મંત્રીઓની પસંદગીમાં જ્ઞાતિ અને ચૂંટણીનું રાજકારણ કામ કરી ગયું

| Updated: July 8, 2021 2:18 am

ગુજરાત માટે આટલું સારું અગાઉ ક્યારેય નથી થયું. જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી કે રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે પણ ગુજરાતને આટલું કદી નથી મળ્યું. મનમોહન સિંહની આગેવાનીમાં યુપીએ સરકાર, ચરણ સિંહની જનતા પાર્ટી (સેક્યુલર), મોરારજી દેસાઈની જનતા પાર્ટી, વીપી સિંહના જનતાદળ, દેવ ગૌડા અને આઇ કે ગુજરાલના જનતાદળ (યુનાઇટેડ ફ્રન્ટ), ચંદ્રશેખરના સમાજવાદી જનતાપાર્ટી કે અટલ બિહારી વાજપેયીની એનડીએ વખતે પણ ગુજરાત આટલા ફાયદામાં ન હતું.
ભારતની સ્વતંત્રતા અને પ્રથમ સંસદની રચનાથી લઈને અત્યાર સુધી ગુજરાતને આટલું કદી મળ્યું ન હતું જેટલું નરેન્દ્ર મોદીએ આજે આપ્યું છે.
અમે અહીં આ કારણોનું વિશ્લેષણ કરીએ છીએઃ
ગુજરાતમાં આગામી વર્ષે મહત્ત્વની ચૂંટણી છે ત્યારે બે કારણોથી ગુજરાતને આ ગિફ્ટ મળી છે.
તેનું કારણ છે

  1. દિલ્લીમાં ‘ગુજરાતીપણા’ની ધારણા અને ‘આપણા’ વડાપ્રધાન નરેન્દ્રભાઈ.
  2. ગુજરાતમાં જ્ઞાતિનું સમીકરણ
  3. ડિસેમ્બર 2022ની ચૂંટણી માટે પરફેક્ટ ગણિત.

આપણા નરેન્દ્રભાઈ
મોદી 2014માં ગુજરાત છોડી દિલ્હી ગયા તેને લગભગ સાત વર્ષ થયા છતાં તેઓ ગુજરાત પ્રત્યે તેમના પ્રેમની છબિ જાળવવામાં સફળ રહ્યા છે. કોંગ્રેસના વડાપ્રધાન મનમોહન સિંહ આસામ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોમાંથી ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા જ્યારે નરેન્દ્ર મોદીનું ગુજરાત કનેક્શન જળવાઈ રહ્યું છે, ભલે પછી તેમણે વારાણસીથી પ્રતિનિધિત્વ કર્યું હોય.
ભારત અને વિદેશ માટે પીએમ મોદી ગમે તે હોય પરંતુ ગુજરાત માટે તેઓ આપણા નરેન્દ્ર ભાઈ છે. કેબિનેટમાં થયેલા ફેરફારમાં પણ તેમનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહ્યો છે.
અહીં એ યાદ રાખવું જોઈએ કે કોવિડ-19ના ગાળામાં મોદીની ઇમેજને ફટકો પડ્યો છે. પરંતુ ગુજરાતમાં તેમને દોષ આપવામાં આવતો નથી. હકીકતમાં તેમણે કેન્દ્રિય આરોગ્ય મંત્રી તરીકે ડો. હર્ષવર્ધનને પડતા મુક્યા તેના કારણે લોકોને તેમનામાં ફરીથી ભરોસો બેઠો છે કે મોદીએ કર્યું હોય તો બરાબર જ હશે.

