પાલનપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે શ્વેત ક્રાંતિ પછી હવે સ્વીટ રિવોલ્યુશનનો સમય છે. ભારતનો ખેડૂત અને પશુપાલક ફક્ત ભારત જ નહી પણ સમગ્ર વિશ્વની દૂધની માંગ પૂરી કરવા સમર્થ બન્યો છે.
બનાસ ડેરીની જેમ જ સમગ્ર દેશમાં પણ આ જ રીતે ડેરી બનાવીને ખેતીની સાથે પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને જોડવામાં આવતા વિકાસની નવી ગંગોત્રી વહેશે. તેમણે જણાવ્યું હતું કે કોણ કહે છે કે ખેતી નફાકારક વ્યવસાય નથી. જો યોગ્ય અભિગમ અને યોગ્ય દિશાનિર્દેશ તથા ઇકોસિસ્ટમની જોડે બેકઅપ સાથે કામ કરવામાં આવે તો ખેતી જેવો નફાકારક વ્યવસાય કોઈ નથી.
તેની સાથે તેમણે કૃષિ યુનિવર્સિટીઓને પણ ખેતીની સાથે વ્યવહારુ રીતે જોડાવવા કહ્યુ હતુ. ખેડૂતોના તળપદા જ્ઞાનનો ઉપયોગ કૃષિ યુનિવર્સિટીના લાભાર્થે અને તેની પાસેની નવી ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતોના લાભાર્થે કરી પારસ્પરિક સહયોગ વડે વિકાસનો નવો જનમાર્ગ ખોલવાની વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ ખેડૂતની દશા બાપડાબિચારા જેવી કરી દીધી હતી, જ્યારે વર્તમાન સરકાર ખેડૂતોને બજાર સાથે જોડવા પ્રયાસ કરી રહી છે. તે ખેડૂતોનું હિત ઇચ્છે છે, તેથી જ્યારે અગાઉ દિલ્હીથી નીકળતો એક રૂપિયો છેવાડાના માણસ સુધી પહોંચતા 15 પૈસા થઈ જતો હતો, તેની સામે આજે જ્યારે રૂપિયો નીકળે છે તો તે જેની જરૂરિયાત હોય તે ખાતામાં સીધો રૂપિયો જમા થાય છે. ખેડૂતોના ખાતામાં સીધી રકમ જમા થાય છે.
તેમણે ઉમેર્યુ હતું કે ખેડૂતમાં અપાર ક્ષમતા છે, તેની શક્તિઓ અને ક્ષમતાઓને દબાઈ રાખવામાં આવી છે. તેને કુંઠિત કરી દેવાઈ છે. અમે બીજું કશું જ કરી રહ્યા નથી પણ ખેડૂતોની આ ક્ષમતાઓને બહાર લાવી રહ્યા છીએ. ખેડૂત પોતે એગ્રી આંત્રપ્રિન્યોર છે, દરેક ખેડૂત એક ઉદ્યોગસાહસિકથી ઓછો નથી, જે ધરતીની છાતી ચીરીને તેમાથી અનાજ પેદા કરે અને સમગ્ર રાષ્ટ્રનું પોષણ કરે છે તે કેવી રીતે બિચારો હોઈ શકે. જરૂરી સંસાધન પૂરા પડાય અને સરકારી અવરોધો દૂર થાય તો ખેડૂતની પ્રગતિને કોઈપણ રોકી શકે તેમ નથી.
કોરોનાના કાળમાં વેપાર ધંધા બેસી ગયા હતા તે સમયે ખેડૂતોની ઉત્કૃષ્ટ કામગીરી અને તેના પરિણામે થયેલી નિકાસોએ દેશના અર્થતંત્રના પૈડા ફરતા રાખ્યા હતા. દેશના અર્થતંત્રને ધમધમતુ રાખ્યું હતું.