દારૂબંધી કાયદોઃ દોઢ વર્ષમાં અઢી લાખ પકડ્યાનો દાવો કરતી ગુજરાત પોલીસ

| Updated: August 1, 2022 12:14 pm

ગુજરાત પોલીસે દાવો કર્યો છે કે ગેરકાયદેસર દારૂના ઉત્પાદન, દાણચોરી, વેચાણ અથવા વપરાશ કે કબ્જાના કેસોમાં છેલ્લા દોઢ વર્ષમાં સમગ્ર રાજ્યમાં કુલ 2.5 લાખથી વધુ લોકોની દારૂબંધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં તાજેતરમાં બોટાદ ખાતે લઠ્ઠાકાંડ થયો ત્યારે બધાએ ગુજરાતની દારૂબંધીને લઈને મજાક ઉડાડી હતી તેના લીધે ગુજરાતે પોલીસે આ જવાબ આપવો પડ્યો છે. લઠ્ઠાકાંડે અમદાવાદ અને બોટાદના ગામોમાં તબાહી મચાવતા સત્તાવાર રીતે તેમા 42ના મોત થયા છે. રાજ્ય સરકારે તો બોટાદને લઠ્ઠાકાંડ નહી પણ કેમિકલ કાંડ ગણાવ્યો છે અને આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરી છે.

ગુજરાત પોલીસના ડાયરેક્ટર (ડીજીપી) આશિષ ભાટિયાની ઓફિસેથી જણાવાયા મુજબ રાજ્યમાં જાન્યુઆરી 2021થી જુલાઈ 2022 સુધીમાં કુલ 2,52,071 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં 1,99,622 લોકોને દેશી દારૂના કેસમાં પકડવામાં આવ્યા હતા, જ્યારે 52,449ને ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) સાથે સંકળાયેલા કેસમાં પકડવામાં આવ્યા હતા. દારૂબંધી કાયદા હેઠળ કુલ 2,54,203 એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી, તેમાથી 43,355 એફઆઇઆર IMFL માટે અને 2,10,484 દેશી બનાવટના દારૂના કેસો માટે હતી.

કમિશ્નરની ઓફિસના નિવેદન મુજબ જાન્યુઆરી 2021થી જુલાઈ 2022 સુધીમાં ગેરકાયદેસર દારૂ અને તેની દાણચોરીમાં સામેલ 18,658 વાહનો જપ્ત કર્યા છે, જપ્તીની કુલ કિંમત 273.68 કરોડ છે. વધુમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા આ કેસો પૈકી ઓછામા ઓછા 28,100 કેસ લિસ્ટેડ બુટલેગરો સામે હતા. અમે અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ (પાસા) અધિયિનયમ હેઠળ 1,234 બુટલેગરોની ધરપકડ પણ કરી છે અને અન્ય 749 બુટલેગરોને તડીપાર પણ કર્યા છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના ક્રાઇમ ઇન ઇન્ડિયા 2020ના અહેવાલ મુજબ ભારતના ચાર ડ્રાય સ્ટેટમાં એક ગુજરાતમાં દારૂબંધીના સૌથી વધુ 2,42,847 કેસનોંધાયા છે. તેના પછી બિહારમાં 45,235 કેસ અને મિઝોરમમાં 251 અને નાગાલેન્ડમાં 229 કેસ નોંધાયા છે. એનસીઆરબીના અહેવાલોમાં પ્રતિબંધ કાયદા હેઠળ ધરપકડનો ઉલ્લેખ નથી, પરંતુ તેમને એસએસએલ (વિશેષ અને રાજ્ય કાયદા) હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 2020માં ગુજરાતમાં એસએલએલ ગુનાઓ હેઠળ 3,84,860 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી ,જેમાથી સૌથી વધુ હિસ્સો દારૂબંધીના કેસોનો હતો.

Your email address will not be published.