તમારી જ્ઞાતિ કઈ? તમે કેવા?
ભાજપના મોટા ભાગના ટેકેદારો તેને પાર્ટી વિથ ડિફરન્સ ગણાવે છે જ્યાં જ્ઞાતિનું કોઈ મહત્ત્વ નથી. પરંતુ આ એક મોટામાં મોટી ગેરમાન્યતા છે જેને ભાજપે લોકોના મનમાં સફળતાથી ઘુસાવી દીધી છે. હકીકતમાં જ્ઞાતિના રાજકારણમાં આરએસએસ અને ભાજપ જેટલી કુશળતા બીજા કોઈ પાસે નથી. રાજકીય ફાયદા માટે જ્ઞાતિના રાજકારણનું ગણિત સૌથી સારી રીતે નરેન્દ્ર મોદીને આવડે છે. તેમણે 1995માં ગુજરાતમાં અગાઉની સરકારને દૂર કરવા માટે જ્ઞાતિના રાજકારણનો સફળ ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ આ કળામાં પાવરધા બની ગયા અને તેના આધારે પક્ષને વિજય અપાવતા રહ્યા.
2001થી 2014 દરમિયાન નરેન્દ્ર મોદીએ જ્ઞાતિનો ઉપયોગ કરીને ભાજપને ગુજરાતનો સૌથી શક્તિશાળી પક્ષ બનાવ્યો. તેઓ દિલ્હી ગયા ત્યાર પછી જ હાર્દિક પટેલે પટેલો માટે અનામત માંગીને આંદોલન કર્યું અને અલ્પેશ ઠાકોરે ઓબીસી અનામત જાળવી રાખવા આંદોલન કર્યું. જિગ્નેશ મેવાણીએ પણ ત્યાર પછી જ દલિતો માટે વિવિધ ચળવળ ચલાવી.
ડિસેમ્બર 2022ની ચૂંટણી આસાનીથી જીતી જવાય તે માટે તેમણે ગુજરાતમાંથી મંત્રીઓની પસંદગી કુશળતાથી કરી છે જેમાં જ્ઞાતિને પ્રાથમિકતા આપી છે.ઘણા પાટીદારો ભાજપથી નારાજ છે તેથી તેમણે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રુપાલાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોટ કર્યા છે. તેઓ અનુક્રમે લેવા અને કડવા પાટીદાર છે. તેમણે બંનેને સરખું પ્રતિનિધિત્વ આપવા પ્રયાસ કર્યો છે જેથી પાટીદારો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તરફ ન જાય. આમ આદમીના વડા ગોપાલ ઇટાલિયા પણ પટેલ છે.
અન્ય મંત્રીઓમાં મહેન્દ્ર મુંજપરા સૌરાષ્ટ્ર બેલ્ટમાં કોળી સમુદાયના પ્રતિનિધિ ગણાય છે. ગુજરાતમાં કોળીઓની વસતી 27 ટકા જેટલી છે. મુંજપરાને સામેલ કરવાથી કોળી સમુદાયને ભાજપની તરફ ખેંચી શકાશે.
કુંવરજી બાવળિયા પણ કોળી નેતા છે પરંતુ તેઓ મૂળ કોંગ્રેસના છે. પુરુષોત્તમ સોલંકી વીતેલા વર્ષોના શક્તિશાળી નેતા છે, પરંતુ હવે તેઓ બીમાર છે. સોમા કોળી બિલકુલ વિશ્વાસપાત્ર વ્યક્તિ નથી અને સમુદાયનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે. આવામાં સ્વચ્છ ઇમેજ ધરાવતા અને ડોક્ટરેટની ડિગ્રીથી સજ્જ કોળી નેતા આ સમુદાય માટે બહુ સારા રોલ મોડેલ બની શકે જે મોટા ભાગે પછાત અને નિરક્ષર છે પરંતુ 56 વિધાનસભા બેઠકો પર ભારે પ્રભાવ ધરાવે છે.

બદલો આ રીતે લેવાય
દેવુસિંહ ચૌહાણ પણ ઓબીસી સમુદાયના નેતા છે. તેમના મૂળ કોંગ્રેસમાં રહેલા છે. કોંગ્રેસ અત્યારે વેન્ટીલેટર પર છે પરંતુ સેન્ટ્રલ ગુજરાતમાં તે સારો પ્રભાવ ધરાવે છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને તેમના સુપર પાવરફૂલ કઝિન ભારત માધવસિંહ સોલંકી પોતાની શક્તિ અને દિમાગથી મધ્ય ગુજરાત પર પ્રભાવ ધરાવે છે. ચૌહાણની નિમણૂક કરવાના નિર્ણયથી ચાવડા સોલંકી બંધુને ભારે ફટકો પડશે. ચાવડા અને સોલંકી બંને ઓબીસીમાં આવે છે. તેમના વિસ્તારના ઓબીસી નેતાને મંત્રી બનાવવાથી કોંગ્રેસને ભારે નુકસાન પહોંચાડી શકાશે. દર્ફ ઢળી શકે છે.
મહેનત અને ધીરજનો લાભ થાય છે
દર્શના જરદોસની વાત કરીએ. પોતાના કામ માટે પ્રતિબદ્ધ આ મહિલા નેતા ઘણા સમયથી પોતાનો સમય આવે તેની રાહ જોતા હતા. તેઓ સ્વચ્છ ઇમેજ ધરાવે છે અને સારું શિક્ષણ મેળવનાર ઓબીસી નેતા ઘણા સમયથી બીજેપીના સ્ટાર હોવા જોઈતા હતા. સી. આર. પાટીલની જેમ દર્શના જરદોસ ભાજપના ઉદભવથી જ પક્ષની સાથે છે. દરજી સમુદાયના નેતા દર્શના જરદોસ આ તકને લાયક હતા. ઓબીસી મહિલાને સશક્ત બનાવીને મોદીએ એવો મેસેજ આપ્યો છે કે તેઓ પછાત વર્ગની મહિલાઓની પડખે છે.
ગુજરાતના અન્ય ત્રણ પ્રતિનિધિઓમાં નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ છે. જયશંકરને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા હતા. મહામારીના સમયમાં ગુજરાતના સાંસદને આરોગ્ય મંત્રાલય મળ્યું તેના આધારે કહી શકાય કે આપણા નરેન્દ્ર ભાઈ ગુજરાત પ્રત્યે ઉદાર છે.

Your email address will not be published.