ડિજિટલ યુગમાં પણ પ્રિન્ટેડ કોમિક્સ ઘણા લોકપ્રિય

| Updated: April 29, 2022 8:04 pm

અમર ચિત્રકથા (એસીકે) જૂથના એક્ઝિક્યુટિવ એડિટર રીના પુરીએ તેમના સંતાનોના આગ્રહના લીધે ટિન્કલ માટે લખવાની ઓફર સ્વીકારી હતી. તેમના સંતાનો પણ કોમિક્સના ચાહક છે. તેમણે અહીં વાત કરી છે કે શા માટે એસીકે જૂથ પોતે સુપરહીરો કોમિક્સ લાવ્યું નથી. તેની સાથે બાળકો માટે લખવાના કયાકયા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે તેની વાત કરી હતી.

1.બાળક તરીકે તમને કોમિક્સનું વળગણ હતું? બાળક માટે કોમિક્સ તે તેમને પુસ્તકો વાંચવાની દિશામાં લઈ જતું પ્રથમ પગથિયું છે?

મને કોમિક્સ ખૂબ જ ગમે છે. હું બીનો, જુન અને સ્કૂલ ફ્રેન્ડ, ફેન્ટમ, બેટમેન, કમાન્ડો અને આર્ચીઝ કોમિક્સનો આનંદ ઉઠાવતી હતી. હવે જે બાળકો વાંચતા નથી તેમના માટે કોમિક્સ ચોક્કસપણે તેમને પુસ્તક તરફ લઈ જવાની દિશામાં ગરજ સારે છે. મારા બાળકો નાના હતા ત્યારે દરરોજે હું મારા સંતાનોને તેની વાર્તા કહી સંભળાવતી હતી. મારા મોટા સંતાનને સ્વાભાવિક રીતે પુસ્તકો પસંદ છે. મારા નાના પુત્રએ થોડા સમય પહેલા જ ટિન્કલ વાંચવાનું શરૂ કર્યુ હતુ.

2.આજના ડિજિટલ યુગમાં પ્રિન્ટ કોમિક્સ માટે તેનો ચાર્મ જાળવી રાખવો કેટલો અઘરો છે?

કોરોના આવ્યો ત્યારે રિટેલ વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો ત્યારે અમે એસીકે અને ટિન્કલ એપ્સ સાથે આવ્યા. એપ્સ સારી કામગીરી બજાવી રહ્યા છે, પરંતુ માબાપ પ્રિન્ટેડ નકલ ઇચ્છે છે કારણ કે તેઓ ઇચ્છતા નથી કે તેમનું બાળક લાંબા સમય સુધી મોબાઇલને વળગેલું રહે. ગયા વર્ષે જ અમે 1,200 પાના પ્રકાશિત કર્યા હતા. આમ પ્રિ્ન્ટ મીડિયા કોમિક્સમાં ઘટાડો થયો નથી.

3.પુખ્ત વયનાઓ માટે લખવા કરતા બાળકો માટે લખવું કેટલું અઘરું છે?

તમે જ્યારે બાળકો માટે લખો છો ત્યારે તમારે પોતે બાળક જ બની જવું પડે છે. તેની જેમ જ વિચારવું પડે છે. આ રીતે કરી શકો તો જ તમે તેને ગમે તેવી વસ્તુ લખી શકો. દરેક પેઢીના બાળકો તેમની શીખવાની આગવી લાક્ષણિકતા સાથે આવે છે. તેમનો પોતાનો આગવો અનુભવ હોય છે. આજના સમયમાં વિવિધ બાબતોને લઈને બાળકોનું એક્સ્પોઝર અને જાગૃતિ જે રીતે વધી રહી છે તે જોતાં તેમના માટે લખવું અઘરું થઈ ગયું છે.
અમારી ભાષા એકદમ સરળ છે. અમે જાતિ, વય અને રંગોને લઈને એકદમ સંવેદનશીલ રહીએ છીએ. રાક્ષસોને વધુ પડતા કાળા અને દેવોને વધુ પડતા ગોરા બતાવતા નથી. મહિલાઓને રસોડામાં રાંધતી અને પુરુષોને અખબાર વાંચતા બતાવતા નથી. મારી ટીમમાં ઘણા યુવાનો છે અને તેઓ કોઈપણ પ્રકારના ભેદભાવને લઈને એકદમ સંવેદનશીલ છે.

