વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસ ડેરીના નવા સંકુલ અને પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યુ

| Updated: April 19, 2022 3:20 pm

પાલનપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલનપુર ખાતે બનાસ ડેરીના નવા સંકુલનું અને બનાસકાંઠા જિલ્લામાં દિયોદર ખાતે બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યુ છે. ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે મોદીએ આ ઉદઘાટન કર્યુ હતું.

વડાપ્રધાને દિયોદર તાલુકામાં સંડર ગામ ખાતે બનેલા ડેરીના નવા પ્લાન્ટનું ઉદઘાટન કર્યુ હતું. 151 એકરથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું આ કેમ્પસ લગભગ 600 કરોડના ખર્ચે સ્થાપવામાં આવ્યું છે, એમ બનાસ ડેરીના ચેરમેન ડો. શંકર ચૌધરીએ જણાવ્યું હતું.

વડાપ્રધાને આ ઉપરાંત બનાસને કમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ આપ્યું હતું. કમ્યુનિટી રેડિયો સ્ટેશન દ્વારા ખેડૂતોને કૃષિ અને પશુપાલન અંગે ચાવીરૂપ તથા વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવામાં આવનાર છે. આ રેડિયો સ્ટેશન 1,700થી વધુ ગામના પાંચ લાખથી પણ વધારે ખેડૂતોને સાંકળશે.

વડાપ્રધાને તેની સાથે-સાથે પાલનપુરમાં ચીઝ અને પાવડર પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યુ હતું. આ ઉપરાંત બનાસ ગોબર ગેસ પ્લાન્ટ તથા ડીસા ખાતે બાયો-સીએનજી સ્ટેશનનું પણ ઉદઘાટન કર્યુ હતું. વડાપ્રધાને આ ઉપરાંત ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધનેરા) ખાતે ચાર નવા ગોબર ગેસ પ્લાન્ટનું ડિજિટલ ઉદઘાટન કર્યુ હતું.

બનાસ ડેરીના નવા ડેરી પ્લાન્ટની દૈનિક પ્રોસેસિંગ ક્ષમતા પ્રતિ દિન 30 લાખ લિટર દૂધની છે અને તે 50 લાખ લિટર થઈ શકશે. આ ઉપરાંત આ પ્લાન્ટ 80 ટન બટરનું ઉત્પાદન કરશે, 20 ટન કન્ડેન્સ્ડ દૂધનું ઉત્પાદન કરશે. તેની સાથે છ ટન ચોકોલેટનું ઉત્પાદન કરશે.

જ્યારે પોટેટો પ્લાન્ટની દૈનિક પ્રોસેસિંગ એટલે કે પ્રસંસ્કરણ ક્ષમતા પ્રતિ દિન 48 લાખ ટન બટાટાની હશે. તેમા વિવિધ પ્રકારની પ્રોસેસ્ડ પોટેટો પ્રોડક્ટ્સ બનાવવામાં આવશે, તેમા ફ્રેન્ચ ફ્રાઇઝ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસનો સમાવેશ થાય છે. તેમાથી કેટલીક પ્રોડક્ટ્સની તો નિકાસ કરવામાં આવશે.

બનાસ ડેરીના આ મોડેલને ભવિષ્યમાં બીજી ડેરીઓ પણ અનુસરે તેમ માનવામાં આવે છે. તેમા ડેરી પ્રોડક્ટ્સની નિકાસ અને સ્થાનિક વપરાશના મોડેલનો સમાવેશ થાય છે. આ પ્રકારનું બિઝનેસ મોડેલ ડેરીઓની સાથે ખેડૂતોને પણ સદ્ધર બનાવશે તેમ કહેવાય છે. આમ શ્વેતક્રાંતિના મોરચે ગુજરાત સમગ્ર દેશને રાહ ચીંધશે.

બનાસ ડેરી એશિયાની સૌથી મોટી છે. તેણે છેલ્લા બે દાયકામાં ચક્રવૃદ્ધિ દરે વિકાસ સાધ્યો છે. હવે ખેડૂતોના હિતને અગ્રેસર રાખીને ડેરી વધુ વિકાસ સાધી હી છે. આ ડેરી સંકુલ ફક્ત 18 મહિનામાં તૈયાર થયું છે. તેમા સાત દેશોની મશીનરી લગાડવામાં આવી છે. આ ડેરી ખેડૂતોની સમૃદ્ધિનો માર્ગ બનશે.

Your email address will not be published.