકેડી) ની રચના કરવા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. સમાજવાદી નેતા રામ મનોહર લોહિયા, રાજ નારાયણ અને બીજેએસના નાનાજી દેશમુખની મદદથી એપ્રિલ 1967માં ચરણ સિંહે સીપીઆઈ(એમ)થી લઈને વિવિધ પક્ષોના ગઠબંધનનાં સંયુક્ત વિધાયક દળ (એસવીડી)ના વડા તરીકે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા. જોકે સરકારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કારણ કે કેટલાક પક્ષો ગઠબંધનમાંથી ખસી ગયા હતા. છેવટે ફેબ્રુઆરી 1968માં તેમણે રાજીનામું આપવું પડ્યું. રાષ્ટ્રપતિ શાસનના એક વર્ષ પછી 1969માં કોંગ્રેસ સત્તામાં પાછી આવી, અને ચંદ્ર ભાનુ ગુપ્તા મુખ્યમંત્રી તરીકે પાછા ફર્યા. એક વર્ષમાં જ જોકે કોંગ્રેસનું વિભાજન થયું અને ગુપ્તાને રાજીનામું આપવું પડ્યું. ચરણ સિંહ ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ (આર)ની મદદથી ફેબ્રુઆરી 1970માં ફરી મુખ્યમંત્રી બન્યા.

જોકે થોડા જ મહિનામાં મુખ્યમંત્રીનો તાજ કાંટાળો સાબિત થયો. ચરણ સિંહે કૉંગ્રેસ (આર) ના 14 મંત્રીઓનું રાજીનામું માંગ્યું હતું. મંત્રીઓએ કમલાપતિ ત્રિપાઠીની આગેવાનીમાં રાજુનામું આપવા ઇનકાર કર્યો હતો. જ્યારે ચરણ સિંહે તેમની બરતરફીની ભલામણ કરી, ત્યારે રાજ્યપાલ બી ગોપાલા રેડ્ડીએ ચરણસિહને જ રાજીનામું આપવા કહ્યું. રાષ્ટ્રપતિ શાસન પછી, ચૂંટણીઓ યોજાઈ અને ત્રિભુવન નારાયણ સિંહને કોંગ્રેસ (ઓ) નેતાઓ દ્વારા બનાવાયેલી એસવીડી સરકારના વડા તરીકે શપથ લીધા હતા. પરંતુ થોડા મહિનાઓ પછી વિધાનસભા પેટાચૂંટણી હારી જતાં રાજીનામું આપવું પડ્યું. તે પછી કમલાપતિ ત્રિપાઠીએ કાર્યભાર સંભાળ્યો અને જૂન 1973 સુધી મુખ્યમંત્રી રહ્યા, જ્યારે પ્રાંતીય સશસ્ત્ર કોન્સ્ટેબલરીએ બળવો કરીને તેમને સત્તા છોડવા ફરજ પાડી. ટુંકા ગાળાનાં રાષ્ટ્રપતિ શાસન પછી, હેમવતી નંદન બહુગુણા નવેમ્બર 1973માં મુખ્યમંત્રી  બન્યા. કટોકટી દરમિયાન સંજય ગાંધી સાથેના મતભેદોને પગલે નવેમ્બર 1975માં રાજીનામું આપ્યું, અને તેમની જગ્યાએ એન ડી તિવારી આવ્યા.

1951-67: કોંગ્રેસનું વર્ચસ્વ

1951માં પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં, 83 ડબલ-મેમ્બર બેઠકો સહિત 346 બેઠકો હતી. કોંગ્રેસે 388 બેઠકો જીતી અને પંડિત ગોવિંદ વલ્લભ પંત જે પહેલાથી જ મુખ્યમંત્રી હતા તેઓ ચાલુ રહ્યા. ડિસેમ્બર 1954માં, વારાણસીનાં સંસ્કૃતનાં વિદ્વાન ડૉક્ટર સંપૂર્ણાનંદ તેમના અનુગામી બન્યા, જેઓ 1957માં કોંગ્રેસની જીત પછી મુખ્યમંત્રી પદે યથાવત રહ્યા. 1960માં કમલાપતિ ત્રિપાઠી સાથેના મતભેદનાં પગલે, સંપૂર્ણાનંદને ચંદ્ર ભાનુ ગુપ્તા માટે ખરશી ખાલી કરવી પડી.ચંદ્ર ભાનુ ગુપ્તાની જગ્યાએ 1963માં સુચેતા કૃપાલાની યુપીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા.

Your email address will not be published.