આયુષ વિઝા કેટેગરી શરૂ કરવાની વડાપ્રધાન મોદીની જાહેરાત

| Updated: April 20, 2022 3:39 pm

ગાંધીનગરઃ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022ના ઉદઘાટનમાં આયુષ વિઝા કેટેગરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત આમ પણ હેલ્થ ટુરિઝમ માટે જાણીતું છે. હવે હેલ્થ ટુરિઝમના વિઝામાં આયુષ કેટેગરીના સ્વરૂપમાં નવી વિઝા કેટેગરી શરૂ કરવામાં આવશે. આયુષ વિઝા કેટેગરી શરૂ કરવાથી લોકોને દેશમાં આયુર્વેદિક કે પંચકર્મ જેવી સારવાર કરાવવા માટે આવવામાં સરળતા રહેશે.

મોરેશિયસના વડાપ્રધાન અને WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટ્રેડોસ એડનોમની હાજરીમાં જણાવ્યું હતું કે આયુષ સેક્ટરમાં વૃદ્ધિથી આયુષની માંગ સતત વધશે. 2014 પહેલા આયુષ સેક્ટર ત્રણ અબજ ડોલરથી પણ ઓછી રકમનું હતું. આજે આયુષ સેક્ટરનું મૂલ્ય 18 અબજ ડોલરને પાર કરી ગયું છે. આમ આઠ વર્ષના સમયગાળામાં તેમા છ ગણો વધારો નોંધાયો છે. આમ આપણે તેમા જબરજસ્ત ભવિષ્ય અને તેજી જોઈ રહ્યા છીએ.

તેમણે કહ્યું હતું કે આયુષમાં રોકાણ અને ઇનોવેશનની અસીમિત સંભાવનાઓ છે. આ જ યોગ્ય સમય છે જ્યારે આયુષમાં રોકાણ વધારવામાં આવે. ભારતમાં કોરોનાની રસી આટલી ઝડપથી બનીને તૈયાર થઈ જશે, પણ તે બની ગઈ છે. મોડર્ન ફાર્મા અને વેક્સિન કંપનીઓને રોકાણ મળતા તેમણે અદભુત કમાલ કરી છે.

મોદીએ જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળા દરમિયાન હળદરની નિકાસ વધી હતી. હવે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ હળદર મદદ કરી રહ્યું છે. આયુષ સેક્ટર માટેની આ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ સમિટ યોજવાનો વિચાર મને તે સમયે આવ્યો હતો. આપણે જોયું છે કે દરેક સેક્ટરમાં રોકાણ માટે સમિટ થાય છે. આમ આયુષ સેક્ટરમાં રોકાણ માટે પ્રથમ વખત સમિટ થઈ રહી છે.

તેમણે ઉમેર્યુ હતું કે હાલમાં ભારતમાં સ્ટાર્ટઅપ માટે સુવર્ણ યુગ છે. 2022ના ચાર મહિનામાં ભારતના 14 સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. આયુષ મંત્રાલયે ભારતમાં પરંપરાગત દવા માટે ઘણા પગલાં ભર્યા છે. ભારતમાં હર્બલનો ખજાનો છે. હિમાલય તેના માટે જાણીતો છે, ભારતમાં હર્બલ દવાઓ માટે હિમાલય મોટો સ્ત્રોત છે. હિમાલયની પ્રોડક્ટ ગ્રીન ગોલ્ડ છે, હવે મેડિકલ પ્લાન્ટના ઉછેર માટે ખેડૂતોને પણ આયુષ સાથે જોડી શકાય. આયુષના પોર્ટલ થકી આ કામ કરવામાં આવી રહ્યું છે. આયુષ પ્રોડક્ટ બનાવતી કંપનીઓને ખેડૂત સાથે જોડવા પર કામ થઈ રહ્યું છે. આનાથી ખેડૂતોની આવક અને રોજગાર પણ વધી શકે છે.

તેમણે આ ઉપરાંત મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ભારત તેના આયુષ ઉત્પાદનો પર આયુષ માર્કો લગાવશે, જેથી તેનું ડુપ્લિકેશન થવાની સંભાવના ન રહે. સમગ્ર દેશમાં આયુષ પાર્ક ઊભા કરવામાં આવશે. ભારત ખાસ આયુષ માર્ક બનાવવા જઈ રહ્યુ છે. આયુષમાં પણ રિસર્ચ એન્ડ એનાલિસિસ પાર્ક બનશે. તેમણે કહ્યું હતું કે કેરળમાં ટુરિઝમને વેગ આપવામાં પરંપરાગત દવાઓનું મહત્વનું પ્રદાન છે. મોદીએ જણાવ્યું હતું કે લક્ષ્મણજી મૂર્છા પામ્યા ત્યારે હનુમાનજી સંજીવની બુટ્ટી લઈ આવ્યા હતા, આમ આત્મનિર્ભર ભારત ત્યારે પણ હતું.

Your email address will not be published.