પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની માતા હીરા બાને મળ્યા; માતાને 100મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી

| Updated: June 18, 2022 8:31 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. પ્રધાનમંત્રી શુક્રવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે સવારે ગાંધીનગરમાં તેમના માતા હીરા બાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાશ્રી હીરા બાનો જન્મદિવસ છે અને આ વર્ષ તેને વધુ ખાસ બનાવે છે કારણ કે હીરા બા આજે 100 વર્ષના થઈ રહ્યાં છે. આશરે સવારે 6:30 વાગ્યે તેમની માતાને તેમના 100મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના રાયસણમાં તેમના નાના ભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા, જ્યાં તેમની માતા રહે છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી જ્યારે તેમની કારમાંથી ઉતાર્યા ત્યારે તેમના હાથમાં એક ભેટ જોવા મળી હતી, જે તેઓ તેમની માતા માટે લાવ્યા હતા.

હીરા બાની 100મા જન્મદિવસ નિમિત્તે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ખાતેના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં હીરા બાના સ્વસ્થ આયુષ્ય અને તંદુરસ્તી માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આશરે અડધો કલાક તેમની માતા હીરા બાને મળ્યા અને ત્યારબાદ સીધા જ હેલિકોપ્ટર મારફતે પાવાગઢ જવા રવાના થયા હતા.

આજે પ્રધાનમંત્રી પાવાગઢમાં મહાકાળી મંદિરની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ મહાકાળી માના આશીર્વાદ લેશે અને મંદિરે ધ્વજા ચઢાવશે. આ બાદ પ્રધાનમંત્રી વડોદરા ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ દરમિયાન રૂ. 21,000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે.

Your email address will not be published.