માધવપુર ખાતે સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા મહાભારતને લઈ વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરતમાં વિવિધ હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા કામરેજના ધારાસભ્યની ઓફિસ બહાર બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
માધવપુર ઘેડ ખાતે પાંચ દિવસીય સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ તેમજ અન્ય રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો હાજર રહયા હતા. આ કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા મહાભારતને લઈ વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું.
સી આર પાટીલ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાને તેમની પત્ની કહેતા મામલો વિવાદાસ્પદ બન્યો હતો. મહત્વનું છે કે ભગવાન માધવરાય અને રૂક્ષ્મણી જીના વિવાહની પરંપરા જાળવી રાખવા માટે 5 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે તેવામાં સી આર પાટીલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપતા સુરતમાં કામરેજ ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયાની ઓફિસ ખાતે સુરતના વિવિધ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ આ મામલે માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
જોકે ધારાસભ્ય ઓફિસે હાજર ન હોવાથી વાતનો નિવેડો આવ્યો ન હતો. જ્યા સુધી સી આર પાટીલ માફી નહીં માંગે ત્યાં સુધી તેમનો વિરોધ કરવામાં આવશે તેવું હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જો સી આર પાટીલ માફી નહીં માંગે તો રાજીનામુ આપે તેવી માંગ કરી હતી.
( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )