ચુંટણી પહેલા વિરોધનાં પગલે ભાજપ સરકારને અનેક નીતિમાંથી પીછેહઠ કરવાની ફરજ પડી?

| Updated: May 27, 2022 7:33 pm

તંગ ભવાં, ચિંતાતુર ચહેરાઓ અને દોડધામ. ના, આ ગુજરાત કોંગ્રેસનું કાર્યાલય નથી, રાજ્યની ભાજપ સરકારની વાત છે. ગુજરાત પર ત્રણ દાયકા સુધી રાજ કરનાર અજેય પક્ષ પોતાના નિર્ણયો પાછો ખેંચી રહ્યો છે અથવા રદ કરી રહ્યો છે.

ગભરાટ સ્પષ્ટ દેખાય છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને તેમના 2022-23ના બજેટ ભાષણમાં જાહેર કરેલો પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનાં ઉગ્ર આંદોલનને ધ્યાનમાં રાખીને રદ કરી દેવાયો છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને સાંકળતા આ આંતર-રાજ્ય પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન રાજ્યના બજેટ સત્ર દરમિયાન શરૂ થયું હતું. દક્ષિણ ગુજરાતના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં અસરગ્રસ્ત આદિવાસી વિસ્તારોમાં દેખાવો ઉપરાંત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આંદોલન શરુ થયું હતું.

સરકારે પહેલા તો આ પ્રોજેક્ટને સ્થગિત કર્યો હતો, પરંતુ ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ તેને નવેસરથી શરૂ કરવામાં આવશે તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. આખરે, રાજ્ય સરકારે પ્રોજેક્ટને રદ કરવાની જાહેરાત કરીને અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે આ પ્રોજેકટ માટે સંમતિ આપી નથી. જોકે કોંગ્રેસે સરકારના ઇરાદા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરીને આ મુદ્દો હજુ છોડ્યો નથી.

સરકારની પીછેહઠનું બીજું ઉદાહરણ રખડતા ઢોરના માલિકો સામેનો કડક કાયદો છે, જેને રાજ્ય વિધાનસભામાં મધરાત સુધી ચાલેલી ચર્ચા બાદ પસાર કરાયો હતો.

રખડતા ઢોરના ત્રાસ અંગેની અરજીના પગલે સરકારે ગુજરાત હાઇકોર્ટમાં ખાતરી આપી હોવાથી વિધાનસભામાં આ કાયદો રજૂ કરવામાં આવ્યો હતો. કાયદાની અનેક વિવાદાસ્પદ જોગવાઈઓમાંની એક એ હતી કે પશુપાલન કરવા ઇચ્છતા કોઈપણ નાગરિકને જિલ્લા કલેક્ટરની પરવાનગી લેવી પડશે. ઉપરાંત જે રખડતાં ઢોરોને જીઓ-ટેગ કરવામાં આવ્યાં ન હોય તેમના માલિકોને રૂ.50,000નો દંડ ફટકારવામાં આવશે. જ્યારે આવા રખડતાં પ્રાણીઓની કિંમત દંડની રકમથી અડધી પણ નથી હોતી.

માલધારી સમાજ (પશુપાલકો)ના ભારે વિરોધને પગલે સરકારને સમગ્ર કાયદો પાછો ખેંચવાની ફરજ પડી હતી. હાઈકોર્ટમાં અપાયેલી ખાતરી અંગે પૂછવામાં આવતા સરકારે મીડિયાને જણાવ્યું હતું કે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનો પાસે રખડતા ઢોરના ત્રાસને રોકવા માટે પૂરતી સત્તા છે અને તેનો કડક અમલ કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતભરમાં એક અસાધારણ વિરોધ પ્રદર્શનમાં, પોલીસ સ્ટાફ અને તેમના પરિવારો લાંબા સમયથી પડતર પગાર ગ્રેડનાં અમલની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

સેંકડો પોલીસ કોન્સ્ટેબલોના પરિવારોએ દિવસો સુધી દેખાવો અને ભુખ હડતાળ પણ કરી હતી. પોલીસકર્મીઓએ તેમના જ સાથીદારોના પરિવારોને વિખેરવા પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લાંબા સમય સુધી અવગણના કર્યા પછી, રાજ્ય સરકારને આખરે પોલીસ પરિવારોનો ગુસ્સો શાંત કરવા માટે એક સમિતિની રચના કરવાની ફરજ પડી હતી.

જુનિયર સરકારી રેસિડેન્ટ ડોક્ટરો ઘણીવાર હડતાળ પર જતા હોય છે, પરંતુ આ વખતે મેડિકલ કોલેજોના ડીન અને પ્રોફેસર કેડરનાં સિનિયરો પણ સાતમા પગારપંચના અમલની માગણી સાથે હડતાળ પર ઉતર્યા હતા. આ હડતાલને કારણે રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આખરે સરકારને તેમની માંગણીઓ સ્વીકારવાની ફરજ પડી હતી. સાતમા પગારપંચની ભલામણોનો પાછલી અસરથી તાત્કાલિક અમલ કરવામાં આવ્યો હતો.

તેવી જ રીતે, સરકારને વિદ્યા સહાયકો (હંગામી શિક્ષકો)નાં પગારમાં વધારો કરવાની અને તેમને સરકારના રોલ પર લેવાની માંગણી સ્વીકારવાની ફરજ પડી હતી કારણ કે તેમની જોબ પ્રોફાઇલ નિયમિત સરકારી શિક્ષકોની સમકક્ષ છે.

Read Also : રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાતા અરવિંદ રૈયાણીનો માતાજીના મંડપમાં ધૂણતો વિડિયો વાઇરલ

Your email address will not be published.