4.એસીકે અને ટિન્કલની સ્થાપના પાછળ ગ્રુપના સ્થાપક અનંત પાઇનું વિઝન શું હતું?

મેં 1991થી 2005 સુધી મિ. પાઈ સાથે કામ કર્યુ છે. તે મારા મિત્ર અને માર્ગદર્શક હતા. એસીકેને 1967માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેનું ધ્યેય ભારતીય બાળકોને તેમના સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરાવવાનો હતો. પાઇનું માનવું હતું કે બાળકોને તેમની સંસ્કૃતિથી અલગ પાડી દેવાયા છે. તેઓ બાળકોને તેમના મૂળિયા અંગે સભાન બનાવવા માંગતા હતા અને ઇચ્છતા હતા કે તેઓ પોતાની સંસ્કૃતિને ઓળખે અને ગૌરવ અનુભવે.
ટિન્કલ 1980માં આવી. તે પાઇની ટીમનું સર્જન હતું. તે એકદમ હળવુ, રમૂજી અને હાસ્યરસથી ભરેલું હતું. તેના પાત્રો જેવા કે ‘શિકારી શંભુ,’`સુપાંડી’ અને ‘તંત્રી ધ મંત્રી’ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. ટિંકલની ટેગલાઇન હતી ‘વેર લર્નિંગ મીટ્સ ફન’. તે એકદમ મનોરંજક છે, પરંતુ તેમા શાળાએ જનારા બાળકો માટે શીખવા જેવું ઘણુ બધુ છે. અમે ક્વિઝ દ્વારા ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાન અંગે જણાવીએ છીએ, વાર્તાઓ અને પ્રવાસ કરીએ છીએ. એસીકે અને ટિન્કલ મનોરંજન તથા શિક્ષણનું મિશ્રણ છે. લોકકથાઓનું લક્ષ્યાંક યુવા બાળકો છે, આ સિવાય ટીનેજરો માટે બાયોગ્રાફીઓ છે. તેનું ઘણી પ્રાદેશિક અને વિદેશી ભાષાઓમાં પણ ભાષાંતર થયુ્ં છે.

5.શા માટે એસીકેએ દંતકથાઓ અને ઇતિહાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ?

એસીકેએ ફક્ત દંતકથાઓ અને ઇતિહાસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે તેવું નથી. તેણે ઘણી લોકકથાઓ અને લોકસાહિત્ય અને બાયોગ્રાફીઓને પણ આકર્ષી છે. અમે અમારી કોમિક્સમાં એમ.એસ. સુબ્બાલક્ષ્મી, ધ્યાનચંદ, સલીમ અલી અને બીજા ઘણા અંગે જણાવ્યું છે. એસીકે કોમિકના દરેક વિષય માટે ઘણુ સંશોધન થાય છે. અમે વય મુજબ ભાષાકીય રીતે લખીએ છીએ. લોકકથાનું લક્ષ્યાંક નાના બાળકો તથા જીવનકથાનું લક્ષ્યાંક ટીનેજરો હોય છે. અમે ક્યારેય સુપર હીરો જેવા કોમિક બનાવ્યા નથી, કારણ કે પાઇ માનતા હતા કે આપણી કોમિક્સ વાસ્તવિક હોવી જોઈએ. તેમનું માનવું હતું કે બાળકોમાં વાસ્તવિક જીવનમાં સુપરહીરો બનવાની ક્ષમતા છે. તેથી હવે જો તેમને જાદુઈ સત્તાવાળો સુપર હીરો બતાવવામાં આવે તો તેઓ પોતે તેમની ક્ષમતા ઓછી આંકવા લાગશે.

6.તાજેતરના રસપ્રદ પ્રોજેક્ટ અંગે જણાવો

મારું તાજેતરનું પ્રિય પુસ્તક ‘વીમેન ઇન પાવર’ છે. આ સંસ્કૃતિ મંત્રાલયનો પ્રોજેક્ટ છે. અમે હવે આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓ પર પ્રકાશન કરવાનું કામ કરી રહ્યા છીએ. અમે હવે તેમા 32 પાનાના કોમિક્સની સાથે કલેકશન્સ પ્રકાશિત કરીએ છીએ. અમારુ અલ્ટિમેટ કલેકશન્સ અત્યંત લોકપ્રિય નીવડ્યું છે, તેમા પણ ખાસ કરીને એનઆરઆઇમાં વધારે લોકપ્રિય નીવડ્યું છે.

Your email address will not be published.