પ્રિન્સ ચાર્લ્સે લાદેનના કુટુંબ પાસેથી દસ લાખ પાઉન્ડ લીધાના ઘટસ્ફોટથી સનસનાટી

| Updated: August 1, 2022 4:00 pm

બ્રિટિશ રાજવી કુટુંબના પાટવીકુંવર અને પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ ચાર્લ્સે (Prince charles) ઓસામા બિન લાદેન (Osama Bin Laden)ના કુટુંબ પાસેથી દસ લાખ પાઉન્ડ સ્વીકાર્યા હોવાનો ઘટસ્ફોટ સન્ડે ટાઇમ્સે (Sunday Times) કરતા સનસનાટી મચી ગઈ છે. પ્રિન્સ ચાર્લ્સે 2011માં ઓસામા બિન લાદેનને ઠાર મારવામાં આવ્યાના બે વર્ષ પછી 2013માં તેમના બે સાવકા ભાઈઓ પાસેથી નાણા સ્વીકાર્યા હતા. આ ભંડોળ પ્રિન્સ ઓફ વેલ્સ ચેરિટેબલ ફંડ (PWCF)ને મળ્યું હતું.

ક્લેરન્સ હાઉસે ખાતરી આપી હતી કે PWCF દ્વારા આ અંગે તલસ્પર્શી ચકાસણી કરવામાં આવી છે. નિર્ણય લેવાનો અધિકાર ટ્રસ્ટીઓ પાસે હતો. હવે આ બાબતને જુદી રીતે દર્શાવાય તે ખોટું છે. તેણે જણાવ્યું હતું કે અખબારે દર્શાવેલા ઘણા મુદ્દા સામે તેને વાંધો છે. બિન લાદેનને તો 1994માં જ તેના કુટુંબે હાંકી કાઢ્યો હતો અને તેના સાવકા ભાઈઓ તેની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાના પુરાવા નથી. અહેવાલ મુજબ પ્રિન્સ ચાર્લ્સે ક્લેરન્સ હાઉસમાં બકર સાથેની મુલાકાત બાદ શ્રીમંત સાઉદી પરિવારના વડા બકર બિન લાદેન અને બકરના ભાઈ શફીક પાસેથી ભંડોળ લીધુ હતુ.

આ પણ વાંચોઃ સંજય રાઉતની ઇડીએ અટકાયત કરતાં શિવસેનાને મોટો ફટકો

સન્ડે ટાઇમ્સે અનેકવિધ સ્ત્રોતોને ટાંકીને જણાવ્યું હતું કે બ્રિટિશ તાજના આ વારસદારે ક્લેરેન્સ હાઉસ અને PWCFના સલાહકારોના વાંધાઓ છતાં પણ પણ લાદેન કુટુંબ પાસેથી આ દાન લીધુ હતુ. જો કે PWCFના ચેરમેન સર ઇયાન ચેશાયરે અખબારને જણાવ્યું હતું કે 2013માં મેળવાયેલા આ દાન અંગેનો નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા બહુ સમજી વિચારીને અને અત્યંત કાળજીપૂર્વક લેવાયો હતો. આ માટે અત્યંત તલસ્પર્શી છણાવટ કરવામાં આવી હતી, સરકાર સહિતના વ્યાપક સ્ત્રોતો પાસેથી માહિતી માંગવામાં આવી હતી. આ નિર્ણય સંપૂર્ણપણે ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.

PWCF યુકેમાં નોંધાયેલા સ્વૈચ્છિક સંગઠનોને યુકે, કોમનવેલ્થ અને વિદેશના પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ આપે છે. આમ કોઈ નિયમ અને કાયદો તોડવામાં આવ્યો નથી. તમામ યોગ્ય તપાસ હાથ ધરાઈ હતી અને વિદેશી ઓફિસને પણ તેનો અભિપ્રાય આપવા માટે કહેવામાં આવ્યું હતું, જેણે આ દાનને મંજૂરી આપી હતી.

તો આ ફ્રન્ટ પેજ ન્યુઝ શું છે? પ્રિન્સ ઓફ વેલ્સ ચેરિટેબલ ફંડના સ્ત્રોતે બીબીસીને જણાવ્યું હતું કે લાદેનના પાપોની સજા કંઈ તેના સમગ્ર કુટુંબને ન આપી શકાય. લાદેનના લીધે તેના કુટુંબના બધા સભ્યો કોઈપણ પ્રકારનું દાન આપવા માટે ગેરલાયક ઠરતા નથી.

પરંતુ તેની સાથે-સાથે શું પ્રિન્સ ચાર્લ્સ કે તેમનું આંતરિક વર્તુળ ખરેખર વિચારતું ન હતું કે લાદેન પાસેથી ભંડોળ લેવાનો વિચાર ખરેખર સારો હતો?  અથવા તો તેઓ એવું માનતા હતા કે જ્યાં સુધી તે જાહેર કરવામાં આવ્યું નહી ત્યાં સુધી તે સારું હતું.

મંત્રીઓ અને સંસદના સભ્યો અંતે મતપેટી દ્વારા સંચાલિત થાય છે. રાજવી કુટુંબ તેની સ્થિતિ અને સત્તા એક અલગ જગ્યાએથી મેળવે છે. લોકો દ્વારા સ્થાયી સ્વીકૃતિ કે એકંદરે તેઓ દેશને ક્રેડિટ આપે છે. ઉલ્લેખનીય છે કે ઓસામા બિન લાદેન અમેરિકા પર થયેલા 9-11નો મુખ્ય આરોપી હતો. તેમા લગભગ ત્રણ હજાર લોકો માર્યા ગયા હતા અને તેમા 67 બ્રિટિશર્સ પણ હતા. શું રાજવી કુટુંબને આવી વ્યક્તિના કુટુંબ પાસેથી ભંડોળ લેવાનું યોગ્ય લાગે છે, પછી ભલેને તે નિયમની રીતે બરોબર છે, પણ શું તે નૈતિક રીતે યોગ્ય છે.

Your email address will not be published.