કેરળમાં પ્રિ-મોનસૂન શાવરે વહેલા વરસાદના સંકેત આપ્યાઃ આસામમાં ભૂસ્ખલનથી ત્રણના મોત

| Updated: May 16, 2022 4:37 pm

તિરુવનંતપુરમ : આ વખતે વહેલા વરસાદના સંકેત આપતા હોય તેમ કેરળમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે કેરળના અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદની એલર્ટ જારી કરી છે. બે જિલ્લામાં રેડ એલર્ટ અને છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા છે.

વરસાદને કારણે કોચ્ચિમાં અનેક સ્થળોએ પાણી ભરાઇ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. સરકારે લોકોને પર્વતીય વિસ્તારોમાં ન જવાની ચેતવણી આપી છે.

ઇડુક્કી અને અર્નાકુલમમાં આગામી 24 કલાકમાં 20 સેમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બંને જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ એવા વિસ્તારોમાં જારી કરવામાં આવે છે જ્યાં 24 કલાકમાં 6 સેમીથી 20 સેમી સુધી વરસાદ પડવાની શક્યતા હોય છે.હવામાન વિભાગના જણાવ્યા ચાલુ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 1 જૂનથી પહેલા 27 મેના શરૂ થઇ જશે. આગામી કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વાતાવરણ બદલાશે. 16 અને 17 મેના રોજ ભારે તોફાન અને વરસાદની શક્યતા છે. અનેક જગ્યાએ કરા પણ પડી શકે છે.

બીજી આસામના છ જિલ્લાઓમાં પૂરને કારણે 25,000 લોકોને અસર થઇ છે. આસામમાં ઠેર ઠેર ભૂસ્ખલનને પગલે ત્રણ લોકોનાં મોત થયા છે. દીમા હસાઓ જિલ્લામાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. આ જિલ્લાના 12 ગામ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત થયા હતાં. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા છે અને 80થી વધારે મકાનો નાશ પામ્યા છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ અનુસાર 14મે સુધી 6  જિલ્લા કછાર, ધેમાજી, હોજઇ, કાર્બી આંગલોંગ પશ્ચિમ, નાગાંવ અને કામરુપ (મેટ્રો)ના 94 ગામોમાં કુલ 25,000 લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.

આસામમાં 1732.72 હેક્ટર જમીન પર તૈયાર થયેલો પાક નાશ પામ્યો છે. સેના, અર્ધસૈનિક દળો, એસડીઆરએફ, ફાયરબિગ્રેડ અને ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ 2,150 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવ્યા હતાં.

Your email address will not be published.