ગ્રેડ પે આંદોલન દરમિયાન પોલીસકર્મીઓ પર સરકારે કરેલ કાર્યવાહી મુદ્દે ગૃહ વિભાગને રજૂઆત

| Updated: April 29, 2022 2:41 pm

ગુજરાત પોલીસના ગ્રેડ પે મુદ્દે ચાલુ થયેલા આંદોલન અને ત્યારબાદ કોન્સ્ટેબલ નીલમ મકવાણા દ્વારા કરવામાં આવેલ ઉપવાસ બાદ સરકાર દ્વારા ટૂંક સમયમાં નિર્ણય લેવાની વાત માર્ચ મહિનામાં કરી હતી. હવે જ્યારે 1 લી મે ના રોજ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર ગ્રેડ પે મુદ્દે પોલીસ પરિવારના હિતમાં નિર્ણય કરે અને સરકાર પોલીસ કર્મીઓની જિલ્લા બદલી કરી હતી તેમણે પરત જિલ્લામાં મૂકે એવી લેખિત રજૂઆત આંદોલનકારી રાહુલ રાવળ દ્વારા સરકારના ગૃહ વિભાગને કરવામાં આવી છે.

ગ્રેડ પેનું આંદોલન સૌથી પહેલા ઓકટોબર 2021માં પોલીસ પરિવારો દ્વારા ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલન દરમિયાન સરકાર દ્વારા એ ડી જી બ્રજેશકુમાર ઝા ના નેજા હેઠળ સમિતિની રચના કરી હતી જેમાં સમિતિ સરકારને બે મહિનામાં કોન્સ્ટેબલ્યુરી સંવર્ગના કર્મચારીઓના ગ્રેડ પે તથા અન્ય લાભો માટેનો અહેવાલ સરકારને આપવાનો ઠરાવ સરકારના ગૃહ વિભાગે કર્યો હતો.

સરકારના 28 મી ઓકટોબરના આ ઠરાવ પછી આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું અને પોલીસ પરિવારોને આશા હતી કે સરકાર આ મુદ્દે 2 મહિના પછી નિર્ણય લેશે. પરંતુ 2 મહિના બાદ પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં ના આવતા નીલમ મકવાણા નામના વુ. પોલીસ કોન્સ્ટેબલે આંદોલન કર્યું હતું અને 23 મી માર્ચ 2022ના રોજ તેમણે અખબાર ભવન ગાંધીનગર આગળ તેઓ ધરણાં પર બેઠા હતા અને અન્નનો ત્યાગ કર્યો હતો અને ગ્રેડ પે નો મુદ્દો ફરી પ્રકાશમાં આવ્યો હતો.

નીલમ મકવાણાની ત્યાંથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સેન્ટ્રલ જેલ અમદાવાદ મોકલવામાં આવ્યા હતા જ્યાં તેઓએ ભૂખ હડતાલ ચાલુ રાખી હતી અને પછી 5 દિવસ બાદ તેમની તબિયત ખરાબ થતાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ નીલમ મકવાણાએ ઉપવાસ ચાલુ રાખ્યા હતા અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પારણા કરાવવામાં આવ્યા હતા અને ટુંક જ સમયમાં નિરાકરણ લાવવાની વાત કરી હતી.

આ મુદ્દે પોલીસ ગ્રેડ પે આંદોલનકારી રાહુલ રાવળ દ્વારા 27 મી એપ્રિલના રોજ રૂબરૂ ગૃહ રાજ્યમંત્રીની ઓફિસે જઈને ફરી એક વખત લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં તેમણે ગ્રેડ પેનું જલ્દી નિરાકરણ લાવી અને આંદોલન મુદ્દે જે કોઈ પોલીસ કર્મીઓની બદલી કરી નાખવામાં આવી હતી તેઓને મૂળ જિલ્લામાં પરત લાવવામાં આવે.

વાઇબ્સ ઓફ ઈન્ડિયાને રાહુલ રાવળે જણાવ્યું કે ગુજરાત સ્થાપના દિવસે- 1 લી મે ના રોજ રાજ્ય સરકાર દ્વારા ગ્રેડ પે મુદ્દે યોગ્ય નિર્ણયની જાહેરાત કરવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ. ગૃહમંત્રીએ જેમ કહ્યું હતું કે કોઈ પણ પોલીસકર્મી ઉપર એક્શન લેવામાં નહિ આવે. જેમની પર કાર્યવાહી કરવામાં આવી છે તેમને ન્યાય આપવામાં આવે. સરકાર પોલીસ પરિવારને રાજ્યના સ્થાપના દિન નિમિતે ગ્રેડ પે માં સુધારાની જાહેરાત કરે.

Your email address will not be published.