બોરિસ જ્હોન્સન અને પ્રીતિ પટેલે દિવાળીએ લંડનના સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી

| Updated: November 9, 2021 4:06 pm

યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ભારતીય મૂળના બ્રિટિશ ગૃહ સચિવ પ્રીતિ પટેલે રવિવારે લંડનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો સાથે દિવાળી અને હિન્દુ નવા વર્ષની ઉજવણી કરી હતી – જે ‘નીસડન(Neasden) ટેમ્પલ’ તરીકે પ્રખ્યાત છે.

મુલાકાત દરમિયાન જોહ્ન્સનને BAPS વતી સાત વર્ષની બાળકી અમીષા પટેલે તેમના એક વર્ષના પુત્ર વિલ્ફ્રેડ માટે લાંબી બાંયનું ટી શર્ટ તેમજ તેમના આવનારા બીજા બાળક માટે મંદિરના ફોટા સાથેનું ‘ઓનિસી’ આપ્યું હતું.

જ્હોન્સન અને સૅલ્મોન ગુલાબી રંગના લહેંગામાં સજ્જ પ્રીતિ પટેલનું ઉત્તર લંડનના મંદિરમાં હિન્દુ પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરાયું હતું. મંદિરના અંતરિક ગર્ભગૃહમાં જહોન્સન અને પ્રીતિ પટેલે પૂજા અર્ચના કરી. ભગવાનને દૂધ અને ફળ ચઢાવ્યા હતા. તેમણે અન્નકુટના દર્શન પણ કર્યા હતા અને ભગવાન સ્વામિનારાયણના યુવા સ્વરૂપ શ્રી નીલકંઠ વર્ણીનો અભિષેક કર્યો હતો.

તેમણે BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત નિસડન મંદિરના કોવિડ-19 માટેની રાહત કામગીરીને લગતું પ્રદર્શન નિહાળ્યું હતું.મહંત સ્વામીએ માર્ચ 2020 માં તમામ BAPS સ્વયંસેવકોને રોગચાળાની સ્થિતિમાં લોકોની સેવા કરવા હાકલ કરી હતી.

વડાપ્રધાન અને ગૃહ સચિવ ભારતીય મૂળના BAPS ભક્તો અને સ્વયંસેવકોને પણ મળ્યા હતા જેઓ જરુરિયાતમંદ લોકો માટે ભોજન તૈયાર કરતાં હતા. બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે યુનાઇટેડ કિંગડમમાં જે યોગદાન આપ્યું છે તે અમૂલ્ય છે. હું તેને આજે અહીં નીસડન મંદિરમાં જોઉં છું. હું અહીં ઘણી વખત આવ્યો છું, લંડનના લોકો નીસડન મંદિર પ્રત્યે અનોખી શ્રદ્ધા ધરાવે છે.હિન્દુઓએ યુકેમાં અમારી પોલીસ અને એનએચએસમાં સેવા આપવાથી લઇ કોવિડનના રસીકરણ સુધી યોગદાન આપ્યું છે.હિન્દુ સમુદાયને નવા વર્ષ અને દિવાળીની શુભકામનાઓ.

બ્રિટનના ગૃહ સેક્રેટરી પ્રીતિ પટેલનો જન્મ લંડનમાં યુગાન્ડાથી આવેલા ભારતીય પરિવારમાં થયો હતો. તેમના દાદા-દાદીનો જન્મ ગુજરાતમાં થયો હતો અને 1950માં યુગાન્ડા ગયા હતા. યુગાન્ડાના ભૂતપૂર્વ પ્રમુખ ઈદી અમીન દ્વારા 1970ના દાયકામાં ભારતીયેને હાંકી કાઢવામાં આવ્યા હતા.ત્યારે તેમનો પરિવાર બ્રિટન સ્થાયી થયો હતો જ્યાં પ્રીતિ પટેલનો જન્મ થયો હતો. તેમના માતા-પિતા, અંજનાબહેન અને સુશીલભાઇ તેમજ અને તેના દાદા-દાદી, રણછોડભાઈ ઉમેદભાઈ પટેલ અને ચંચલબેન રણછોડભાઈ પટેલ, યુગાન્ડાના કમ્પાલામાં BAPS મંદિરના હરિભક્ત હતા. રણછોડભાઈ ઉમેદભાઈ પટેલ કે જેઓ આર. યુ. પટેલ તરીકે જાણીતા છે, તેઓ BAPS યુગાન્ડાના અધ્યક્ષ હતા.

બોરિસ જોન્સને ટ્વીટમાં કહ્યું હતું કે નીસડનમાં મંદિરમાં સામુદાયિક ભાવનાથી લોકોને કામ કરતાં જોવા પ્રેરણાદાયી છે. પ્રીતિ પટેલ અને મેં જોયું કે હિન્દુઓએ યુકેમાં અમારી પોલીસ અને એનએચએસમાં સેવા આપવાથી લઇ કોવિડની રસીને લાગૂ કરવા સુધી યોગદાન આપ્યું છે. આપણા અદભુત હિન્દુ સમુદાયને નવા વર્ષ અને દિવાળીની શુભકામનાઓ.

Your email address will not be published.